- કેરલ સ્ટોરીઝ ટુને પ્રોપાગેન્ડા ફિલ્મ ગણાવી
- ફિલ્મમાં જે રીતે બીફ ખવડાવવાનો સીન દર્શાવાયો છે તે રીતે કોઈ કોઈને ખિચડી પણ ખવડાતું નથી
મુંબઈ: ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપે 'કેરલ સ્ટોરીઝ ટુ' ફિલ્મને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી છે અને આ ફિલ્મનો સર્જક વિપુલ શાહ ભારે લાલચુ હોવાનો આરોપ મૂક્યો છે.
આ ફિલ્મનાં ટ્રેલરમાં એક મહિલાને પરાણે બીફ ખવડાવાતું હોવાનું દર્શાવાયું છે. અનુરાગ કશ્યપે આ સીનની ભારે ટીકા કરતાં કહ્યું હતું કે આ રીતે કોઈ બીફ તો શું કોઈને ખિચડી પણ ખવડાવતું નથી. અનુરાગ કશ્યપે વિપુલ શાહની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે તે મહાલાલચુ છે. તેને લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવીને પૈસા કમાવવામાં જ રસ છે.
ઉલ્લેખનીય છે કે 'કેરલ સ્ટોરીઝ ટુ'ને અપાયેલાં સેન્સર સર્ટિફિકેટ સામે કેરલમાંથી અરજી થઈ છે. તે સંદર્ભમાં સેન્સર બોર્ડ દ્વારા ગયાં સપ્તાહે આ ફિલ્મના સર્જક વિપુલ શાહને નોટિસ પણ અપાઈ છે. કેરલના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું કે આ ફિલ્મ હળાહળ જુુઠ્ઠાણું અને દ્વૈષ ફેલાવતી ફિલ્મ છે અને તે કેરળના સમાજને ખોટી રીતે ચિતરે છે. જોકે, વિપુલ શાહે અગાઉ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મ કોર્ટોમાં ખરેખર લડવામાં આવેલા કેટલાક કેસો પર આધારિત છે.


