ઓસ્કારમાં રેડ કાર્પેટ પર ‘સ્વદેશ’નો દબદબો, ભારતીય કળા દર્શાવતા આભૂષણો અને વસ્ત્રો બન્યા આકર્ષણનું કેન્દ્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Swadesh At The Oscars: હાલમાં જ યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સ સમારંભમાં માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ભારતની પરંપરાગત હસ્તકલા અને ઝવેરાતે પણ વૈશ્વિક ફલક પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના વિઝન હેઠળ કાર્યરત ‘સ્વદેશ’ બ્રાન્ડ દ્વારા તૈયાર કરાયેલા આઉટફિટ્સ અને જ્વેલરી પહેરીને અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ રેડ કાર્પેટ પર ઉતરી હતી.
ઝેના રોબર્ટ્સ રાસી: ઈકત શૈલી અને આધુનિક ફેશનનો અનોખો સંગમ
ઝેના રોબર્ટ્સ રાસીએ ઓસ્કર રેડ કાર્પેટ પર 'સ્વદેશ' અને 'અબુ જાની સંદીપ ખોસલા'નું આઉટફિટ પહેરીને ભારતીય કાપડ કલાની ભવ્યતા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી હતી. તેના રેશમી બ્રોકેડ ક્રોપ ટોપમાં આધુનિક પાવર શોલ્ડર્સ સાથે હજારો બીડ્સ (bugle beads), પથ્થરો અને ક્રિસ્ટલ્સનું ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું, જે લાઈટમાં અત્યંત આકર્ષક લાગતું હતું. આ ડિઝાઈન પરંપરાગત 'ઈકત' શૈલી પર આધારિત છે, જેમાં વણાટકામ પહેલાં દોરાઓને બાંધીને રંગવાની ખાસ પદ્ધતિથી અદભૂત ભૌમિતિક પેટર્ન તૈયાર થાય છે. 2000 કલાકથી વધુની મહેનત અને બારીક હેન્ડ-એમ્બ્રોઇડરીથી બનેલો આ બ્લાઉઝ કલા પ્રત્યેના સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.
પ્રીતિકા સ્વરૂપ: ઝિપ ડિઝાઇનનો અદભૂત નેકલેસ
પ્રીતિકા સ્વરૂપે એલ્ટન જોન એઇડ્સ ફાઉન્ડેશન એકેડેમી વ્યુઈંગ પાર્ટીમાં 'સ્વદેશ' બ્રાન્ડનો અદભૂત નેકલેસ પહેરીને ભારતીય જ્વેલરી કલાને આધુનિક સ્વરૂપે પ્રદર્શિત કરી હતી. ગળાના આકારને અનુરૂપ અત્યંત સુંદર રીતે કંડારેલી 'ઝિપ'(ચેઈન) જેવી આ વિશિષ્ટ ડિઝાઇન કોઈ સામાન્ય મોટિફને પણ હાઈ-જ્વેલરીમાં કેવી રીતે ફેરવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
નેકલેસના રનર(pull tab) પર 6 કેરેટનો એમરલ્ડ (નીલમ) જડેલો છે, જેનો ઘેરો લીલો રંગ હીરાની ચમક સાથે અદભૂત મેળ બેસાડે છે. લગભગ 160 કલાકની મહેનત અને બારીક કારીગરીથી તૈયાર થયેલો આ નેકલેસ 'સ્વદેશ'ની એ વિચારધારાને સાર્થક કરે છે, જેમાં ભારતની પ્રાચીન હસ્તકલાને આધુનિક ડિઝાઇન સાથે જોડીને નવું સ્વરૂપ આપે છે.
લો રોચ: મુંબઈની આર્કિટેક્ચર કળા બ્રોચમાં પ્રતિબિંબિત
હોલિવૂડના જાણીતા સ્ટાઈલિશ લો રોચ ઓસ્કાર રેડ કાર્પેટ પર એક આકર્ષક બ્રોચ સાથે જોવા મળ્યા હતા. આ બ્રોચની ડિઝાઇન મુંબઈની આઇકોનિક ‘ઈરોસ બિલ્ડિંગ’ની આર્ટ ડેકો આર્કિટેક્ચર શૈલી પર આધારિત હતી. સોનાથી બનેલા આ બ્રોચમાં મધ્યમાં ઘેરા લાલ રંગનો રૂબી(માણેક) અને તેની આસપાસ હીરાની કલાત્મક ગોઠવણી કરાઈ છે, જે ભારતીય ઝવેરીઓની પેઢી દર પેઢી ચાલી આવતી આવડત દર્શાવે છે.
બ્રાન્ડી કાર્લાઈલ અને કેથરિન શેફર્ડ: તેલંગાણાના કારીગરોનું કૌશલ્ય
આ પ્રસંગે ગાયિકા બ્રાન્ડી કાર્લાઈલે ‘પેટલ પ્રિઝમ બ્રોચ’ પહેર્યો હતો, જે સૂર્યમુખીની ડિઝાઇનથી પ્રેરિત હતો. તેલંગાણાના કારીગરોએ 100 કલાકની મહેનત પછી તૈયાર કરેલા આ બ્રોચમાં નીલમ અને હીરાનું જડતર કામ કરાયું છે. તેમની સાથે કેથરિન શેફર્ડ પણ ‘સ્વદેશ’ના ડાયમંડ નેકલેસમાં નજરે પડી હતી, જેમાં હીરાની રિફાઈન્ડ શેવરોન પેટર્ન જોવા મળી હતી.
આમ, ઓસ્કાર 2026ના મંચ પર 'મેક ઇન ઇન્ડિયા'ના સૂત્ર સાથે ભારતીય ટેક્સટાઇલ અને જ્વેલરીએ હોલિવૂડમાં ભારતના ભવ્ય વારસાનો ડંકો વગાડ્યો છે.










