Gir Somnath

ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું: નદીના પાણી ઘરોમાં ઘૂસતાં ફસાયેલા 254નું રેસ્ક્યૂ, ઉનામાં 4 માછીમારોને બચાવાયા

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ગીર સોમનાથમાં 4 જુલાઈ, 2026ની રાત્રે ભારે વરસાદથી રૂપેણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ગાંગડા ગામમાં નદીનો પાળો તૂટતા પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. વહીવટી તંત્ર અને SDRF ટીમે 250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉનાના સામતેર ગામમાં ફસાયેલા 4 અને દરિયામાં તણાયેલી બોટમાંથી 4 માછીમારોને પણ બચાવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગીર સોમનાથમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું: નદીના પાણી ઘરોમાં ઘૂસતાં ફસાયેલા 254નું રેસ્ક્યૂ, ઉનામાં 4 માછીમારોને બચાવાયા

Gir Somnath Heavy Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ગત 4 જુલાઈ, 2026ની રાત્રે ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. જેમાં ગાંગડા ગામે પૂર આવતા નદીના પાણી લોકોમાં ઘરમાં ઘૂસ્યા હતા. આ સ્થિતિમાં પાણીમાં ફસાયેલા 250 જેટલાં લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ઉના તાલુકાના સામતેર ગામે અતિ વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 વ્યક્તિનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

GujaratSamachar-2026-07-05T151522.404-ezgif.com-video-to-gif-converter.gif

ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ, ઘરોમાં પાણી ઘૂસતા 250 લોકોનું રેસ્ક્યૂ

અતિભારે વરસાદી સ્થિતિમાં ગીર સોમનાથના ગાંગડા ગામે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જતાં વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી દાખવી 250 જેટલાં લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગાંગડા ગામે ગત રાતના આશરે 1 વાગ્યે ભારે વરસાદના કારણે ગામની નજીક આવેલી રૂપેણ નદીનો પાળો તૂટી ગયો હતો. આ પાળો તૂટવાના કારણે રૂપેણ નદીનું પાણી ગાંગડા ગામના નવા પ્લોટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયું હતું. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આશરે 250 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોવાનું વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું.

પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, પોલીસ વિભાગ તેમજ એસ.ડી.આર.એફની ટીમ દ્વારા સંયુકત રીતે ગાંગડા પ્રાથમિક શાળા તેમજ બાપાસિતારામ આશ્રમ ખાતે રેસ્ક્યૂની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તંત્ર દ્વારા 115 જેટલાં વ્યકતિઓને રહેવા, જમવા તેમજ સુવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Gujarat Samachar (86).gif

ઉના: સામતેર ગામે અતિ વરસાદમાં ઘરમાં પાણી ભરાયા, 4નું રેસ્ક્યૂ

બીજી તરફ, ઉના તાલુકાના સામતેર ગામે અડધી રાતે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા ઘરમાં ફસાયેલા 4 લોકોનું વહીવટી તંત્ર અને એસ.ડી.આર.એફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરી અને પ્રાથમિક શાળા-સુલતાનપુર ખાતે શિફટ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને રહેવાની અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉનાના દરિયામાં બોટ-હોડી તણાઈ, 4 માછીમારોને બચાવાયા

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનના પરિણામે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ઉના તાલુકાના સૈયદ રાજપરામાં લાંગરેલી 5 થી 6 બોટ અને 2-3 નાની હોડીઓ સમુદ્રમાં તણાઈ હતી. તણાઈ ગયેલી બોટમાંથી એક બોટમાં 4 માછીમાર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બોટ-હોડીના રેસ્ક્યૂ માટે કોસ્ટગાર્ડના જવાનો સૈયદ રાજપરા ખાતે રવાના થયા હતા. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા નવાબંદર ખાતે કમલેશ જીલુભાઇ બારૈયા, નરશી બચુભાઇ બાંભણીયા, રવજી બાબુભાઇ શિયાળ તથા રામજી બાબુભાઇ શિયાળનું સલામત રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા.

GujaratSamachar-2026-07-05T151624.922-ezgif.com-video-to-gif-converter.gif