Entertainment

કાલા હિરન ફિલ્મના સર્જકોને સલમાને નોટિસ ફટકારી દીધી

By GS Team
3 Jun 20261 min read
કાલા હિરન ફિલ્મના સર્જકોને સલમાને નોટિસ ફટકારી દીધી

- સલમાન સામે થયેલા કેસ પર આધારિત હોવાની ચર્ચા

- સલમાનની ટીમ દ્વારા ધાકધમકી મળી રહી હોવાનો પણ નિર્માતા અમિત જાનીનો આરોપ

મુંબઇ : સલમાન ખાને 'કાલા હિરનઃ ધ બેટલ ઓફ લેગસી' નામની ફિલ્મના સર્જકોને કાનૂની નોટિસ  ફટકારી દીધી  છે.

બીજી તરફ આ ફિલ્મના  નિર્માતા અમિત જાનીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે તેમની ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને સલમાનની ટીમ તરફથી  ધાકધમકી અપાઈ રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે. 

નોટિસમાં જણાવાયું છે કે આ ફિલ્મ સલમાન સામે ચાલી રહેલા કાનૂની કેસને નુકસાન પહોંચાડી શકે તેમ છે અને આ ફિલ્મથી સલમાનના પર્સનાલિટી રાઈટ્સનો ભંગ થવાની પણ સંભાવના છે. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા મુજબ આ ફિલ્મ સલમાન સામે ૧૯૯૮માં રાજસ્થાનમાં કાળિયારના શિકાર માટે થયેલા કેસ પર આધારિત છે.  

ફિલ્મના પોસ્ટરમાં એક પાત્રએ સલમાન જેવું  જ બ્રેસલેટ પહેર્યું હોવાનું દર્શાવાતાં  આ ચર્ચાને બળ મળ્યું છે. બીજી તરફ ફિલ્મના  ડિરેક્ટર ભરત શ્રીનેત્રએ એમ કહ્યું છે કે પોતાને 'ઉદયપુર ફાઈલ્સ'  ફિલ્મ બાદ આ પ્રકારનાં કાનૂની દબાણોનો સામનો કેવી રીતે કરવો  તેનો અનુભવ છે અને પોતે આ બધી બાબતોથી ડરતા નથી. 

દરમિયાન, સલમાન ખાને પોતે સત્તાવાર રીતે આ વિવાદ અંગે કશું  જ જણાવ્યું નથી.