ગાંધીનગરમાં હાઈ-સિક્યોરિટી ઝોનમાં હડકંપ, કોસ્ટગાર્ડ જવાને પોતાની જાતને જ ગોળી મારી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Firing in Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રવિવારની વહેલી સવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-1 માં આવેલા પ્રખ્યાત અયપ્પા મંદિર નજીક સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસ કેમ્પસમાં ફરજ પરના એક 43 વર્ષીય જવાને રાઇફલ વડે ગોળીબાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, કચેરીના પરિસરમાં અચાનક જ ગોળી વાગવાના કારણે લોહીથી લથપથ થયેલા આ જવાનને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મિતાબેન પરીખનો મોટો ખુલાસો
આ ગંભીર સૈન્ય અને કાયદાકીય ઘટના અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મિતાબેન પરીખે સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, "સેક્ટર-૧ માં બનેલી ઘટનાના એક પેશન્ટ (કોસ્ટ ગાર્ડ જવાન)ને આજે સવારે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જવાનને ગંભીર ઇજાઓ હોવાથી હાલ તેમની ટ્રીટમેન્ટ ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ) માં ચાલી રહી છે અને તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત દેખરેખ રાખી રહી છે."
નિવૃત્ત જવાન હોવાની વિગતો, પોલીસ તપાસ તેજ
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે અને તેઓ નિવૃત્ત જવાન છે. રવિવારે સવારે કોસ્ટ ગાર્ડ ઓફિસના પરિસરમાં અચાનક ગોળીબારનો પ્રચંડ અવાજ સંભળાતા આસપાસના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્ટાફના માણસો ઘટનાસ્થળે દોડી જતાં હસમુખભાઈ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસ કાફલો ઘટના સ્થળે
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે, ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાલ વીઆઇપી બંદોબસ્તમાં વ્યસ્ત હોવાના કારણે તેમની સાથે વધુ વિગતો અંગે સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઘટના આકસ્મિક ગોળી વાગવાના કારણે થઈ છે કે જવાને કોઈ માનસિક તણાવમાં આત્મઘાતી પગલું ભર્યું છે, તે દિશામાં પોલીસ અને ફોરેન્સિક ટીમો વધુ તપાસ ચલાવી રહી છે.









