Get The App

સંગીતની ‘આશા’ અમર થઈ: સિંગર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકનું મોજું

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
સંગીતની ‘આશા’ અમર થઈ: સિંગર આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, સંગીત જગતમાં શોકનું મોજું 1 - image

Legendary singer Asha Bhosle passes away: ભારતીય સંગીતની દુનિયાના તેજસ્વી સિતારા અને કરોડો લોકોના પ્રિય ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. શનિવારે રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલે અને તેમના પરિવારજનોએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.  

સૂર સામ્રાજ્ઞી આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન

આશા ભોસલેએ ફક્ત 10 વર્ષની વયે 1943માં ગાયકી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 20થી વધુ ભાષામાં 12 હજારથી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં નામના મેળવી હતી. પૌરાણિક ભજનોથી લઈને આધુનિક પોપ સોંગ્સ સુધી, દરેક શૈલીમાં તેમણે પોતાનો જાદુ વિખેર્યો હતો. તેમના અવાજમાં એવી ખનક હતી કે જે દરેક પેઢીના હૃદયને સ્પર્શી જતી.

આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પૂરી શકાય તેમ નથી.

સંગીત જગતમાં શોકનું મોજું: મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરથી નિધન

મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર આનંદ ભોસલેએ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. ડૉ. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

માત્ર 10 વર્ષની ઉંમરે શરૂ કરી હતી સંગીત સફર

ભારતીય સિનેમાના સૌથી સફળ અને લોકપ્રિય ગાયિકા આશા ભોસલેનું સંગીત જગતમાં કદ તેમની મોટી બહેન સ્વ. લતા મંગેશકર જેટલું જ ઊંચું હતું. વર્ષ 1933માં સંગીત પ્રેમી મંગેશકર પરિવારમાં જન્મેલા આશા તાઈએ માત્ર દસેક વર્ષની ઉંમરે ગાયકીની શરૂઆત કરી હતી. 1943માં પ્રથમ ગીત રેકોર્ડ કર્યા બાદ, 50ના દાયકા સુધીમાં તેમણે બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી હતી. શરૂઆતમાં તેમને માત્ર કેબરે ગીતો માટે જ ઓળખવામાં આવતા હતા, પરંતુ 'ઉમરાવ જાન'ની ગઝલો ગાઈને તેમણે સાબિત કરી દીધું કે તેઓ દરેક પ્રકારના ગીતોમાં માહેર છે. તેમને 7 ફિલ્મફેર એવોર્ડ અને 'દિલ ચીઝ ક્યા હૈ' તેમજ 'મેરા કુછ સામાન' ગીતો માટે બે નેશનલ એવોર્ડ મળ્યા હતા.

આશા ભોસલેનું અંગત જીવન: સંઘર્ષ અને ઉતાર-ચડાવ

આશા ભોસલેનું અંગત જીવન પણ અનેક ઉતાર-ચડાવથી ભરેલું રહ્યું હતું. માત્ર 16 વર્ષની ઉંમરે પરિવારની મરજી વિરુદ્ધ તેમણે 31 વર્ષના ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા, જે તેમના પર્સનલ સેક્રેટરી હતા. જો કે, સાસરી પક્ષના ત્રાસને કારણે 1960માં તેઓ ત્રણ બાળકો સાથે અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 1980માં તેમણે પોતાનાથી 6 વર્ષ નાના સંગીતકાર આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતા. આર.ડી. બર્મનના નિધન બાદ, અંતિમ વર્ષોમાં તેમની પૌત્રી ઝનાઈ ભોસલે તેમની સતત સાથી રહી હતી. આશા ભોસલેની વિદાયથી સંગીત જગતમાં એક એવું સ્થાન ખાલી પડ્યું છે જે ક્યારેય ભરી શકાશે નહીં. 

20થી વધુ ભાષા અને 12,000 ગીતો ગાવાનો અદભૂત રેકોર્ડ

ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ માત્ર 10 વર્ષની નાની ઉંમરે 1943માં મરાઠી ફિલ્મ 'માઝા બાલ'ના ગીત 'ચલા ચલા નવબાલા' દ્વારા ગાયકીની સફર શરૂ કરી હતી, જ્યારે હિન્દી સિનેમામાં તેમને 1948માં ફિલ્મ 'ચુનરિયા'ના ગીત 'સાવન આયા રે'થી સફળતા મળી હતી. આશા તાઈએ ફિલ્મ સંગીત, પૉપ, ગઝલ અને શાસ્ત્રીય સંગીત જેવી વિવિધ શૈલીઓમાં 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ગિનીઝ બુક અને ગ્રેમી નોમિનેશન મેળવનારા પ્રથમ ભારતીય ગાયિકા

તેમની અદભૂત કારકિર્દી દરમિયાન તેમને અનેક પ્રતિષ્ઠિત સન્માન મળ્યા છે, જેમાં વર્ષ 2000માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને 2008માં પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. વર્ષ 1997માં તેઓ ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનારા પ્રથમ ભારતીય ગાયિકા બન્યાં હતાં, જ્યારે 2011માં તેમનું નામ સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું હતું. સંગીત ક્ષેત્રે તેમનું પ્રદાન હંમેશા મહત્ત્વનું રહેશે.

સંગીતના ઉપાસક મંગેશકર પરિવારમાં જન્મ થયો હતો 

ભારતીય સંગીત જગતનું જાણીતું નામ આશા ભોંસલે (આશા મંગેશકર)નો જન્મ તત્કાલીન સાંગલી સ્ટેટના (હાલ મહારાષ્ટ્ર) ગોઆર ગામમાં એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં થયો હતો. પંડિત દીનાનાથ મંગેશકર અને તેમના ગુજરાતી પત્ની શેવંતીના ઘરે જન્મેલા આશાજીના પિતા મરાઠી સંગીત રંગભૂમિના જાણીતા ગાયક અને અભિનેતા હતા. તેમના મોટા બહેન લતા મંગેશકર પણ એક મહાન ગાયિકા હતા, જેમનું 6 ફેબ્રુઆરી 2022ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું.