અરિજીત સિંહ બાદ બોલિવૂડના આ સુપરહીટ મ્યુઝિક કમ્પોઝરે આપ્યા નિવૃત્તિના સંકેત: ફેન્સ આઘાતમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pritam Retires From Bollywood?: બોલિવૂડ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત સિંગર અને મ્યુઝિક કંપોઝર અરિજીત સિંહે આ વર્ષની શરૂઆતમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય લીધા બાદ, હવે વધુ એક દિગ્ગજ મ્યુઝિક કંપોઝરે સંગીત જગતને અલવિદા કહેવાના સંકેત આપ્યા છે. આ બોલિવૂડ કંપોઝર બીજું કોઈ નહીં પણ દેશભરમાં કરોડો દિલો પર રાજ કરનાર પ્રીતમ છે. પ્રીતમે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિ તરફ ઈશારો કર્યો છે.
જન્મદિવસ પર લીધો મોટો નિર્ણય
મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમે તાજેતરમાં જ 14 જૂનના રોજ પોતાનો 55મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અઢળક શુભેચ્છાઓ મળ્યા બાદ, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ શેર કરીને દરેકનો આભાર માન્યો હતો. જો કે, આ આભાર પ્રસ્તાવની સાથે તેમણે જે નિવેદન આપ્યું, તેણે સંગીતપ્રેમીઓ અને બોલિવૂડ જગતની ચિંતા વધારી દીધી છે.
પ્રીતમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શું લખ્યું?
પ્રીતમે પોતાની પોસ્ટમાં લખ્યું, "તમામ શુભેચ્છાઓ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે જવાબ આપી શકું તેમ નથી, પરંતુ કૃપા કરીને મારો હૃદયપૂર્વકનો આભાર સ્વીકારો."
તેમણે આગળ લખ્યું, "આજે, મેં મારી જિંદગીના આગામી કેટલાક વર્ષો મારી રીતે જીવવાનો નિર્ણય કર્યો છે, જેથી હું જિંદગીને એક અલગ નજરિયાથી માણી શકું. એવા કાર્યો પૂરા કરી શકું જે હું અત્યાર સુધી વ્યસ્તતાના કારણે કરી શક્યો નથી. હવે એક નવી સફર પર નીકળવાનો સમય આવી ગયો છે, જેને મેં લાંબા સમયથી ટાળી રાખી હતી. મેઈનસ્ટ્રીમ બોલિવૂડ સંગીતની આ સફર અદભુત રહી છે, પરંતુ મને હંમેશા એવા રસ્તાઓ શોધવાની ઉત્સુકતા રહી છે જેના પર હજુ સુધી કોઈ ગયું નથી. આપ સૌના પ્રેમ અને સાથ માટે હંમેશા આભારી રહીશ..."
ફેન્સમાં ચિંતાનો માહોલ
પ્રીતમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું તેઓ બોલિવૂડ મ્યુઝિકમાંથી સન્યાસ લઈ રહ્યા છે. જો કે, પ્રીતમ તરફથી હજુ સુધી નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, ગત વર્ષે ફિલ્મ 'મેટ્રો... ઇન દિનો'ના મ્યુઝિકને લઈને પ્રીતમ ભારે ચર્ચામાં રહ્યા હતા અને તેમના ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. શાહિદ કપૂરની આવનારી 'કોકટેલ 2'ના ગીતો પણ તેમણે કમ્પોઝ કર્યાં છે. હવે અરિજીત સિંહ બાદ પ્રીતમના આ નિર્ણયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગી શકે છે.









