દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ: નકલી દાખલો બનાવી સરકારી નોકરીઓ, સરપંચ, તલાટીથી લઈને કોન્સ્ટેબલના પદ મેળવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dahod Fake ST Certificate Scam: દાહોદ જિલ્લાના સીંગવડ અને સંજેલી તાલુકામાં સરકારી સિસ્ટમની પોલ ખોલતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મૂળ આદિવાસીઓના હક્કો છીનવીને બોગસ અનુસૂચિત જનજાતિ(ST)ના પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ, મેડિકલ એડમિશન અને પેટ્રોલ પંપ મેળવવાનું આ સંગઠિત કૌભાંડ સરકારી તંત્રની ચકાસણી(સ્ક્રુટીની) પ્રક્રિયા પર અત્યંત ગંભીર સવાલો ઊભા કરે છે.
દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ
બંધારણમાં અનામત પ્રથાનો મૂળ ઉદ્દેશ્ય વંચિત અને શોષિત સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે, પરંતુ વહીવટી તંત્રની મીઠી નજર કે ઘોર નિષ્ફળતાને કારણે અયોગ્ય અને વગદાર લોકો તેનો ખુલ્લેઆમ ગેરલાભ લઈ રહ્યા છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલા કિસ્સા મુજબ, કમલેશકુમાર રામસિંગભાઈ રાવળ અને તેમનો પરિવાર મૂળ હિંદુ રાવળ (બક્ષીપંચ/OBC) જ્ઞાતિના હોવા છતાં, સ્થાનિક તલાટી કમ મંત્રી અને સંજેલી મામલતદાર કચેરીની મિલીભગતથી કે બેદરકારીથી તેઓએ STના બોગસ પ્રમાણપત્રો કઢાવી લીધા હતા. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, સરકારી કચેરીઓમાં દસ્તાવેજોની ખરાઈ કરવાની સિસ્ટમ કેટલી હદે ખાડે ગઈ છે.
નકલી દાખલો બનાવી સરકારી નોકરીઓ મેળવી
આ બોગસ પ્રમાણપત્રો થકી પરિવારે સાચા આદિવાસીઓના હક્કો પર સીધી તરાપ મારીને મસમોટા સરકારી લાભો ખંખેરી લીધા છે. બોગસ દાખલાના આધારે માંનુસિંગ રામસિંગભાઈ રાવળે લીમડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે, જ્યારે સંતોષભાઈ વાઘજીભાઈ રાવળે ફતેપુરામાં તલાટી કમ મંત્રી તરીકે સરકારી નોકરીઓ હડપી લીધી છે. વાત માત્ર નોકરી પૂરતી સીમિત નથી, કિરણભાઈ સોમાભાઈ રાવળ સંજેલી પંચાયતના સરપંચ પણ બન્યા અને ST ક્વોટા હેઠળ ભાઠીવાડા ખાતે પેટ્રોલ પંપ પણ મેળવી લીધું. આ ઉપરાંત, પરિવારના અન્ય સભ્યોએ મેડિકલમાં અનામત બેઠકો પર પ્રવેશ મેળવીને સાચા આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળ્યું છે.
સજ્જડ પુરાવાઓ છતાં તંત્ર મૌન!
સરકારી અધિકારીઓની કામગીરી ત્યારે શંકાના ઘેરામાં આવે છે જ્યારે શાળા અને મહેસુલી રૅકોર્ડ સ્પષ્ટપણે વિરોધાભાસ દર્શાવતા હોવા છતાં દાખલા ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાના વયપત્રક(G.R. No. 2529)માં પરિવારના પૂર્વજો (રામસિંગભાઈ રાવળ, સોમાભાઈ વગેરે)ની જ્ઞાતિ 'હિંદુ રાવળ પછાત(OBC)' નોંધાયેલી છે. એટલું જ નહીં, મંડેર ગામના મહેસુલી રેકોર્ડ (નોંધ નંબર 884, 889, 911 અને 914)માં પણ તેઓ બક્ષીપંચ જ્ઞાતિના જ હોવાનું પુરવાર થાય છે.
વધુમાં, આ પરિવારના તમામ સામાજિક વ્યવહારો અને સંબંધો (લગ્નો) પંચમહાલના ચારી અને ફતેપુરાના ગવાડુંગરાના રાવળ સમાજમાં જ થયેલા છે. તેઓને આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજો કે 73A/73AAના નિયંત્રણો લાગુ પડતા નથી. આમ છતાં, કોઈપણ યોગ્ય તપાસ વિના પ્રમાણપત્રો આપી દેવા તે શરમજનક બાબત છે.
આ સંગઠિત કૌભાંડ મામલે શાળાના દફતર અને મહેસુલી રેકોર્ડના સજ્જડ પુરાવાઓ સાથે આદિજાતિ વિકાસ મંત્રી તથા ગુજરાત તકેદારી આયોગ (વિજિલન્સ) સમક્ષ તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે. સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરીને બોગસ પ્રમાણપત્રો રદ કરવામાં નહીં આવે, તો મૂળ આદિવાસી સમાજના હક્કોના રક્ષણ માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારે પોતાની સ્ક્રુટીની સિસ્ટમને કડક બનાવવી પડશે, નહીંતર સાચા હક્કદારો હંમેશા વંચિત જ રહેશે.









