ગાંધીનગર: સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં સંત સરોવરના વધુ 3 દરવાજા ખોલાયા, 22 ગામ ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sabarmati River Water Level Rises: ઉત્તર ગુજરાત અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે સાબરમતી નદીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે. જળાશયમાં નવા નીરની સતત થઈ રહેલી આવકને પગલે ગાંધીનગર સ્થિત સંત સરોવર (ઈન્દ્રોડા) રિચાર્જ યોજના હેઠળ સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા વધુ 3 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.
તબક્કાવાર પાણી છોડવાની કામગીરી
બે દિવસ અગાઉ જ ડેમમાં 750 ક્યુસેક પાણીની આવક નોંધાતાં અને જળાશયની સપાટી 50.90 મીટર સુધી પહોંચી જતાં સિંચાઈ બાંધકામ વિભાગ દ્વારા સંત સરોવરના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે, આજે ઉપરવાસમાં થયેલા વધુ વરસાદને પરિણામે જળાશય ભયજનક સપાટી ન વટાવે અને ડેમની સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વધુ 3 દરવાજા ખોલીને ક્રમશઃ અને નિયંત્રિત રીતે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અધિકારીઓ દ્વારા પાણીની આવક-જાવક પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ગાંધીનગર અને અમદાવાદના આ ગામોને કરાયા ઍલર્ટ
સાબરમતી નદીના હેઠવાસમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીકાંઠાના અને નીચાણવાળા 22 ગામને સતર્ક રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.
•ગાંધીનગર તાલુકાના ગામો: ઈન્દ્રોડા, ધોળાકૂવા, કુડાસણ, રાંદેસણ, કોબા, રાયસણ, નભોઈ, વાવોલ, પેથાપુર, શાહપુર, વલાદ, પાલજ, લવારપુર, ડભોડા, બોરીજ, રતનપુર, કરાઈ, નાના ચિલોડા અને ભાટ.
•અમદાવાદ જિલ્લાના ગામો: સુઘડ, કોટેશ્વર અને મોટેરા.
વહીવટી તંત્ર દ્વારા સંભવિત ખતરાને ટાળવા માટે નદીકાંઠાના ગ્રામજનો અને સામાન્ય નાગરિકોને હાલ પૂરતું નદીના પટમાં ન જવા તથા સુરક્ષિત સ્થાનો પર રહીને સંપૂર્ણ સાવચેતી વર્તવા ખાસ અપીલ કરવામાં આવી છે.









