સાગબારા જંગલ જમીન વિવાદ: ધરણાનો આજે ચોથો દિવસ, ભાજપ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આપ્યું આશ્વાસન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sagbara Land Dispute: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણ અને હક્કોને લઈને ચાલી રહેલું આંદોલન વધુ તીવ્ર બન્યું છે. આજે સતત ચોથા દિવસે આદિવાસી ખેડૂતોનું ખેડાણ અને ધરણા પ્રદર્શન યથાવત રહ્યું છે. બીજી તરફ, આ આંદોલનમાં સ્થાનિક અગ્રણી લીલાબહેન વસાવા છેલ્લા 4 દિવસથી અન્નનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે.
ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા સ્થળની મુલાકાત લીધી
સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આજે સ્થાનિક ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આંદોલનકારીઓના ધરણા સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ઉપવાસ પર બેઠેલા લીલાબહેન વસાવા સહિત ગ્રામજનો સાથે સ્થળ પર ચર્ચા-વિચારણા કરી હતી અને આ પ્રશ્નનો ઝડપી ઉકેલ આવશે તેવી ખાતરી આપી આશ્વાસન આપ્યું હતું. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'આદિવાસી ખેડૂતોના આ પડતર પ્રશ્ને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી સાથે રૂબરૂ મળીને રજૂઆત કરી છે. હાલ વિધાનસભા/સરકારી સત્ર ચાલુ હોવાથી, સત્ર પૂર્ણ થયા બાદ આગામી 15મી ઓગસ્ટ પછી સાંસદ અને પ્રતિનિધિઓ ફરી એકવાર મુખ્યમંત્રીને મળીને આ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે.'
ટૂંક સમયમાં નિવેડો આવવાની આશા
ધારાસભ્યએ સરકાર પાસે પણ માંગ કરી છે કે આ સંવેદનશીલ બાબતે સકારાત્મક વલણ અપનાવીને યોગ્ય નિર્ણય લેવામાં આવે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આદિવાસી ખેડૂતોના હિતમાં ટૂંક સમયમાં જ જંગલ જમીન વિવાદનો કાયમી અને હકારાત્મક નિવેડો આવી જશે.
હવે રાજ્ય વનમંત્રાલયના અભિપ્રાય પર નજર આદિવાસી વોટબેંકને લઈને રાજકારણ ગરમાયું
સાગબારાના 12 ગામોનો વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યો છે. આ પ્રશ્ન માત્ર સામાન્ય ખેતી વિવાદ નથી, પરંતુ આદિવાસી પરિવારોની આજીવિકા, વનજમીન પર ખેતીના અધિકાર અને જમીનની માલિકીના હક્ક સાથે સીધો જોડાયેલો છે. આદિવાસી પરિવારો લાંબા સમયથી આ મુદ્દે કાયમી અને કાયદાકીય ઉકેલની માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છેકે, આ જ મામલે આદિવાસી દિને ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ ધરણાં પર બેઠાં હતાં. આ સમગ્ર બાબત વન વિભાગ હેઠળ આવતી હોવાથી પ્રાથમિક તબક્કે સ્થાનિક વન સમિતિનો અભિપ્રાય મહત્ત્વનો રહેશે. આ વિવાદના કાયમી ઉકેલ માટે હવે આગામી સમયમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયા સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરાશે. હવે વનમંત્રી સાથે થનારી ચર્ચા પર આદિવાસી ખેડૂતોની મિટ મંડાઈ છે.
હાલમાં દિલ્હીમાં સંસદનું સત્ર ચાલી રહ્યું હોવા છતાં સાંસદ મનસુખ વસાવાએ પાટનગરમાં અંડિંગા જમાવ્યાં છે. જોકે, રાજકીય વર્તુળોમાં એવી જોરદાર ચર્ચા ચાલી રહી છે કે જો રાજ્ય સ્તરે આ મુદ્દાનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો સાંસદ વસાવા આદિવાસી ખેડૂતોના હિત માટે દિલ્હીના દરબારમાં ભાજપ હાઈકમાન્ડ સમક્ષ પણ આ સવાલ ઉઠાવી શકે છે.









