વરસાદે ખોલી તંત્રની પોલ : ગાંધીનગરમાં ફૂટપાથ 8 મીટર પહોળા વિશાળ ભૂવામાં સમાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Heavy Rain Road Damage : રાજધાની ગાંધીનગરમાં છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરના વિકાસ અને રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 'ઘ' રોડ પર ઘ-દોઢ નજીક અચાનક જમીન ધસી પડતાં આશરે 8 મીટર ઊંડો અને 5થી 7 મીટર પહોળો વિરાટ ભૂવો પડ્યો હતો. મુખ્ય માર્ગ પર જ સર્જાયેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી વાહનોની અવરજવર નહિવત હતી અને મોટી જાનહાનિ ટળી હતી.
મેનહોલ નજીક સતત ધોવાણને કારણે ભુવો પડ્યો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રસ્તાની નીચે આવેલી વર્ષો જૂની મુખ્ય ગટર લાઇનના મેનહોલ નજીક સતત વરસાદને કારણે માટી ધોવાઈ ગઈ હતી. પરિણામે જમીન અંદરથી પોચી બનતાં અચાનક રસ્તો બેસી ગયો અને વિશાળ ભૂવો પડી ગયો. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ વિસ્તારમાં આવી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ કાયમી સમારકામના બદલે માત્ર કામચલાઉ પુરાણ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. જેના કારણે ફરી આ સ્થિતિનું પુનરાવર્તન થયું છે.
તત્કાલ ટ્રાફિક ડાયવર્ટ કરાયો
ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત ટાળવા માટે સમગ્ર વિસ્તારને બેરિકેટ્સથી ઘેરી લેવામાં આવ્યો હતો અને વાહનવ્યવહારને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેસીબી, ડમ્પર અને અન્ય આધુનિક મશીનોની મદદથી માટી પુરાણ તેમજ ગટર લાઇનના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને દર વર્ષે થતી કામચલાઉ કામગીરીને બદલે કાયમી ઉકેલ લાવવાની સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.









