US Singer Dies in Helicopter Crash: આંતરરાષ્ટ્રીય સંગીત જગતમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના જાણીતા અલ્ટ-પોપ મ્યુઝિશિયન અને ઇન્ટરનેટ પર્સનાલિટી ઓલિવર ટ્રીનું બ્રાઝિલમાં એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું છે. રિયો ડી જેનેરોની આકાશમાં બે હેલિકોપ્ટર પરસ્પર હવામાં ટકરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓલિવર ટ્રી સહિત કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ એક હેલિકોપ્ટર સીધું નીચે એક કાર ડીલરશીપના પાર્કિંગ એરિયામાં ખાબક્યું હતું, જેના કારણે ત્યાં પાર્ક કરેલા અંદાજે 20 જેટલા વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી. બ્રાઝિલિયન મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો ફૂટેજમાં એક હેલિકોપ્ટર આકાશમાંથી સીધું નીચે પડતું અને ઘટનાસ્થળેથી આગની જ્વાળાઓ સાથે કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ટક્કર કયા કારણોસર થઈ તેની તપાસ હાલ શરૂ કરી દેવામાં આવી છે.
વર્લ્ડ ટૂર દરમિયાન સર્જાયો કાળમુખો અકસ્માત
આ કાળમુખી ઘટના રવિવારે બની હતી, જ્યારે 32 વર્ષીય ઓલિવર ટ્રી પોતાની વર્લ્ડ મ્યુઝિક ટૂર પર હતા. રિયો ડી જેનેરોની મિલિટરી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, તેમને સ્થાનિક સમય અનુસાર સવારે 09:00 વાગ્યે અકસ્માત અંગેનો કોલ મળ્યો હતો અને ટીમ તુરંત જ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
એક અહેવાલ મુજબ, આ હેલિકોપ્ટરમાં આર્જેન્ટિનાના પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર ગેસ્પર પ્રિમ ડાયઝ જે 'ગેસ્પી' તરીકે જાણીતો છે, એ પણ સવાર હતો અને આ અકસ્માતમાં તેનું પણ મોત નીપજ્યું હોવાની આશંકા છે. હેલિકોપ્ટરના મેનિફેસ્ટ અનુસાર, અન્ય મુસાફરોમાં લુકાસ બ્રિટો ચાવેઝ, લુકાસ વિગ્નાલે અને પાયલોટ એલેક્ઝાન્ડ્રે સૌઝા સામેલ હતા. જ્યારે બીજા એરક્રાફ્ટની યાદીમાં માત્ર પાયલોટ ચાર્લ્સ માર્સિલેકનું જ નામ હતું.
સોશિયલ મીડિયાથી વૈશ્વિક સ્તરે મેળવી હતી ખ્યાતિ
ઓલિવર ટ્રીનો જન્મ 1993માં કેલિફોર્નિયાના સેન્ટા ક્રુઝમાં થયો હતો. વર્ષ 2016માં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયા બાદ તેઓ રાતોરાત લાઈમલાઈટમાં આવ્યા હતા. પોતાની ખાસ 'બોલ હેરકટ' શૈલી માટે જાણીતા ઓલિવર ટ્રીએ 'Life Goes On', 'Miss You' અને 'Alien Boy' જેવા વૈશ્વિક સ્તરે સુપરહિટ રહેલા ગીતો આપ્યા છે. વર્ષ 2024માં તેમના ગીત 'Miss You' માટે તેમને પ્રતિષ્ઠિત બ્રિટ એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું. સંગીત સિવાય, વર્ષ 2020માં તેમણે 4.16 મીટર ઊંચું અને 3.13 મીટર લાંબું વિશ્વનું સૌથી મોટું કિક સ્કૂટર બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
તેમણે તાજેતરમાં જ પોતાની વર્લ્ડ ટૂર શરૂ કરી હતી, જે અંતર્ગત 6 જૂનના રોજ બ્રાઝિલના સાઓ પાઉલોમાં તેમનો છેલ્લો શો યોજાયો હતો. આગામી 1 જુલાઈએ પોર્ટુગલના લિસ્બનમાં અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં લંડન, માન્ચેસ્ટર અને ગ્લાસગોમાં તેમના લાઈવ પર્ફોર્મન્સ શિડ્યુલ હતા.
સ્ટાર્સે આપી ભાવુક શ્રદ્ધાંજલિ
ઓલિવર ટ્રીના અચાનક અવસાનથી હોલીવુડ અને ગ્લોબલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઈ ગઈ છે. ઓલિવર સાથે 'Voices' ટ્રેકમાં કામ કરનાર પ્રખ્યાત યુટ્યુબર અને બ્રિટન્સ ગોટ ટેલેન્ટના જજ KSI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, "હું માની જ નથી શકતો કે મારે આ ટાઈપ કરવું પડી રહ્યું છે. ભાઈ તું માત્ર 32 વર્ષનો હતો. તારે હજુ ઘણું જીવવાનું બાકી હતું, ઘણું સંગીત અને કન્ટેન્ટ બનાવવાનું હતું. તું હંમેશા એક લેજન્ડ રહીશ. મને હજુ પણ આ સાચું નથી લાગી રહ્યું અને ખૂબ જ આઘાત લાગ્યો છે."
બીજી તરફ, 'જેકઆસ' ફેમ સ્ટાર સ્ટીવ-ઓ એ પણ ઓલિવર સાથેની એક જૂની તસવીર શેર કરતા લખ્યું કે, "હું ખૂબ નસીબદાર હતો કે મને ઓલિવર ટ્રી જેવા સારા વ્યક્તિ સાથે મિત્રતા કરવાની તક મળી. તેઓ નિયમિતપણે મારી તબિયતની કાળજી લેતા અને સતત મેસેજ કરતા. હું તેમને હંમેશા મિસ કરીશ." ઓલિવર ટ્રીના આ અણધાર્યા વિદાયથી વિશ્વભરમાં ફેલાયેલા તેમના લાખો ચાહકો ભારે આઘાતમાં સરી પડ્યા છે.


