Gandhinagar

મહેસૂલ વિભાગ હસ્તક વર્ગ-3ના કર્મચારીઓની આંતરિક બદલી હવે કલેકટર કરી કરશે, રાજ્ય સરકારનો નિર્ણય

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલીની સત્તા હવે સંબંધિત જિલ્લા કલેક્ટરને સોંપી છે. અરજદારોના કામો ઝડપી બને તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. કલેક્ટર હવે સબ રજીસ્ટ્રાર, સર્વેયર અને કારકૂન જેવા કર્મચારીઓની તાકીદના સંજોગોમાં બદલી કરી શકશે. જોકે, આ બદલી જે તે ખાતાના મહેકમ પૂરતી જ મર્યાદિત રહેશે અને હાલના નિયમોનું પાલન કરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસૂલ વિભાગ હસ્તક વર્ગ-3ના કર્મચારીઓની આંતરિક બદલી હવે કલેકટર કરી કરશે, રાજ્ય સરકારનો નિર્ણય
ફાઈલ તસવીર

Gujarat Revenue Department Class 3 Transfer Rules: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તાઓ હવે સીધી સંબંધિત જિલ્લા કલેક્ટરને પણ સોંપવામાં આવી છે. જ્યારે, જે તે ખાતાના વડાની બદલીઓ અંગેની મૂળ સત્તા યથાવત રહેશે.

અરજદારોના કામો લંબાતા હોવાથી નિર્ણય

રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રનું સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટરઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા. હવે રાજ્ય સરકારે કલેક્ટર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં બદલીની સત્તાઓ સોંપતો નિર્ણય કર્યો છે.

જિલ્લા પૂરતી બદલી કરી શકશે

અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે કલેક્ટરઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-3ના કર્મચારીઓ જેવા કે, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-1, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. દા.ત. સેટલમેન્ટ કમિશનર તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીમાં થશે, નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કરી શકાશે નહીં.

કલેક્ટર દ્વારા બદલી કરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારી સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી ખોરવાય નહીં. આ બદલીઓ કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે