Entertainment

'હું મોટી થઈને સુપરસ્ટાર સાથે જ લગ્ન કરીશ': 12 વર્ષની ઉંમરે જોયેલું સપનું સાકાર થયું, જાણો સાયરા બાનો-દિલીપ કુમારની લવસ્ટોરી

By GS Team
23 Aug 20265 mins read
TukuTouch Logo
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર અને સાયરા બાનોની લવસ્ટોરી ફિલ્મી કહાણી જેવી છે. સાયરા 12 વર્ષની ઉંમરથી જ દિલીપ સાહેબના પ્રેમમાં હતી અને તેમની સાથે લગ્ન કરવાનું સપનું જોતી હતી. 23 ઓગસ્ટ 1966ના રોજ સાયરાના જન્મદિવસની પાર્ટીમાં દિલીપ કુમાર પહોંચ્યા, જ્યાં તેમણે સાયરાને પહેલીવાર 'લવલી વુમન' તરીકે નોટિસ કરી. 11 ઓક્ટોબર 1966ના રોજ બંનેના નિકાહ થયા, ત્યારે સાયરા 22 અને દિલીપ કુમાર 44 વર્ષના હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું મોટી થઈને સુપરસ્ટાર સાથે જ લગ્ન કરીશ': 12 વર્ષની ઉંમરે જોયેલું સપનું સાકાર થયું, જાણો સાયરા બાનો-દિલીપ કુમારની લવસ્ટોરી
Image: @sairabanu/Instagram

Saira Banu Dilip Kumar Love Story: બોલિવૂડમાં કેટલીક પ્રેમ કહાણી એવી હોય છે જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ હોતી નથી. આવી જ એક રસપ્રદ કહાણી જાણીતી અભિનેત્રીની પુત્રીની છે, જેણે બાળપણમાં જ એક સુપરસ્ટારને પોતાનું દિલ આપી દીધું હતું. ઉંમર નાની હતી, પણ સપનું એકદમ સ્પષ્ટ હતું કે મોટા થઈને આ જ સ્ટાર સાથે લગ્ન કરવા છે! સમય વિત્યો, તે બાળકી પોતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી એક્ટ્રેસ બની ગઈ અને દિલમાં વસેલું એ સપનું પણ એમ જ અકબંધ રહ્યું. રસપ્રદ વાત તો એ છે કે, જે સ્ટારની તે ક્યારેક ચાહક હતી, એક દિવસ તેની જ સાથે તેની પ્રેમકહાની શરૂ થઈ. એક ખાસ બર્થડે પાર્ટી આ સંબંધનો ટર્નિંગ પોઈન્ટ બની અને જોતજોતામાં બાળપણનું સ્વપ્ન જિંદગીની સૌથી હસીન હકીકતમાં ફેરવાઈ ગયું. જાણો સાયરા બાનો-દિલીપની લવસ્ટોરી.

12 વર્ષની ઉંમરે જોયેલું સપનું સાચું થયું, જાણો સાયરા બાનો-દિલીપની લવસ્ટોરી

હિન્દી સિનેમાના પડદા પર પોતાની અદાકારી અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારા સાયરા બાનો અસલ જિંદગીમાં બાળપણથી જ દિલીપ કુમારની દિવાની હતી. એકવાર સાયરાના બર્થડે પર તેની માતાના આમંત્રણથી દિલીપ કુમાર પાર્ટીમાં પહોંચ્યા હતા. સાડી પહેરેલી સાયરાને જોઈને દિલીપ સાહેબની નજર તેના પર જ થંભી ગઈ. તેમણે પહેલીવાર સાયરાને એક પરિપક્વ અને સુંદર સ્ત્રી તરીકે નોટિસ કરી અને અહીંથી જ બંનેની લવ સ્ટોરીમાં નવો વળાંક આવ્યો.

સાયરા બાનોનો ફિલ્મ બેકગ્રાઉન્ડ ધરાવતો પરિવાર

23 ઓગસ્ટ 1944ના રોજ મસુરીમાં જન્મેલા સાયરા બાનો ફિલ્મ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવતા હતા. તેમના માતા નસીમ બાનો પણ પોતાના સમયના પ્રખ્યાત એક્ટ્રેસ હતા. સાયરાએ નાની ઉંમરથી જ ફિલ્મી દુનિયામાં કદમ રાખવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી હતી. તેમણે કથક અને ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્ય શીખ્યા અને ત્યારબાદ હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી. વર્ષ 1961માં આવેલી ફિલ્મ 'જંગલી'થી તેમની ફિલ્મી સફર શરૂ થઈ. શમ્મી કપૂર સાથેની આ ફિલ્મ સુપરહિટ રહી અને સાયરા રાતોરાત સ્ટાર બની ગયા.

પરંતુ સાયરાના દિલમાં તો નાનપણથી જ એક અલગ જ સપનું આકાર લઈ રહ્યું હતું. તેઓ દિલીપ કુમારના બહુ મોટા ફેન હતા. કહેવાય છે કે જ્યારે તેઓ માત્ર 12 વર્ષના હતા, ત્યારે દિલીપ કુમારની ફિલ્મ જોતાં જોતાં તેમણે પોતાની માતાને કહી દીધું હતું કે તેઓ મોટા થઈને દિલીપ સાહેબ સાથે જ લગ્ન કરશે. માતાએ આ વાતને બાળપણની જીદ સમજીને હસી કાઢી હતી. પણ કોને ખબર હતી કે આ ભોળી વાત એક દિવસ હકીકત બની જશે!

દિલીપ કુમારની પસંદ-નાપસંદ જાણવાનો સાયરાએ પ્રયાસ કર્યો હતો

સાયરા જ્યારે લંડનમાં અભ્યાસ કરતા હતા ત્યારે પણ દિલીપ કુમાર જ તેમના સપનામાં આવતા હતા. તેઓ ઈચ્છતા હતા કે એક દિવસ તેઓ 'મિસીસ દિલીપ કુમાર' બને. આ માટે તેમણે દિલીપ કુમારની પસંદ-નાપસંદ જાણવાનો પણ પ્રયાસ કર્યો. જ્યારે તેમને ખબર પડી કે દિલીપ કુમારને સિતાર વગાડવાનો શોખ છે, તો સાયરાએ પણ સિતાર શીખવાનું શરૂ કરી દીધું. દિલીપ કુમાર ઉર્દૂ ભાષાના પણ શોખીન હતા, તેથી સાયરાએ ઉર્દૂ શીખવામાં પણ રસ દાખવ્યો.

પછી આવ્યો એ દિવસ, જેણે બંનેની જિંદગીની દિશા બદલી નાખી. 23 ઓગસ્ટ 1966ના રોજ સાયરા બાનોનો જન્મદિવસ હતો. તેમની માતાએ ઘરે એક ખાસ પાર્ટી રાખી હતી, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ પહોંચી હતી. સાયરા પણ શૂટિંગ પતાવીને પાર્ટીમાં પહોંચ્યા. તેમણે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી અને વાળ પણ સુઘડ રીતે ઓળેલા હતા. અચાનક પાર્ટીમાં દિલીપ કુમારની એન્ટ્રી થઈ. સાયરાની માતાએ તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું. સાયરા માટે તો આ સ્વપ્ન સાકાર થવા જેવું હતું. એ રાત્રે તેમણે પહેલીવાર અનુભવ્યું કે દિલીપ કુમાર તેમને એક અલગ નજરે જોઈ રહ્યા છે. દિલીપ કુમારે તેમની સાથે હાથ મિલાવ્યો અને તારીફ કરતા કહ્યું કે તેઓ હવે એક 'લવલી વુમન' બની ગયા છે. આ એ જ ક્ષણ હતી જ્યારે સાયરાના જણાવ્યા મુજબ, દિલીપ કુમારે તેમને પહેલીવાર ગંભીરતાથી નોટિસ કર્યા હતા.

તેના બીજા જ દિવસે દિલીપ કુમારનો ફોન આવ્યો. તેમણે આગલી રાતના ડિનર અને પાર્ટી માટે સાયરાનો આભાર માન્યો. બસ, ત્યારથી બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો શરૂ થઈ ગયો. સાયરાના જણાવ્યા અનુસાર, દિલીપ કુમાર મદ્રાસથી આવતા અને તેમના ઘરે ડિનર કર્યા પછી શૂટિંગ માટે નીકળી જતા. લગભગ આઠ દિવસ સુધી આ મુલાકાતો ચાલી. અને આઠમા દિવસે દિલીપ કુમારે સાયરાના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. તેઓ સાયરાના માતા અને દાદી પાસે ગયા અને તેમની પુત્રીનો હાથ માગ્યો. સાયરા માટે તો આ એ જ સપનું પૂરું થવા જેવું હતું, જે તેમણે બાળપણમાં જોયું હતું.

દિલીપ કુમાર અને સાયરા બાનોએ નિકાહ કર્યા

11 ઓક્ટોબર 1966ના રોજ દિલીપ કુમાર અને સાયરા બાનોએ નિકાહ કરી લીધા. એ સમયે સાયરા માત્ર 22 વર્ષના હતા, જ્યારે દિલીપ કુમાર તેમનાથી 22 વર્ષ મોટા એટલે કે 44 વર્ષના હતા. ઉંમરનો આ તફાવત તેમના પ્રેમ વચ્ચે ક્યારેય દીવાલ ન બન્યો. બંનેએ સાથે મળીને જિંદગીના તમામ ઉતાર-ચઢાવ પાર કર્યા. સાયરા અને દિલીપ કુમારે ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું. બંને 'ગોપી' અને 'સગીના' જેવી યાદગાર ફિલ્મોમાં નજરે પડ્યા. જો કે, પડદા કરતાં પણ વધુ તેમની જોડીને લોકોએ રિયલ લાઈફમાં પસંદ કરી. સાયરા દિલીપ કુમારને પ્રેમથી 'સાહેબ' કહીને બોલાવતા અને હંમેશાં તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કરતા રહ્યા.

આ પણ વાંચો: એક્ટિંગ છોડી ખેતી કરી ત્યાં રૂ. 2 કરોડનું દેવું થયું: એક્ટર રાજેશ કુમારની સંઘર્ષગાથા, સ્કૂલ બહાર શાકભાજી વહેંચી

તેમની જિંદગીમાં મુશ્કેલ તબક્કો પણ આવ્યો. બંનેને કોઈ સંતાન ન થયું. સાયરા પ્રેગ્નન્ટ થયા પણ કમનસીબે મિસકેરેજ થઈ ગયું, જે ઘટનાએ બંનેને ખૂબ ઊંડો આઘાત આપ્યો હતો. આમ છતાં, બંનેએ તેને કુદરતની મરજી માનીને સ્વીકારી લીધું. દિલીપ કુમારના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેમણે 1981માં અસ્મા રહમાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પણ આ સંબંધ લાંબો ન ચાલ્યો અને લગભગ બે વર્ષમાં જ બંને અલગ થઈ ગયા. ત્યારબાદ દિલીપ કુમાર ફરી સાયરા બાનો પાસે પાછા ફર્યા. સાયરાએ પણ પોતાના સંબંધને સાચવી લીધો અને બંને સાથે રહ્યા.

7 જુલાઈ 2021ના રોજ દિલીપ કુમારનું અવસાન થતાં સાયરા બાનો સાવ એકલા પડી ગયા અને ભાંગી પડ્યા. પરંતુ તેમનો પ્રેમ આજે પણ અમર છે. આજે પણ તેઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરવ્યુ દ્વારા દિલીપ કુમારની યાદો ફેન્સ સાથે શેર કરતા રહે છે.