Gandhinagar

ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક, 2023માં ઘડાયેલો કાયદો 'કાગળનો વાઘ' બની રહ્યો

By GS Team
27 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં 2014થી 2024 દરમિયાન 34 ભરતી પરીક્ષાના પેપર લીક થયા છે, જેનાથી લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. કડક કાયદો બન્યા છતાં, પેપરલીકના મુખ્ય સૂત્રધારોને પકડવામાં આવ્યા નથી. રાજકીય છત્રછાયા હેઠળ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના કારણે કાયદો માત્ર કાગળ પરનો વાઘ બની રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક, 2023માં ઘડાયેલો કાયદો 'કાગળનો વાઘ' બની રહ્યો
IMAGE - IANS

Gujarat Paper Leak Scam: ગુજરાતમાં ભરતી પરીક્ષાઓમાં પેપર લીક થવાનો સિલસિલો છેલ્લા એક દાયકાથી અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2014થી માંડીને વર્ષ 2024 સુધીના 10 વર્ષના સમયગાળામાં નાની મોટી ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કુલ 34 પેપર લીક થયા છે. આ જોતાં રાજ્યના લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થચિહ્ન ખડું થયું છે. મહત્ત્વની વાત એછે કે, દિલ્હીમાં જેન ઝીના આંદોલનને પગલે કેન્દ્ર સરકારે કડક કાયદો ઘડવા તૈયારી દર્શાવી છે પણ ગુજરાતમાં તો કાયદો તો ઘડાયો છે પણ કાગળનો વાઘ બની રહ્યો છે કેમકે, રાજકીય છત્રછાયા હોવાના કારણે પેપરલીકના માસ્ટરમાઇન્ડ આજે પણ સરેઆમ ફરી રહ્યા છે.

કાગળ પર સીમિત કાયદો

ગુજરાતમાં રેવન્યુ તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, લોકરક્ષક દળ, સબ ઓડિટર, પશુધન નિરીક્ષક સહિત અન્ય પરીક્ષામાં પેપરલીક થવાની ઘટના બની છે. વારંવાર આ ઘટના થતાં પરીક્ષાર્થીઓમાં વધતા જતાં આક્રોશને જોતાં વર્ષ 2023માં રાજ્ય સરકારે વિધાનસભામાં પેપર લીક વિરોધી કડક કાયદો પસાર કર્યો હતો જેમાં આરોપીને 10 વર્ષની જેલથી માંડીને એક કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

પેપર લીકની વણથંભી ઘટનાઓ

જોકે, આ કાયદો માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કાયદો અમલમાં આવ્યા બાદ પણ પેપર લીકની ઘટનાઓ અટકી નથી, જેના કારણે સરકારી દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. સૌથી ગંભીર મુદ્દો એ છે કે આજ દિન સુધી આ કૌભાંડોના એક પણ મુખ્ય સૂત્રધાર કે માસ્ટરમાઇન્ડને જેલના સળિયા પાછળ ધકેલાયો નથી. એટલું જ નહીં, દંડ સુદ્ધા ફટકારાયો નથી.

જામીન પર મુક્ત આરોપીઓ

પેપરલીક કૌભાંડમાં સંડોવાયેલાં મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો આક્ષેપ છે કે, સત્તાધારી પક્ષના રાજકીય છત્રછાયા હોવાને લીધે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એટલું જ નહીં, તેમને કાયદાનો ડર રહ્યો નથી.

વિરોધ પક્ષોના ગંભીર આક્ષેપ

આ સમગ્ર મામલે ચોંકાવનારી બાબત એ છે કે, પેપરલીકના આરોપીઓના નામ તેમજ સરનામા સહિતના પાકા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં, ગૃહ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગૃહ વિભાગની આ નિષ્ક્રિયતા સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને સજા મળશે કે પછી આ ખેલ આમ જ ચાલતો રહેશે.

ધી ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ, 2023 કાયદાની મુખ્ય જોગવાઈશું છે?

પેપર લીક કરવાના સંગઠિત ગુનામાં સામેલ વ્યક્તિને 3થી 10 વર્ષ સુધી જેલની સજા, ₹10 લાખથી ₹1 કરોડ સુધી દંડ થશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરરીતિ કે ચોરી કરતા પકડાશે, તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા, ₹1 લાખનો દંડ થશે. દોષિત ઠરેલા ઉમેદવારને 2 વર્ષ માટે જાહેર પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાશે.

આ કાયદા હેઠળ નોંધાયેલા તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિન-જામીનપાત્ર છે. પેપરલીક ગુના દ્વારા ગેરકાયદેસર કમાણી કરનાર આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની અને નુકસાની વસૂલવાની સત્તા પણ સરકારને આપવામાં આવી છે.

પેપરલીકના આરોપીઓને ભાજપ સંગઠનમાં હોદ્દા અપાતા વિવાદ થયો હતો

આ વિવાદમાં ઘી હોમવાનું કામ ત્યારે થયું જ્યારે પેપર લીક અને ભરતી ગોટાળામાં સંડોવાયેલા હોવાના આક્ષેપ ધરાવતા આરોપીઓને ભાજપ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું. આકાશ પટેલના નામના આરોપીને ભાજપ યુવા સંગઠનમાં સ્થાન અપાયુ હતું જ્યારે અન્ય આરોપીને પ્રાંતિજ ભાજપ સંગઠનમાં હોદ્દો અપાયો હતો. આખરે હોબાળો થતાં આરોપીઓની સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતાં. આ પરથી સ્પષ્ટ થાય છેકે, પેપરલીક કૌભાંડના આરોપીઓ પર સત્તાધારી પક્ષના ચાર હાથ છે.

છેલ્લા દસેકવર્ષમાં કઇ કઇ પરીક્ષામાં પેપરલીક થયાં

2014 રેવન્યુ તલાટી
2016 17 - તલાટી પરીક્ષા
2018 TAT
2018 લોકરક્ષક દળ
2018 મુખ્ય સેવિકા
2019 બિન સચિવાલય ક્લાર્ક
2019/20 JMC - AAE
2021 સબ ઓડિટર
2021 હેડ ક્લાર્ક
2021 ATD
2021 પશુધન નિરીક્ષક
2021 PSI
2022 વન રક્ષક
2023 જુનિયર ક્લાર્ક
2023 ડમી કાંડ
2024 ઊર્જા કાંડ