ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર: પેન્શન, પગાર અને રજાના પ્રશ્નો હવે ઓનલાઇન ઉકેલાશે, ‘સેવા સમાધાન પોર્ટલ’ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Seva Samadhan Portal Launch: રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના સમયબદ્ધ નિકાલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ (https://ssp.ssgujarat.org/) શરૂ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકોને જિલ્લા કે તાલુકા કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે.
પોર્ટલ મારફતે મેળવી શકાશે આ 8 સેવાઓ:
- ઉચ્ચતર પગાર ધોરણ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની મંજૂરી.
- પ્રવાસ ભથ્થું (LTC): પ્રવાસ ભથ્થું અને રિઇમ્બર્સમેન્ટ.
- એરિયર્સ: પડતર બાકી રકમનું નિરાકરણ.
- પૂરા પગારમાં સમાવેશ: ફિક્સ પગારમાંથી કાયમી સેવામાં સમાવેશ.
- CPF સંબંધી બાબતો: CPF નંબર/GYIS અને રકમ ઉપાડ.
- GPF સંબંધી બાબતો: GPF નંબર, GYIS, આંશિક/90%/આખરી ઉપાડ.
- રજા મંજૂરી: વિવિધ પ્રકારની રજાઓની મંજૂરી.
- પેન્શન સંબંધી બાબતો: નિવૃત્તિ લાભોનું નિરાકરણ.
પ્રથમ તબક્કાની મુદત અને અરજી પ્રક્રિયા
પ્રથમ તબક્કામાં તા. 05થી 31 ઑગસ્ટ, 2026 સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે. હાલના તબક્કે તાલુકા કે જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર હોય તેવી જ અરજીઓ રજૂ કરી શકાશે. શિક્ષકો Teacher Code અને OTP મારફતે 3 મિનિટમાં અરજી નોંધાવી શકશે. જેમાં રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને SMS ઍલર્ટ મળશે. અધિકારીના નિર્ણયથી અસંતોષ હોય તો શિક્ષક 'Keep Open' વિકલ્પ પસંદ કરીને પુનઃ સમીક્ષા કરાવી શકશે.
DEO અને DPEOની કામગીરીનું સીધું મોનિટરિંગ
આ પોર્ટલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને શાસનાધિકારીઓ પાસે પડતર ફરિયાદોનું રાજ્ય કક્ષાએથી સીધું મોનિટરિંગ થશે. દર મહિને શિક્ષણ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં જિલ્લાવાર સમીક્ષા બેઠક યોજાશે. કચેરીઓની કાર્યક્ષમતા અને આ ડેટાના આધારે અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધ્યક્ષ તેમજ શાળાઓની કચેરીના કમિશનર ઉપસ્થિત રહ્યા હતા.









