ભાજપ કાર્યકર શિશિર ત્રિવેદીની GPSC માં નિમણૂક થતા બબાલ, મેરિટ નહીં પક્ષભક્તિ...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

GPSC Appointment Row: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ઈન્ટરવ્યૂ બોર્ડમાં પસંદ કરાયેલાં સભ્યોને લઈને વિવાદ જામ્યો છે. રાજ્યની સ્વાયત્ત ગણાતી આ ભરતી સંસ્થાને રાજ્ય સરકારે ‘ગમતા પાર્ટી સિલેક્શન કમિશન’ બનાવી દીધું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બિનસરકારી સભ્ય તરીકે ભાજપના સક્રિય કાર્યકર્તા ડૉ. શિશિર ત્રિવેદીની નિમણૂંક કરાઈ છે, ત્યારે વિપક્ષે આ નિમણૂંક તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી છે.
થાંભલે ચડી ભાજપના ઝંડા લગાવનાર ઈન્ટરવ્યૂ બોર્ડમાં બેસશે તો શિક્ષિત ઉમેદવારોને અન્યાય થશે
એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, ડૉ. શિશિર ત્રિવેદી પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર ગર્વથી 'Karyakarta: BJP' લખે છે. ભૂતકાળમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. આરએસએસ સાથે જોડાયેલા કટ્ટર પક્ષીય પ્રચારકને ઈન્ટરવ્યૂ બોર્ડમાં નિમણૂંક કરાતાં બબાલ મચી છે. વિપક્ષે સરકાર સામે આંગળી ચીંધીને પ્રહાર કર્યા છે કે, જે સ્વાયત્ત સંસ્થાએ રાજ્યના વર્ગ-1 અને વર્ગ-2ના વહીવટી અધિકારીઓની તટસ્થતાથી પસંદગી કરવાની હોય, ત્યાં નિષ્ણાતોને બદલે પક્ષના નેતાઓને બેસાડીને ભાજપે સાબિત કર્યું છે કે તેના માટે મેરિટ કરતાં પક્ષભક્તિ જ સર્વોપરી છે. ફેસબુક પર ડૉ.ત્રિવેદીએ ભાજપના ઝંડા લઈને ફરે તેવા ફોટા મૂક્યાં છે, ત્યારે વિપક્ષે ટોણો માર્યો છે કે, થાંભલે ચડીને ઝંડા લગાવનારાં ઈન્ટરવ્યૂ બોર્ડમાં બેસશે તો ઉમેદવારોને ન્યાય થશે કે કેમ તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
ડૉ. ત્રિવેદીની સોશિયલ મીડિયા પોસ્ટસનો હવાલો આપીને વિપક્ષે કટાક્ષ કહ્યો હતો કે, ગાંધીજીના અમર શબ્દો "My life is my message" ના બદલે "My life is my massage" લખ્યું છે જ્યારે ગુજરાતીમાં ‘ભારતીય’નું ‘ભારતિય’ લખનારા ડૉ.ત્રિવેદી ભાવિ અધિકારીઓની લેખન અને બૌદ્ધિક ક્ષમતા કઈ રીતે તોલશે એ સવાલ ઉઠ્યો છે.
બીજી તરફ, સરકારે આ નિમણૂકોને વહીવટી જરૂરિયાત ગણાવી બચાવ કર્યો છે, જીપીએસસીમાં લાંબા સમયથી સભ્યોની અછત હોવાથી ઈન્ટરવ્યૂ અને પરિણામોની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા સરકારે સાત સભ્યોની નિમણૂંક કરી છે. આ નિમણૂકોમાં ચાર આઈએએસ, એક નિવૃત્ત બ્યુરોક્રેટ અને એક નિવૃત્ત એન્જિનિયર સહિત વહીવટી તજજ્ઞોનો સમાવેશ કરાયો છે. જાહેર જીવન અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિત્વ તરીકે નિયમોનુસાર બિનસરકારી સભ્યની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી આ સર્વોચ્ચ ભરતી સંસ્થામાં રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ચહેરાઓની એન્ટ્રીથી આગામી દિવસોમાં આયોગની પારદર્શિતા અને તટસ્થતા પર સવાલો ઉઠ્યાં છે. આગામી દિવસોમાં આ મુદ્દાને સરકાર માટે ગળાનું હાડકું બની રહે તેવા ઉગ્ર તેના સંકેતો મળી રહ્યા છે.




