Gandhinagar

ગુજરાતના સક્રિય ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ, ગીરા-ઝાંઝરી, નિનાઈ વગેરેમાં પાણીનો પ્રવાહ વધતા લેવાયો નિર્ણય

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાને કારણે ડાંગ, અરવલ્લી, નર્મદા સહિતના ધોધ સક્રિય થયા છે. પ્રવાસીઓની વધતી ભીડ અને અકસ્માતો રોકવા તંત્ર સક્રિય બન્યું છે. અરવલ્લીના ઝાંઝરી ધોધ ખાતે 9 જુલાઈથી 6 સપ્ટેમ્બર સુધી 5 કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત કરાયો છે. અહીં નહાવા, ખડકો પર ચઢીને ફોટોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ છે. ગિરમાળ, નિનાઈ અને જમજીર ધોધ પર પણ સાવચેતીના પગલાં લેવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના સક્રિય ધોધ પાસે સેલ્ફી લેવા પર પ્રતિબંધ, ગીરા-ઝાંઝરી, નિનાઈ વગેરેમાં પાણીનો પ્રવાહ વધતા લેવાયો નિર્ણય

Gujarat Waterfalls Selfie Ban: ગુજરાતમાં ચોમાસું જામતાં જ ડાંગથી લઈને અરવલ્લી અને નર્મદા સુધીના જાણીતા ધોધો સક્રિય થઈ ગયા છે. ગિરમાળ, ગીરા, ઝાંઝરી, નિનાઈ, જમજીર, ઝરવાણી સહિતના ધોધોમાં પાણીનો પ્રવાહ વધતાં કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જો કે, ધોધનું આ મનમોહક સ્વરૂપ જ હવે જોખમનું કારણ પણ બની રહ્યું છે.

ધોધોમાં પાણીનો પ્રવાહ વધતાં તંત્ર દ્વારા ચેતવણી

અરવલ્લીના ઝાંઝરી ધોધ ખાતે જિલ્લા વહીવટી તંત્રે નવમી જુલાઈથી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ ચેકડેમ સુધીનો આશરે પાંચ કિલોમીટરનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. અહીં નદીમાં નહાવા, પાણીના કિનારે જવા ઉપરાંત જોખમી ખડકો પર ચઢીને ફોટોગ્રાફી કે વીડિયો બનાવવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ઝાંઝરીમાં આવખતે તહેવારો અને જાહેર રજાઓને ધ્યાનમાં રાખીને તંત્રે માત્ર ધોધ સુધી જ નહીં પરંતુ આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી પ્રતિબંધ લાગુ છે.

ડાંગમાં ભારે વરસાદ બાદ ગિરમાળ સહિતના ધોધોમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. ગિરમાળ ધોધનું મનોહર સ્વરૂપ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે, પરંતુ ગાઢ જંગલ અને વરસાદી સ્થિતિને કારણે અહીં પહોંચવાના માર્ગ તેમજ ધોધની આસપાસના પથ્થરો લપસણા બનતા હોવાથી તંત્ર અત્યારથી સાવચેતી લઈ રહ્યું છે. એવી જ રીતે નર્મદાનો નિનાઈ ધોધ પણ સારા વરસાદ બાદ સક્રિય થયો છે. ચોમાસામાં ખાસ કરીને શનિવાર-રવિવાર અને જાહેર રજાઓમાં અહીં પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળે છે. અહીં પાંચ વર્ષમાં 13થી વધુ પ્રવાસીઓ ડૂબી ગયાના દાવાઓ પણ સ્થાનિક અહેવાલોમાં સામે આવ્યા છે. ગીર સોમનાથના જમજીર ધોધ ખાતે પણ તંત્રે અગાઉથી જ પ્રતિબંધ મૂક્યો છે.