Gandhinagar

દૂધ હોય કે તેલ, મસાલા.... મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, સંગ્રહખોરો બેફામ અને સરકાર મૌન

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
વર્તમાન સમયમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં અસાધારણ વધારો થતાં મધ્યમ અને ગરીબ પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. 2013ની સરખામણીમાં ખાંડ 127%, દાળો 116%, તેલ 150% અને દૂધ 136% મોંઘા થયા છે. મસાલા, લોટ-ચોખા અને ડુંગળીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સંગ્રહખોરોની નફાખોરી અને ઇંધણના ભાવવધારાને કારણે મોંઘવારી બેકાબૂ બનતાં સરકાર મૌન તોડી કડક પગલાં ભરે તેવી જનતાની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂધ હોય કે તેલ, મસાલા.... મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, સંગ્રહખોરો બેફામ અને સરકાર મૌન

Inflation Rise : વર્તમાન સમયમાં જરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા અસાધારણ વધારાના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એક તરફ સામાન્ય લોકોની આવક મર્યાદિત છે, તો બીજી તરફ મોંઘવારીનો સતત વધતો બોજ સામાન્ય માણસની કમર તોડી રહ્યો છે. બજારમાં સંગ્રહખોરો અને નફાખોરી પર કોઈ અંકુશ ન જળવાતા કાળાબજારિયાઓ બેફામ બન્યા છે, છતાં સરકાર દ્વારા આ બાબતે મૌન ધારણ કરવામાં આવ્યું છે. વર્ષ 2013માં જે ખાંડનો ભાવ આશરે રૂ. 37 પ્રતિ કિલો હતો, તે આજે વધીને આશરે રૂ. 84 સુધી પહોંચી ગયો છે, જે લગભગ 127 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત તુવેરની દાળ રૂ. 74થી વધીને રૂ. 160, અડદની દાળ રૂ. 71થી વધીને રૂ. 160 અને ચણાની દાળ રૂ. 50થી વધીને રૂ. 125 પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે.

તેલ, દૂધ અને મસાલાના વધતાં ભાવે વધારી મુશ્કેલીઓ

અનાજ ઉપરાંત ખાદ્યતેલો અને દૂધના ભાવોમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. સરસિયાનું તેલ રૂ. 102થી વધીને રૂ. 263 અને સિંગતેલ રૂ. 164થી વધીને રૂ. 286 પ્રતિ કિલો થઈ ગયું છે. દૂધનો ભાવ પ્રતિ લિટર રૂ. 36થી વધીને રૂ. 85 પર પહોંચ્યો છે, જ્યારે લોટ રૂ. 21થી વધીને રૂ. 69 અને ચોખા રૂ. 29થી વધીને રૂ. 71 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. રસોડાના મુખ્ય અંગ ગણાતા મસાલાઓ જેવા કે જાયફળ, જીરું, લાલ મરચું અને હળદરના ભાવમાં પ્રતિકિલોએ રૂ. 150થી 800 સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. મે 2013માં માત્ર રૂ. 23 પ્રતિ કિલો મળતી ડુંગળીના ભાવ વધીને રૂ. 84 થઈ ગયા છે, જેના કારણે 217 ટકાનો મોટો ભાવવધારો નોંધાયો છે.

ખેડૂતોની હાલાકી અને જનતાની કડક માંગ

ઊંચા ભાવ ચૂકવવાનો આર્થિક લાભ પાયાના ઉત્પાદક એવા ખેડૂતોને મળી રહ્યો નથી, કારણ કે યોગ્ય વળતરના અભાવે ખેડૂતો પણ ગંભીર આર્થિક સંકટમાં મૂકાયા છે. વચેટિયાઓ અને સંગ્રહખોરોની બેફામ નફાખોરીને કારણે ગ્રાહકો અને ખેડૂતો બંને ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી સહિતના ઇંધણના ભાવોમાં થયેલા સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે, જેની સીધી અસર તમામ ચીજવસ્તુઓની કિંમતો પર પડી રહી છે. રાંધણ ગેસ સિલિન્ડરના ભાવો પણ હવે સામાન્ય પરિવારની પહોંચની બહાર જઈ રહ્યા છે, ત્યારે જનતા દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે સરકાર પોતાનું મૌન તોડે અને સંગ્રહખોરો સામે કડક કાનૂની પગલાં ભરે.