Entertainment

'શોલે' ફિલ્મની આ અભિનેત્રીએ ઠુકરાવી હતી લીડ ફિલ્મ! હીરો ખભા પર હાથ મૂકે તે મંજૂર નહોતું

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
સુપરહિટ ફિલ્મ 'શોલે'માં બસંતીની માસીનો યાદગાર રોલ કરનાર પીઢ અભિનેત્રી લીલા મિશ્રાને ફિલ્મોમાં હિરોઈન બનવા લાવવામાં આવ્યા હતા. જોકે, અન્ય પુરુષને સ્પર્શ કરવામાં સંકોચ થતો હોવાથી તેમણે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ઠુકરાવી દીધી હતી. સંસ્કારોને કારણે રોમેન્ટિક દ્રશ્યો ન કરવા ઈચ્છતા લીલાજીએ માતા, માસી જેવા કેરેક્ટર રોલ પસંદ કર્યા. 12 વર્ષની ઉંમરે લગ્ન કરનાર લીલા મિશ્રાએ 80 વર્ષની વયે 17 જાન્યુઆરી 1988ના રોજ અંતિમ શ્વાસ લીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

'શોલે' ફિલ્મની આ અભિનેત્રીએ ઠુકરાવી હતી લીડ ફિલ્મ! હીરો ખભા પર હાથ મૂકે તે મંજૂર નહોતું

Sholay Mausi Rejected Heroine Role: ‘જુગારી એ, દારૂડિયો એ, પણ એમાં એનો કોઈ વાંક નથી…'—સુપરહિટ ફિલ્મ 'શોલે'નો આ ડાયલોગ સાંભળતાં જ દર્શકોના મગજમાં બસંતીની માસીનો ચહેરો તરવરી ઊઠે છે. સિનેમાજગતમાં આ યાદગાર પાત્ર પીઢ અભિનેત્રી લીલા મિશ્રાએ ભજવ્યું હતું. ફિલ્મમાં તેમણે બસંતી (હેમા માલિની)ની માસી તરીકે એવો જીવંત અભિનય કર્યો હતો કે તે સીન્સ આજે પણ લોકોને હસાવે છે. ખાસ કરીને જ્યારે જય (અમિતાભ બચ્ચન) વીરુ (ધર્મેન્દ્ર)નું માગું લઈને જાય છે અને વીરુની એક પછી એક ખામીઓ ગણાવે છે, ત્યારે માસી લગ્ન માટે સાફ ઇનકાર કરી દે છે. આખરે વીરુ પાણીની ટાંકી પર ચડીને કૂદી જવાની ધમકી આપે છે અને થાકી-હારીને માસી લગ્ન માટે રાજી થાય છે. આ ભૂમિકાએ લીલા મિશ્રાને દેશભરમાં અમર બનાવી દીધા હતા.

હીરોઈન બનાવવા સિનેમામાં લવાયા, પણ લીડ રોલ ઠુકરાવી દીધો

લીલા મિશ્રાને ભલે 'શોલે'ની માસી તરીકે સૌથી વધુ લોકપ્રિયતા મળી હોય, પરંતુ રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં તેમને સિનેમામાં મુખ્ય હિરોઈન બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. જોકે, તેમની પોતાની કોઈ એવી ઈચ્છા નહોતી. તેમણે મુખ્ય અભિનેત્રી તરીકે મળનારી પોતાની પ્રથમ ફિલ્મ માત્ર એટલા માટે ઠુકરાવી દીધી હતી કારણ કે તેઓ કોઈ પરાયા પુરુષ કે અજાણ્યા વ્યક્તિને સ્પર્શ કરવાના સખત વિરોધી હતા.

પરાયા પુરુષને અડવાની પાડી ના અને ચમકી ગયું નસીબ

પ્રથમ ફિલ્મમાં એક સીન દરમિયાન હીરોએ તેમના ખભા પર હાથ મૂકવાનો હતો, જે લીલા મિશ્રાને બિલકુલ મંજૂર નહોતો અને તેમણે તે ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ 'હોનહાર' ફિલ્મ આવી, જેમાં સ્ક્રીન પર હીરોને ગળે લગાવવાનો સીન હતો, પરંતુ અભિનેત્રીએ તે કરવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી.

નિર્માતાઓએ તેમને ફિલ્મમાંથી બહાર ન કાઢ્યા, પરંતુ હીરોઈનને બદલે માતાની ભૂમિકા સોંપી દીધી. બસ, અહીંથી જ તેમનું નસીબ ચમકી ગયું અને તેઓ હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય અને આદરણીય કેરેક્ટર આર્ટિસ્ટ બની ગયા.

લીડ હિરોઈન ન બનવા પાછળનું સાચું કારણ

એક તરફ જ્યારે અભિનેત્રીઓ હીરોઈન બનવા માટે તડપતી હોય છે, ત્યારે લીલા મિશ્રાએ જાતે આ મોહ છોડી દીધો હતો. જાણીતા અભિનેત્રી અને હોસ્ટ તબસ્સુમે પોતાની એક વાતચીતમાં લીલા મિશ્રાના વિચારો યાદ કરતાં જણાવ્યું હતું કે, લીલાજીએ કહ્યું હતું:

"મારી પરવરિશ અને મને શીખવવામાં આવેલા સંસ્કારોના કારણે હું ક્યારેય કોઈ અજાણ્યા પુરુષ સાથે રોમાન્સ નહોતી કરી શકતી કે ન તો તેની સામે પ્રેમાલાપ કરી શકતી હતી. આ બધું મને યોગ્ય નહોતું લાગતું, તેથી જ મેં જીવનભર માત્ર કેરેક્ટર રોલ (માતા, માસી, કાકી) કરવાનો જ નિર્ણય લીધો હતો."

12 વર્ષની નાની ઉંમરે લગ્ન અને પારિવારિક પૃષ્ઠભૂમિ

લીલા મિશ્રા જ્યારે ફિલ્મોમાં આવ્યા તે પહેલાં જ પરિણીત અને બાળકોના માતા બની ચૂક્યા હતા. તેઓ એક સમૃદ્ધ પરિવારમાંથી આવતા હતા અને માત્ર 12 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન અભિનેતા રામ પ્રસાદ મિશ્રા સાથે થઈ ગયા હતા. 17 વર્ષની વય સુધીમાં તેઓ બે બાળકોની માતા બની ગયા હતા. લગ્ન અને બાળકોના ઉછેર બાદ, દાદાસાહેબ ફાળકેની કંપનીમાં કામ કરતા મામા શિંદેના આગ્રહથી તેઓ સિનેમા જગતમાં જોડાયા હતા.

યાદગાર ફિલ્મો અને અંતિમ સફર

તેમણે પોતાના કરિયરમાં રામબાણ, દૌલત, શીશ મહેલ, આરામ, આવારા, દાગ, પ્યાસા, દો રાસ્તે, મસ્તાના, લાલ પથ્થર, પૂરબ ઔર પશ્ચિમ, શોલે અને ગીત ગાતા ચલ જેવી અગણિત સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેઓ જીવનના અંતિમ સમય સુધી અભિનયમાં સક્રિય રહ્યા હતા. 17 જાન્યુઆરી 1988ના રોજ હાર્ટ એટેક આવવાથી 80 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.