એક્ટિંગ છોડી ખેતી કરી ત્યાં રૂ. 2 કરોડનું દેવું થયું: એક્ટર રાજેશ કુમારની સંઘર્ષગાથા, સ્કૂલ બહાર શાકભાજી વેચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actor Rajesh Kumar Farming Struggle Story: વર્ષ 2017માં બોલિવૂડ અને ટીવી એક્ટર રાજેશ કુમારે પોતાના કરિયરમાં એક ચોંકાવનારો વળાંક લીધો હતો. તેમણે એક્ટિંગની ઝગમગતી દુનિયાને અલવિદા કહી પોતાના વતન બિહાર તરફ પ્રયાણ કર્યું હતું અને ખેતી કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, રાજેશ કુમાર માટે આ નિર્ણય સદ્ગુરુ સાથેના તેમના વધતા આધ્યાત્મિક જોડાણનું પરિણામ હતો. પરંતુ એક્ટિંગ છોડીને ખેડૂત બનવાનો આ સફર બિલકુલ સરળ રહી નહોતી. સતત પાંચ વર્ષ સુધી આવકનો કોઈ નિશ્ચિત સ્ત્રોત ન હોવાના કારણે તેમના પર આશરે રૂ.2 કરોડનું દેવું થઈ ગયું હતું.
સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે એક તબક્કે તેમને પોતાના પુત્રની સ્કૂલની બહાર જ શાકભાજી વેચવાનો વારો આવ્યો હતો. આમ છતાં, આટલી મોટી આર્થિક તંગી અને એક પછી એક મળેલી નિષ્ફળતાઓ છતાં રાજેશ કુમાર જણાવે છે કે, તેમણે ક્યારેય ખુદને કડવાશ કે ડિપ્રેશનમાં ઘેરાવા દીધા નથી. તેઓ આ અનુભવને માત્ર એક ‘નિષ્ફળતા’ તરીકે નથી જોતા.
રાજેશ કુમારે શું કહ્યું?
રાજેશ કુમારે ગ્લેમર વર્લ્ડ છોડીને બાગાયત તરફ વળવા પાછળનું કારણ દર્શાવતા કહ્યું કે, 'શરુઆતમાં તેમને સદ્ગુરુની વાતો બહુ સમજાતી નહોતી. પરંતુ ધીમે-ધીમે તેઓ તેમના અનુયાયી બની ગયા અને ઈશા ફાઉન્ડેશન માટે કેટલાય ઈવેન્ટ્સ પણ હોસ્ટ કર્યા. સદ્ગુરુના 'રેલી ફોર રિવર્સ' કેમ્પેઈન દરમિયાન એક વાત રાજેશના મનમાં ઘર કરી ગઈ અને અંતે તેમના જીવનનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.'
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'રેલી દરમિયાન સદ્ગુરુ સતત એક વાત કહેતા હતા કે, મને તમારા રાજ્યમાંથી 100 યુવાનો આપો, હું ખેતીનું ચિત્ર બદલી નાખીશ. પણ ત્રણ વર્ષ સુધી મને એ ન પૂછતા કે મારું શું થશે? જ્યારે હું મારા ગામે પહોંચ્યો, ત્યારે અચાનક મને એ વાતનો અહેસાસ થયો કે જે દિવસે તમે તમારા પોતાના વિશે વિચારવાનું બંધ કરી દો છો, તે જ દિવસથી તમે બીજાનો વિચાર કરવાનું શરૂ કરો છો અને જ્યારે તમે બીજાનો વિચાર કરો છો, ત્યારે બીજા લોકો તમારા વિશે વિચારવા લાગે છે.'
ખેતીના અનુભવો જણાવ્યા
ખેતીના અનુભવ વિશે રાજેશ કુમારે જણાવ્યું કે, 'ખેતીની પદ્ધતિઓ અને ખેડૂતોની હાલાકી વિશે જેમ-જેમ જાણકારી વધી, તેમ લાગ્યું કે બહાર રહીને માત્ર સલાહ આપવા કરતાં જાતે મેદાનમાં ઉતરીને આ પડકારોનો અનુભવ કરવો જોઈએ. મારી પાસે જે શિક્ષણ અને સમજ હતી, તેને જોતાં મને લાગ્યું કે ખેડૂતોને જંતુનાશકો વાપરવાની ના પાડવા કરતાં, મારે પોતે બીજી તરફ જઈને આ સમસ્યાને મૂળમાંથી સમજવી જોઈએ. એટલે હું જાતે ખેડૂત બની ગયો. મેં બાગાયતી ખેતીનો પ્રયાસ કર્યો અને ખરાબ રીતે નિષ્ફળ ગયો. પરંતુ સદ્ગુરુની કૃપાથી હું તેને નિષ્ફળતા નહીં ગણાવું. મને સફળતા કે નિષ્ફળતાના લેબલથી હવે કોઈ ફરક નથી પડતો, કારણ કે મેં આમાંથી જે શીખ્યું છે તે બીજી કોઈ રીતે શીખી શક્યો ન હોત.'
ખેતી સમજવામાં 5 વર્ષ વિત્યા, કુદરતે પણ પરીક્ષા લીધી
રાજેશ કુમારે જણાવ્યું, 'ખેતી, જમીન અને માટીની પ્રકૃતિને સમજવામાં મને આશરે પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો. પરંતુ આ શીખવાના તબક્કામાં કુદરતી આફતોએ મારી કમર તોડી નાખી. જેમાં મે વાવેલો પહેલો બાગાયતી પાક ત્યારે બરબાદ થઈ ગયો જ્યારે તે વિસ્તારમાં લગભગ 35 વર્ષ પછી વિનાશક પૂર આવ્યું. આટલા મોટા આઘાત છતાં હિંમત હાર્યા વગર મે ફરીથી 15,000 વૃક્ષો વાવ્યા. પરંતુ તે પછી તરત જ કોવિડ-19 મહામારીને કારણે તમામ કામકાજ ઠપ થઈ ગયું. આ દરમિયાન મે ફરી બેઠા થવાનો પ્રયાસ કર્યો, ત્યાં વધુ એક મુશ્કેલી આવી પડી કે વિસ્તારમાં ભૂગર્ભ જળ એકદમ ઊંડું ઉતરી ગયું હતું. છેલ્લા પ્રયાસ તરીકે મારી પાસે જે બચત હતી તેનાથી મેં બોરવેલ માટે 500 ફૂટ સુધી ખોદકામ કરાવ્યું, પણ પાણીનું એક ટીપુંય ન નીકળ્યું. આ બધી મુશ્કેલીઓ એકસાથે આવી રહી હતી.'
'રૂ.2 કરોડનું દેવું થયું…'
ખેતી ક્ષેત્રના કાર્ય દરમિયાન થયેલા આર્થિક નુકસાન અંગે જણાવ્યા રાજેશ કુમારે કહ્યું કે, 'એક પછી એક થયેલા નુકસાનના કારણે મને રૂ.2 કરોડ જેટલું મોટું દેવું થઈ ગયું. છતાં આધ્યાત્મિક વિચારસરણીના કારણે હું માનસિક રીતે તૂટ્યો નહીં. આધ્યાત્મિકતાને કારણે હું ક્યારેય એંઝાયટી, ડિપ્રેશન કે ગુસ્સાનો ભોગ ન બન્યો. કોઈ સ્થિતિ મને વિચલિત કરી શકી નહીં. મારી સામે બધું જ બરબાદ થઈ રહ્યું હતું, છતાં મારો પ્રયાસ અને પ્રક્રિયા અટક્યા નહીં. આધ્યાત્મિકતા આ જ તો છે.'
રાજેશ માટે આ સફર સફળ થઈ કે નિષ્ફળ, તેના કરતાં આ પ્રક્રિયામાંથી શું શીખવા મળ્યું તે વધુ મહત્ત્વનું હતું. આર્થિક સંકટ છતાં તેઓ આ તબક્કાને પોતાના વ્યક્તિગત વિકાસનો મહત્ત્વનો ભાગ માને છે. હવે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. એપ્રિલમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમનું દેવું હવે ઘટીને માત્ર 20 લાખ રૂપિયા જેટલું જ રહી ગયું છે. એટલે કે મૂળ દેવાનો મોટાભાગનો હિસ્સો ચૂકવાઈ ગયો છે અને તેઓ હવે આ આર્થિક સંકટમાંથી બહાર આવી ચૂક્યા છે.









