Entertainment

યશની ટોક્સિકનું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

By GS Team
11 Jun 20261 min read
યશની ટોક્સિકનું રીશૂટ નહિ થાય પરંતુ રીલિઝ હજુ અનિશ્ચિત

- ફરીથી શૂટિંગની અફવા સર્જકોએ નકારી

- ફિલ્મ અગાઉ  માર્ચ અને જૂન એમ બે-બે વાર રીલિઝ ડેટ ચૂકી ગઈ છે

મુંબઈ : યશની 'ટોક્સિક'  ફિલ્મનું બહુ મોટાપાયે રીશૂટિંગ કરવામાં આવશે તેવી અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફેલાઈ છે. જોકે, સર્જકોએ આ અફવાને નકારી કાઢી છે. તેમણે જણાવ્યા અનુસાર  ફિલ્મમાં હાલ રિશૂટનો કોઈ નિર્ણય લેવાયો જ નથી. 

કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો હતો કે યશ ફિલ્મ જોયા બાદ બહુ નિરાશ થયો હતો અને તેણે રિશૂટ માટે આગ્રહ સેવ્યો હતો. પરંતુ, હાલના તબક્કે રિશૂટ થાય તો ૪૦ કરોડનો ખર્ચ થાય તેમ છે અને બીજા ૧૦૦ દિવસ લાગે તેમ છે. તે જોતાં ફિલ્મની રીલિઝ છેક ૨૦૨૭ સુધી ઠેલવી  પડે છે. 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મૂળ ગયા માર્ચ માસમાં રીલિઝ થવાની હતી. પરંતુ 'ધુરંધર'  સાથે ટક્કર ટાળવા  તેની રીલિઝ ડેટ પાછી ઠેલીને આ જૂન મહિનામાં કરવામાં આવી હતી. પરંતુ, બાદમાં આ તારીખ પણ પાછી ઠેલવામાં આવી છે. 

એક દાવા અનુસાર યશે ફિલ્મના ઓટીટી રાઈટ્સ માટે બહુ મોટી માગણી કરી છે. જોકે, મલ્ટીનેશનલ ઓટીટી પ્લેટફોર્મ્સ એટલા પૈસા આપવા  તૈયાર નથી. તેના કારણે યશ ભારતમાં રીલિઝ ડેટનો નિર્ણય લઈ શકતો નથી. કેટલીક આંતરરાષ્ટ્રીય સર્કિટમાં પણ ફિલ્મના વિતરણ હક્કો બાબતે હજુ વાટાઘાટો ચાલી રહી છે. તેના કારણે પણ રીલિઝ ડેટ નક્કી કરવામાં વિધ્ન આવી રહ્યું છે.