Gandhinagar

ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ: રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતે દરિયાકિનારે આવેલા 17 લાઈટહાઉસને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં મોટી સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારની 75 લાઈટહાઉસને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાની પહેલ હેઠળ, ગુજરાતના માંડવી, ઓખા, પોરબંદર, દ્વારકા સહિત 17 લાઈટહાઉસ પર કેફેટેરિયા, ગાર્ડન અને લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દ્વારકા અને ગોપનાથ ખાતે લાઈટહાઉસ મ્યુઝિયમ પણ બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ: રાજ્યની 17 દીવાદાંડીઓ પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

Gujarat Develops 17 Lighthouses: દેશના ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ લાઇટહાઉસ (દીવાદાંડી)ને પ્રવાસન, સંસ્કૃતિ અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્રો તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાતે મોટી સફળતા હાસિલ કરી છે. દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમની અપાર સંભાવનાઓને સાકાર કરવા માટે રાજ્યના 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.

દીવાદાંડીઓ બનશે ઇતિહાસ, ટેક્નોલોજી અને પ્રવાસનનો અનોખો સંગમ

પરંપરાગત રીતે માત્ર જહાજો માટે માર્ગદર્શકનું કામ કરતી દીવાદાંડીઓ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુજરાતના માંડવી, રાવલપીર, સમિયાણી, ઓખા, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જેગ્રી, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ, દ્વારકા અને ઉમરગામ ખાતે આવેલા લાઇટહાઉસનો વિકાસ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે અહીં કૅફેટેરિયા, સુશોભિત બગીચા, ગઝિબો, બાળકો માટે રમતગમતના સાધનો, ઍમ્ફિથિયેટર, લાઇટ ઍન્ડ સાઉન્ડ શો, લિફ્ટ તેમજ જાહેર સુવિધાઓ ઊભી કરાઈ છે.

દ્વારકા અને ગોપનાથ ખાતે 'લાઇટહાઉસ મ્યુઝિયમ'

લાઇટહાઉસ ટુરિઝમને વધુ રસપ્રદ બનાવવા માટે દ્વારકા અને ગોપનાથ ખાતે વિશેષ 'લાઇટહાઉસ મ્યુઝિયમ'ની સ્થાપના કરવામાં આવી છે. આ મ્યુઝિયમમાં સમય સાથે લાઇટહાઉસ ટેક્નોલોજીમાં આવેલા પરિવર્તનો અને ભારતના દરિયાઈ વારસાની ગાથા રજૂ કરવામાં આવી છે, જે નવી પેઢી માટે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ ઉપયોગી સાબિત થશે.

કેન્દ્ર સરકારની દેશભરમાં 75 લાઇટહાઉસ વિકસાવવાની પહેલ

કેન્દ્ર સરકારના 'મરીન એઇડ્સ ટુ નેવિગેશન ઍક્ટ, 2021'ની કલમ 23 હેઠળ ભારતના દરિયાઈ વારસાના સંરક્ષણ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં કુલ ૭૫ લાઇટહાઉસને પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરાયા છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત 2,340.62 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ ઉપરાંત અમદાવાદના લોથલ ખાતે ભારતનું પ્રથમ 'નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ' (NMHC) પણ નિર્માણ પામી રહ્યું છે, જે રાજ્યના દરિયાઈ વારસાને વૈશ્વિક ઓળખ અપાવશે.