'મી ટૂ' વિવાદે બગાડી જિંદગી, બોલિવૂડના 'સંસ્કારી બાબુજી' હવે લાઇમલાઇટથી દૂર ગુમનામ હાલતમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Alok Nath News : 'મેંને પ્યાર કિયા' અને 'હમ આપકે હૈ કૌન' જેવી સુપરહિટ ફિલ્મોમાં સંસ્કારી પિતાનો રોલ ભજવીને 'સંસ્કારી બાબુજી' તરીકે જાણીતા બનેલા અભિનેતા આલોક નાથ લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લાઇમલાઇટથી દૂર ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. વર્ષ 2018માં 'મી ટૂ' મુવમેન્ટ દરમિયાન તેમના પર લાગેલા ગંભીર આરોપો બાદ તેઓ જાહેર જીવનમાં ક્યાંય જોવા મળ્યા નથી. તાજેતરમાં તેમના બાળપણના મિત્ર અને અભિનેતા રાજેશ પુરીએ એક ઇન્ટરવ્યુમાં આલોક નાથના વર્તમાન જીવન અને તેમની સ્ક્રીન પાછળની વાસ્તવિકતા વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
રાજેશ પુરીએ જણાવ્યું કે, 'મી ટૂ'ના આરોપોની આલોક નાથના જીવન પર ખૂબ જ ઊંડી અને ખરાબ અસર પડી છે, જેના કારણે તેમણે જાતે જ એક્ટિંગ કરિયરથી અંતર જાળવી લીધું છે. તેઓ હવે ઘરની બહાર પણ ખૂબ ઓછા નીકળે છે અને એકાંતમાં શાંતિભરી જિંદગી જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભૂતકાળની વાતો પર પ્રકાશ પાડતા રાજેશે સ્વીકાર્યું કે આલોક નાથ દિલના ખૂબ સાફ માણસ છે, પરંતુ તેમની બે નબળાઈઓ હતી - એક તો તેઓ નાની વાતોમાં પરેશાન થઈ જતા અને બીજું કે તેઓ ખૂબ જ ખતરનાક રીતે દારૂ પીતા હતા. દારૂ પીધા પછી તેમનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ જતું અને તેઓ ખૂબ જ આક્રમક અને બેકાબૂ બની જતા હતા, જે તેમની બરબાદીનું કારણ બન્યું.
રાજેશે વધુમાં જણાવ્યું કે આલોક નાથને હવે પોતાના ભૂતકાળના કૃત્યો પર ભારે પસ્તાવો છે અને તેઓ હવે કોઈનો સામનો કરવા માંગતા નથી. આ વિવાદો અને પસ્તાવા વચ્ચે તેમણે હવે દારૂ પીવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે અને આધ્યાત્મિકતા તરફ વળ્યા છે. તેઓ પોતાના જીવનમાં શાંતિ મેળવવા માટે ગુરુજીના માર્ગદર્શન હેઠળ સત્સંગ અને આધ્યાત્મનો સહારો લઈ રહ્યા છે. જોકે, તેઓ જૂના મિત્રોને મળવાનું પણ ટાળે છે.









