કોમેડીના નામે અશ્લીલતા: પ્રણિત મોરે બાદ વધુ એક કોમેડિયન વિવાદોમાં, વીડિયો વાઈરલ થતાં માંગી માફી

Another Comedian Apologize for Obscene Comment: સ્ટાન્ડર્ડ કોમેડીના નામે સંવેદનશીલ મુદ્દાઓ પર વાહિયાત ટિપ્પણી કરવાનો વિવાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ગરમાયો છે. જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન મધુર વિરલીના 2024ના શો 'લવ એન્ડ લેટેક્સ'નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થતાં ભારે વિરોધ શરૂ થયો છે. ચારેય તરફથી થઈ રહેલી આકરી ટીકાઓ અને ટ્રોલિંગ બાદ આખરે કોમેડિયન મધુર વિરલીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને માફી માગવી પડી છે.
વાસ્તવમાં, આ સમગ્ર વિવાદની શરૂઆત કોમેડિયન પ્રણિત મોરેના શો દરમિયાન એક દર્શક દ્વારા કરવામાં આવેલી ‘370 રૂપિયાની બિરયાની’ વાળી વિવાદાસ્પદ ટિપ્પણીથી થઈ હતી. આ ઘટનાના આક્રોશ વચ્ચે, સોશિયલ મીડિયા યુઝર્સે મધુર વિરલીનો એક જૂનો વીડિયો શોધી કાઢ્યો અને તેને વાયરલ કરીને કોમેડિયન સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ શરૂ કરી દીધી. જોકે મધુરે તેના વીડિયોમાંથી હવે આ કમેન્ટ કાઢી નાખી છે, પરંતુ ઓનલાઇન કેટલાક વીડિયોમાં એ જોવા મળી રહી છે.
શું હતો સમગ્ર વિવાદ?
વાયરલ થઈ રહેલી ક્લિપમાં કોમેડિયન મધુર વિરલી અત્યંત ગંભીર અને સંવેદનશીલ વિષય એવા 'રેપ કેસ' પર જોક્સ બનાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે બળાત્કાર બાદ થતી હત્યાની કાલ્પનિક ઘટનાઓ પર ચર્ચા કરી રહ્યો છે અને ગુનેગાર પીડિતાની હત્યા કરતા પહેલા શું વિચારતો હશે, તેની મજાક ઉડાવતો નજરે પડે છે. આ જોકમાં મધુર વિરલી કહે છે, ‘બળાત્કારનો ભોગ બનેલી મહિલા કહેતી હશે કે એના કરતાં તો અમારું મર્ડર કરી દીધુ હોત તો સારું થાત. જોકે ક્યારેય મૃતદેહે એવું નથી કહ્યું કે એના કરતાં તો બળાત્કાર થયો હોત તો સારું હોત. ન્યુઝમાં ઘણી વાર તમે સાંભળ્યું હોય તો 10 કેસ હોય છે એમાંથી 9માં બળાત્કાર થાય છે. જોકે એક કેસ એવો હોય છે જેમાં બળાત્કાર બાદ મર્ડર થાય છે. આ પણ એવા કેસમાં થતું હશે કે બળાત્કાર બાદ કડલ કર અને ત્યારે એ વ્યક્તિ ચાકુ મારતો હશે.’
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ ક્લિપ શેર કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, "કૃપા કરીને કોમેડીના નામે આ બકવાસ અને ઘૃણાસ્પદ વસ્તુઓ બંધ કરો."
ભૂલ સ્વીકારીને મધુર વિરલીએ શું કહ્યું?
ચોતરફથી ઘેરાયેલા કોમેડિયન મધુર વિરલીએ પોતાની ભૂલ સ્વીકારતા યૂટ્યુબ ચેનલ પર એક સત્તાવાર માફીનામું પોસ્ટ કર્યું છે. તેણે જણાવ્યું કે, “હું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મારા વીડિયો માટે દિલથી માફી માંગુ છું. આ ક્લિપ લગભગ બે વર્ષ જૂના પરફોર્મન્સની છે. તે સમયે જ આ જોક કહ્યા પછી મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો કે આ કેટલું ખોટું હતું, અને આ વિવાદ અત્યારે શરૂ થાય તે પહેલા જ મેં તે વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો.”
આ પણ વાંચો: 'મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી....', ગદર ફિલ્મની 'સકીના' અમીષા પટેલના રસપ્રદ ખુલાસા
તેણે વધુમાં ઉમેર્યું કે, “હું માનું છું કે કોમેડી દ્વારા અઘરા વિષયો પર સવાલો ઉઠાવી શકાય છે, પરંતુ કેટલાક વિષયો માટે સંવેદનશીલતા અને મર્યાદા ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણો કોઈ પ્રયાસ ખોટો સાબિત થાય, ત્યારે પ્રામાણિકતાપૂર્વક ભૂલ સ્વીકારવી, માફી માંગવી અને ભવિષ્યમાં સુધારો કરવો એ જ એકમાત્ર રસ્તો છે. મારા માટે પણ આ એવો જ એક સમય છે. રહી વાત ઇન્સ્ટાગ્રામની, તો મેં મારું એકાઉન્ટ 6 મહિના પહેલા જ ડીએક્ટિવેટ કરી દીધું હતું. હું ખરેખર દિલગીર છું.”




