ગુજરાતમાં નવું ભાડા વિધેયક પસાર: હવે મનફાવે તેમ ડિપોઝિટ નહીં વસૂલાય, જાણો ભાડુઆતો-મકાન માલિકો માટેના નિયમો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Rent Bill 2026 Passed Assembly: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચેના સંબંધોમાં પારદર્શિતા અને શિસ્ત લાવવાના હેતુથી 'ગુજરાત ભાડા વિધેયક-2026' વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી અમલી 'મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, 1947' ની જગ્યાએ હવે આ નવો કાયદો અમલમાં આવશે.
વિધેયકની મુખ્ય જોગવાઈઓ
લેખિત કરાર અને યુનિક ID: હવેથી રહેણાંક કે વાણિજ્યિક મિલકત લેખિત ભાડા કરાર વિના ભાડે આપી શકાશે નહીં. ભાડા સત્તાધિકારી દ્વારા 3 મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાશે અને દરેક કરારને યુનિક આઈડી નંબર ફાળવી વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે.
સિક્યોરિટી ડિપોઝિટ: એડવાન્સ સિક્યોરિટી ડિપોઝિટની રકમ વધુમાં વધુ 3 મહિનાના ભાડા જેટલી જ રાખી શકાશે. મિલકત ખાલી કરતી વખતે તમામ હિસાબ પૂર્ણ કરીને 1 મહિનામાં આ ડિપોઝિટ પરત કરવાની રહેશે.
ત્રિ-સ્તરીય ન્યાયિક વ્યવસ્થા: ભાડા સંબંધિત વિવાદોના ઝડપી નિવારણ માટે રેન્ટ ઓથોરિટી, રેન્ટ કોર્ટ અને રેન્ટ ટ્રિબ્યુનલ એમ ત્રણ સ્તરની વ્યવસ્થા ઊભી કરાશે.
આવશ્યક સેવાઓ: મકાન માલિક ભાડૂઆતની વીજળી, પાણી કે ગેસ કનેક્શન જેવી આવશ્યક સેવાઓ રોકી શકશે નહીં.
મિલકત ખાલી કરાવવાના નિયમો (કલમ 21): સતત ભાડું ન ચૂકવવું, મિલકતને નુકસાન પહોંચાડવું કે મંજૂરી વગર પેટા-ભાડે આપવાના કિસ્સામાં મકાન માલિક ભાડા અદાલત મારફતે મિલકત ખાલી કરાવી શકશે.
કુદરતી આપત્તિમાં રાહત: પૂર, ભૂકંપ કે ચક્રવાત સમયે મિલકત રહેવા યોગ્ય ન રહે તો ભાડૂઆતને ભાડામાંથી મુક્તિ અથવા કરાર લંબાવવાની તક મળશે.
પ્રોપર્ટી મેનેજર (કલમ 18): મકાન માલિક પોતાની સુવિધા માટે કાયદાકીય માળખા હેઠળ પ્રોપર્ટી મેનેજરની નિમણૂક કરી શકશે.
કાયદામાંથી મુક્તિ (કલમ 3): સરકારી પરિસરો, સર્વિસ ક્વાર્ટર, ધાર્મિક-સખાવતી સંસ્થાઓ, વક્ફ બોર્ડ અને પબ્લિક ટ્રસ્ટની માલિકીની મિલકતોને આ કાયદામાંથી મુક્તિ અપાઈ છે. જોકે, બંને પક્ષોની પરસ્પર સંમતિથી તેઓ આ કાયદા હેઠળ જોડાઈ શકશે.
શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે જૂના કાયદાની કાનૂની ગૂંચવણો દૂર કરીને આધુનિક જરૂરિયાતો મુજબ નવો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા વધશે. વિધાનસભામાં આ વિધેયક કોઈ પણ વિરોધ વિના પસાર થયું હતું.




