Sarke Chunar Song Controversy : બોલીવૂડ સુપરસ્ટાર સંજય દત્ત અને અભિનેત્રી નોરા ફતેહીનું આઈટમ સોન્ગ ‘સરકે ચુનરી તેરી’માં વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરાયો હોવાની અને મહિલાઓની ગરિમામે ઠેસ પહોંચાડવાની અનેક ફરિયાદો થયા બાદ આજે રાષ્ટ્રીય મહિલા આયોગમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આયોગની નોટિસ બાદ સંજય દત્તે આજે દિલ્હી સ્થિત આયોગની ઓફિસમાં હાજર થઈને જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન તેણે માફી માંગવાની સાથે મોટો નિર્ણય પણ લીધો છે.
સોંગમાં અશ્લિલતા, સંજય દત્તે માફી માંગી
સંજય દત્ત અને નોરાનું આઈટમ સોંગ્સ અને ગીલના શબ્દો સમાજ અને મહિલાઓ માટે શરમજનક હોવાની રાષ્ટ્રીય મહિલા આયોગને અનેક ફરિયાદો મળી હતી, જેના કારણે આયોગે સંજય દત્તને નોટિસ ફટકારી હતી. સંજય દત્તે આયોગ સમક્ષ હાજર થઈને ઘટનાને ગંભીરતાથી લઈને માફી માંગી છે. આ ઉપરાંત અભિનેતાએ પહેલ કરીને 50 આદિવાસી બાળકીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આયોગે વિવાદાસ્પદ ગીતમાં અશ્લિલતાને લઈને કડક વલણ અપનાવ્યું છે, ત્યારબાદ સંજય દત્તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.
આયોગે નોરાને પણ મોકલી હતી નોટિસ
મહિલા આયોગે નોરા ફતેહીને પણ નોટિસ ફટકારી હતી. જોકે અગાઉની સુનાવણીમાં નોરાના બદલે તેના વકીલ હાજર થયા હતા. આયોગે વકીલને નોરાને જ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આયોગે સ્પષ્ટ કહ્યું છે કે, નોરાએ જ પેનલ સામે હાજર થવું પડશે અને તે માટે તેને છેલ્લી તક અપાઈ છે.
આ પણ વાંચો : ‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
ગીતમાં અશ્લિલતા... આયોગે મામલે ગંભીરતાથી લીધો
ઉલ્લેનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ-1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને 'સરકે ચુનર' ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાના આરોપો અંગે સબંધિત મીડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ આયોગે આ મામલે અભિનેત્રી નોરા ફતેહી, રકીબ આલમ, અભિનેતા સંજય દત્ત, વેંકટ કે. નારાયણ (નિર્માતા, કેવીએન ગ્રુપ) અને કિરણ કુમાર (નિર્દેશક) ને આયોગ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી આ મામલે 19 માર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા માહિતી આપી હતી. આયોગનું કહેવું છે કે, પહેલી નજરે જોતા આ ગીત જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને પોક્સો કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન પ્રતીત થાય છે, તેથી આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી છે.
'સરકે ચુનર' ગીત પર વિવાદ
'સરકે ચુનર' ગીત આગામી ફિલ્મ 'કેડી: ધ ડેવિલ'નું છે. આ ગીતના કારણે સંજય દત્ત અને નોરા ફતેહીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ કહ્યું હતું કે, તેના ડાન્સ સ્ટેપ્સ ગીતના લિરિક્સની જેમ જ અભદ્ર છે. હૂક સ્ટેપમાં તે પોતાનો પલ્લુ સરકાવીને ડાન્સ કરી રહી છે. 'સરકે ચુનર' ગીતને લઈને વિવાદને વધવાથી મેકર્સે તેને યુટ્યુબ પરથી હટાવી દીધું છે. આ ગીત માંગલીએ ગાયું છે. તેના શબ્દો રકીબ આલમે લખ્યા છે અને અર્જુન જાન્યાએ તૈયાર કર્યું છે. અશ્લીલ લિરિક્સ અને વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર પણ ગીતનો ભારે વિરોધ કરવામાં આવી હતો.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં 'જેકપોટ' લાગી શકે


