Oscar Trophy Price : દર વર્ષે હોલિવૂડમાં ચમક-દમકભરી એક રાત એવી આવે છે, જેના પર દુનિયાભરના સિનેપ્રેમીઓની નજર હોય છે. ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર્સને એક મંચ પર લઈ આવતી એ રાત એટલે ઓસ્કાર એવોર્ડ્સની રાત. સત્તાવાર રીતે ‘એકેડેમી એવોર્ડ્સ’ તરીકે ઓળખાતા આ સમારોહમાં જે કોઈ 'લિટલ ગોલ્ડ મેન' તરીકે ઓળખાતી આ ટ્રોફી જીતે છે, તેનું નામ સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય છે. પરંતુ આ સોનેરી ટ્રોફીની વાસ્તવિક કિંમત કેટલી? જવાબ છે: માત્ર 1 ડોલર (લગભગ 92.40 રૂપિયા). જાણીને હેરાન થઈ જવાય એવી વાત છે કે શા માટે 24 કેરેટ સોનાથી મઢેલી ઓસ્કાર ટ્રોફીની કિંમત આટલી ઓછી રખાય છે! 98મા ઓસ્કાર એવોર્ડ્સનો સમારોહ નજીક છે, ત્યારે ચાલો, આ રસપ્રદ રહસ્યને ઉકેલીએ.
ખર્ચ 400 ડૉલર, છતાં મૂલ્ય 1 ડોલર શા માટે?
પ્રત્યેક ઓસ્કાર ટ્રોફી બનાવવામાં લગભગ 400 ડોલર (લગભગ 37,000 રૂપિયા)નો ખર્ચ થાય છે. 13.5 ઇંચ ઊંચી, લગભગ 3.85 કિલો વજન ધરાવતી ધાતુના ખાસ એલોય(બ્રિટેનિયમ)થી બનેલી મૂર્તિ પર 24 કેરેટ સોનાનું પડ ચઢાવવામાં આવે છે. પરંતુ આટલા શ્રમ અને મોંઘી સામગ્રી છતાં તેની સત્તાવાર કિંમત ફક્ત 1 ડોલર કેમ રાખવામાં આવી છે? આના પાછળ ઓસ્કાર આપતી સંસ્થા ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’નો કડક નિયમ કામ કરે છે.
1 ડોલરનો નિયમ પ્રતિષ્ઠાની રક્ષા માટે
1951માં એકેડમીએ એક મહત્ત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો હતો. આ નિયમ મુજબ, કોઈપણ ઓસ્કાર વિજેતા પોતાનો એવોર્ડ વેચી શકે નહીં અથવા તેનો અન્ય કોઈપણ રીતે વેપાર કરી શકે નહીં. જો તેઓ ક્યારેય તેને વેચવા માંગે તો સૌપ્રથમ તેમણે એકેડમીને માત્ર 1 ડોલરમાં વેચવાની ઓફર કરવી પડશે. આ નિયમનો મુખ્ય હેતુ ઓસ્કારની પ્રતિષ્ઠાને બજારૂ ખરીદી-વેચાણથી બચાવી તેનું ગૌરવ જાળવી રાખવાનો છે. આ નિયમ વિજેતાના વારસદારોને પણ લાગુ પડે છે.
મનાઈ છતાં વેચાયેલી ઓસ્કાર ટ્રોફી!
1951 પહેલાં જીતાયેલા ઓસ્કાર એવોર્ડ પર વેચાણનો પ્રતિબંધ લાગુ પડતો નહોતો. તેથી તે સમયના કેટલાક ઓસ્કાર હરાજીમાં વેચાયા છે. સૌથી ચર્ચિત ઉદાહરણ 1939માં મળેલા Best Pictureના ઓસ્કારનું છે, જે ફિલ્મ Gone with the Wind માટે આપવામાં આવ્યો હતો. આ ટ્રોફી 1999માં હરાજીમાં લગભગ $1.5 મિલિયન જેટલી ઊંચી કિંમતે વેચાઈ હતી. આ ઘટનાએ ઓસ્કાર ટ્રોફીના ખાનગી વેચાણ અંગે ભારે ચર્ચા જગાવી હતી.
ઓસ્કાર ટ્રોફી વેચાણનો વિવાદ જ્યારે કોર્ટ કેસ બન્યો
1956માં ફિલ્મ Around the World in 80 Days ને Best Pictureનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ એ વેચાઈ ગયો અને ટ્રોફી સંગ્રહવાના ધનવાન શોખીન પાસે પહોંચી ગયો, જેને કારણે વિવાદ ઊભો થયો. ‘એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ આ મામલાને કોર્ટમાં લઈ ગઈ. અંતે કોર્ટે એકેડેમીના પક્ષમાં નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું કે ઓસ્કાર ટ્રોફી ખુલ્લા બજારમાં વેચી શકાય તેવી વસ્તુ નથી અને આ અંગેનો નિયમ લાગુ કરવાનો અધિકાર એકેડેમી પાસે છે.
'ઓસ્કાર' નામ કેવી રીતે પડ્યું?
આ એવોર્ડનું સત્તાવાર નામ 'એકેડેમી એવોર્ડ ઓફ મેરિટ' છે, પરંતુ તે 'ઓસ્કાર' નામથી વધુ પ્રખ્યાત છે. 1930ના દાયકામાં આ ઉપનામ પ્રચલિત થયું. સૌથી પ્રચલિત માન્યતા એકેડમીના લાઇબ્રેરિયન માર્ગારેટ હેરિક સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે પ્રતિમાને જોતાં જ તેમને તેમના કાકા 'ઓસ્કાર'ની યાદ આવી ગઈ હતી અને તેઓ બોલ્યા હતા કે, ‘આ મૂર્તિનો ચહેરો તો મારા કાકા ઓસ્કાર જેવો લાગે છે.’ ત્યારથી આ એવોર્ડનું હુલામણું નામ ઓસ્કાર પડી ગયું હોવાનું કહેવાય છે. 1934માં પ્રખ્યાત કટારલેખક સિડની સ્કોલ્સ્કીએ તેમની કોલમમાં સૌપ્રથમ વખત ‘ઓસ્કાર’ શબ્દનો ઉલ્લેખ કર્યો, અને 1939માં એકેડમીએ સત્તાવાર રીતે આ નામ અપનાવી લીધું.
પહેલો ઓસ્કાર સમારોહ
પ્રથમ એકેડેમી એવોર્ડ સમારોહ 16 મે, 1929ના રોજ હોલિવૂડ રૂઝવેલ્ટ હોટેલમાં યોજાયો હતો. તે માત્ર 15 મિનિટ ચાલ્યો હતો અને તેમાં માત્ર 270 મહેમાનોએ ભાગ લીધો હતો. આજથી વિપરીત, તે વખતે વિજેતાઓની જાહેરાત ત્રણ મહિના પહેલાં જ થઈ ગઈ હતી, એટલે કોઈ સસ્પેન્સ નહોતું. 'વિંગ્સ' ફિલ્મે શ્રેષ્ઠ ચિત્રનો પહેલો ઓસ્કાર જીત્યો હતો.
ઓસ્કાર જીતવાનો બહુમૂલ્ય ફાયદો: 'ઓસ્કાર બમ્પ'
ભલે ટ્રોફીની કિંમત માત્ર 1 ડોલર હોય, પરંતુ તે જીતવાના ફાયદા બહુમૂલ્ય હોય છે. એકેડમી એવોર્ડ જીતવું એ વ્યાવસાયિક જીવનની સર્વોચ્ચ સિદ્ધિ માનવામાં આવે છે, જે કલાકારની બજાર કિંમતને આસમાને પહોંચાડે છે. આ એવોર્ડ જીતનાર કલાકાર પોતાની આગામી ફિલ્મો માટે તેમની ફીમાં 20 થી 30 ટકાનો વધારો કરી શકે છે, જેને 'ઓસ્કાર બમ્પ' તરીકે ઓળખવામાં આવે છે.
ઓસ્કાર બાબતે વિવાદો પણ થયા છે
ઓસ્કાર હંમેશાં શ્રેષ્ઠ ફિલ્મને જ મળે છે, એવું નથી. 'સિટિઝન કેન', '2001: અ સ્પેસ ઓડિસી' અને 'ટેક્સી ડ્રાઈવર' જેવી સિનેમા ઇતિહાસની ઉત્કૃષ્ટ ફિલ્મો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી શકી નથી. તે જ રીતે, મહાન દિગ્દર્શક માર્ટિન સ્કોર્સીસે તેમની કાલાતીત કૃતિઓ 'ગુડફેલાસ' અને 'રેજિંગ બુલ' માટે નહીં, પરંતુ પછીથી 'ધ ડિપાર્ટેડ' માટે ઓસ્કાર જીત્યો હતો. આલ્ફ્રેડ હિચકોક અને સ્ટેનલી કુબ્રિક જેવા દિગ્ગજો પણ ક્યારેય શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કાર જીતી શક્યા નહીં.
કોણ નક્કી કરે છે વિજેતા? કેવી હોય છે મતદાન પ્રક્રિયા?
ઓસ્કારના વિજેતાઓ એકેડેમીના સભ્યોના ગુપ્ત મતદાન દ્વારા નક્કી થાય છે. આ સભ્યોમાં અભિનેતાઓ, દિગ્દર્શકો, લેખકો ઉપરાંત નિર્માતાઓ, સિનેમેટોગ્રાફરો, સંપાદકો, સંગીતકારો અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. એક સ્વતંત્ર એકાઉન્ટિંગ ફર્મ આ મતોની ગણતરી કરે છે, જેના કારણે પરિણામ સુધી ગુપ્તતા જળવાઈ રહે છે.
જ્યારે વિજેતાઓને પ્લાસ્ટરની ઓસ્કાર ટ્રોફી આપવામાં આવેલી
1940ના દાયકામાં ધાતુની અછતને કારણે ઓસ્કાર ટ્રોફી પ્લાસ્ટરથી બનાવવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધાતુ યુદ્ધ માટે જરૂરી હોવાથી 1943થી 1945 વચ્ચે અપાયેલી ઓસ્કાર ટ્રોફી પ્લાસ્ટરની બનેલી હતી. યુદ્ધ પૂરું થયા પછી વિજેતાઓને વાસ્તવિક ધાતુના ઓસ્કાર આપવામાં આવ્યા હતા.
સમય સાથે પરિવર્તન: નવી શ્રેણીઓનો ઉમેરો
સમયની સાથે એકેડમીએ ફિલ્મ નિર્માણના નવા પાસાઓને સ્વીકારતા પુરસ્કાર શ્રેણીઓમાં વધારો કર્યો છે. 2001માં શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર શ્રેણી ઉમેરાઈ, જેમાં 'શ્રેક' પ્રથમ વિજેતા બની. 2026ના સમારોહમાં કાસ્ટિંગમાં સિદ્ધિ માટેની નવી શ્રેણી ઉમેરવામાં આવી રહી છે. આ ઉપરાંત, 2028ના 100મા એકેડેમી એવોર્ડ્સમાં સ્ટંટ ડિઝાઇન માટેનો એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે વર્ષોના વિવાદ અને માંગણી બાદ આવ્યો છે.


