Gandhinagar

ગુજરાતમાં પંચાયતોનું દેવું વધ્યું, 236 કરોડનો પાણી વેરો બાકી, સરકારી તિજોરી તળિયાઝાટક

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓની તિજોરી ખાલી થતા, પાણી વેરાનું દેવું વધીને 236 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં પંચાયતોએ માત્ર 52 લાખ રૂપિયા પાણી વેરો ભર્યો છે. મતોની રાજનીતિ અને વહીવટી શિથિલતાને કારણે વસૂલાત નબળી પડી છે, જે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં પંચાયતોનું દેવું વધ્યું, 236 કરોડનો પાણી વેરો બાકી, સરકારી તિજોરી તળિયાઝાટક

Gujarat Local Bodies Crisis: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જઈ રહી છે. નગરપાલિકાઓની કંગાળ સ્થિતિ બાદ હવે ગ્રામ પંચાયતોની પણ તિજોરી ખાલી થઈ રહી છે. ગુજરાત સરકાર પ્રજાના ઘર સુધી પાણી પહોંચાડવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ મતોની રાજનીતિ અને વહીવટી શિથિલતાના કારણે પંચાયતો પાણીનો ધૂમ વપરાશ કરીને પણ પાણી વેરો ચૂકવી રહી નથી. પરિણામે, પંચાયતોનું પાણી વેરાનું દેવું વધીને રૂપિયા 236 કરોડના આંકડાને પાર કરી ગયું છે.

પાંચ વર્ષમાં પંચાયતોએ માત્ર Rs. 52 લાખ પાણી વેરો ભર્યો, એક ટકાથી ઓછી વસૂલાત

સરકારી રિપોર્ટમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે છેલ્લા પાંચ વર્ષમાં પંચાયતોએ કરોડો રૂપિયાના પાણીનો વપરાશ કર્યો છે, પરંતુ તેની સામે માત્ર બાવન લાખ રૂપિયા જ સરકારી તિજોરીમાં જમા કરાવાયા છે. બાકી રકમની વસૂલાત માટે કોઈ કડક કાર્યવાહી કરાઈ નથી, જેના કારણે દર વર્ષે પાણી વેરાના દેવાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વર્ષ 2019-20માં પંચાયતો પાસે પાણી વેરા પેટે Rs. 139 કરોડ લેવાના બાકી હતા, જે વર્ષ 2023-24માં વધીને Rs. 236 કરોડ સુધી પહોંચી ગયા છે. નબળી વસૂલાતના અભાવે બાકી લેણાંમાં સીધો Rs. 74.44 કરોડનો તોતિંગ વધારો ઝીંકાયો છે.

મતોની રાજનીતિ અને ચૂંટણીઓ નડતરરૂપ: સરકારની ગ્રાન્ટ કાપની ભીતિ

રાજકીય પંડિતોનું માનવું છે કે સ્થાનિક સ્તરે ચૂંટણીઓ અને મતોની રાજનીતિ નડતરરૂપ બની રહી છે. પંચાયતો અને પાલિકાઓ જનતા પાસેથી કડકાઈથી વેરો વસૂલવાનું ટાળે છે જેથી પોતાની મતબેંક સાચવી શકાય, પરંતુ આ આડકતરી લહાણીનો ભોગ આખરે રાજ્યની મુખ્ય તિજોરીને બનવું પડી રહ્યું છે. સરકાર એક તરફ પાણી પુરવઠાની નવી યોજનાઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ સ્થાનિક સંસ્થાઓ પાણીનો મફત વપરાશ કરીને સરકારને આર્થિકરીતે પાયમાલ કરી રહી છે. જો આગામી દિવસોમાં સરકાર ગ્રાન્ટ કાપ જેવા કડક પગલાં નહીં ભરે તો પંચાયતો વધુને વધુ દેવાદાર બની શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

નગરપાલિકાઓ પણ દેવાના ડુંગર તળે: Rs. 148 કરોડ પાણીનું બિલ ચૂકવવાના ફાંફા

એક તરફ ગુજરાત સરકાર વિકાસના મોટા ઉત્સવો ઉજવવામાં મશગુલ છે, ત્યારે બીજી તરફ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ સ્થિતિ ભારે કટોકટીમાં મુકાઈ ગઈ છે. પાલિકાઓની એવી દુર્દશા સર્જાઈ છે કે તેમને પાણી વેરો ભરવા માટે સરકાર પાસે લોન લેવા મજબૂર બનવું પડે છે. પ્રજાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી આ પાલિકાઓનું જ Rs. 148 કરોડથી વધુનું પાણીનું બિલ બાકી બોલે છે. દેવું કરીને વહીવટ ચલાવવાની સરકારી નીતિના કારણે નગરપાલિકાઓની સ્થિતિ વેન્ટિલેટર પર આવી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. ખાલી તિજોરીએ વહીવટ કરવો મુશ્કેલ બનતા સામાન્ય જનતા રામભરોસે મુકાઈ છે અને કહેવાતો વિકાસ માત્ર કાગળ પર જ ચમકી રહ્યો હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.