Get The App

પાણીની વચ્ચે પ્રપોઝલ અને આંખોમાં ખુશીના આંસુ: દુબઈમાં કરણ કુન્દ્રાએ ઘૂંટણિયે બેસીને તેજસ્વીને પહેરાવી કરોડોની ડાયમંડ રિંગ!

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
પાણીની વચ્ચે પ્રપોઝલ અને આંખોમાં ખુશીના આંસુ: દુબઈમાં કરણ કુન્દ્રાએ ઘૂંટણિયે બેસીને તેજસ્વીને પહેરાવી કરોડોની ડાયમંડ રિંગ! 1 - image

Karan Propose Tejasswi: ટીવી એક્ટર કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ચાહકોનો ઈન્તઝાર હવે પૂરો થવા જઈ રહ્યો છે. હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલા રિયાલિટી શો 'દેસી બ્લિંગ'ના છેલ્લા એપિસોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરણ કુન્દ્રા એક મોટી ડાયમંડ રિંગ સાથે તેજસ્વીને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળે છે. કરણની આ અણધારી સરપ્રાઈઝ જોઈને તેજસ્વી ભારે ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ "તેજરણ"ના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દુબઈના ભવ્ય રિસોર્ટમાં કરણનો રોયલ લુક

કરણે આ ખાસ પળને યાદગાર બનાવવા માટે દુબઈના એક અત્યંત વૈભવશાળી રિસોર્ટમાં ભવ્ય તૈયારીઓ કરી હતી. આ ખાસ પ્રસંગના સાક્ષી બનવા માટે તેણે પોતાના ખાસ મિત્રોને પણ આમંત્રિત કર્યા હતા, જેઓ આ શોમાં પણ જોવા મળી રહ્યાં છે. પ્રપોઝલ દરમિયાન કરણ કુન્દ્રા બ્લુ કલરની શેરવાની અને માથે લાલ રંગની પાઘડી પહેરીને એકદમ રોયલ લુકમાં હેન્ડસમ લાગતો હતો, જ્યારે તેજસ્વી પ્રકાશ વેસ્ટર્ન આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

પ્રપોઝલ સેટઅપ જોઈ ખુશીથી ઇમોશનલ થઈ ગઈ તેજસ્વી

વીડિયોમાં જોવા મળે છે કે તેજસ્વીના આવતાં જ કરણ તેને સેન્ટર સ્ટેજ પર લઈ જાય છે, જ્યાં પાણીની અંદર મોટા અક્ષરોમાં “Will You Marry Me” લખેલું હતું. આ અદ્ભુત નજારો જોતાં જ તેજસ્વી પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી ખુશીના માર્યા ઇમોશનલ થઈ ગઈ હતી. તે કરણને કહે છે કે, "હું ધ્રૂજી રહી છું, પ્લીઝ મારો હાથ પકડી રાખ." ત્યારબાદ કરણ તેને સંભાળે છે.

કરણ કુન્દ્રાની ભાવુક સ્પીચ: "લોકો કહેતા હતા આપણો સંબંધ બે અઠવાડિયા પણ નહીં ટકે"

તેજસ્વીને પ્રપોઝ કરતા પહેલાં કરણ કુન્દ્રાએ એક અત્યંત ભાવુક સ્પીચ આપી હતી. તેણે પોતાના દિલની વાત શેર કરતા કહ્યું: "જ્યારે આપણે મળ્યા હતા ત્યારે ઘણું બધું થયું હતું. જ્યારે આપણે 'બિગ બોસ'ના ઘરમાંથી બહાર આવ્યા ત્યારે લોકોએ કહ્યું હતું કે આ સંબંધ બે અઠવાડિયા પણ નહીં ટકે. કોઈએ મને ફેક કહ્યો, તો કોઈએ તને ફેક કહી. આજે ચાર વર્ષ થઈ ગયા, આપણે બધું જ જોઈ લીધું અને બધું સહન પણ કર્યું છે. આ એક 'ઇમ્પરફેક્ટલી પરફેક્ટ' લવ સ્ટોરી છે. તારી સાથે પસાર કરેલા દરેક વર્ષે મારા માટે પ્રેમનો અર્થ બદલી નાખ્યો છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું કોઈને આટલો બધો પ્રેમ કરી શકીશ."

આ પણ વાંચો: ફોટોગ્રાફર્સ પર જોરદાર ભડક્યો સલમાન ખાન: કહ્યું,"હું લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો...!"

ઘૂંટણિયે બેસીને પહેરાવી વીંટી, તેજસ્વી કરણને ગળે વળગીને રડી પડી

પોતાની સ્પીચના અંતમાં કરણે તેજસ્વી માટે પંજાબી ભાષામાં કેટલીક રોમેન્ટિક લાઈનો કહી હતી. ત્યારબાદ તેણે ડાયમંડ રિંગ બહાર કાઢી અને ઘૂંટણિયે બેસીને તેજસ્વીને પ્રપોઝ કર્યું. કરણનો આ અંદાજ જોઈને તેજસ્વીએ ખુશી-ખુશી લગ્ન માટે “હા” કહી દીધી અને કરણના ગાલ પર કિસ કરી હતી. તેજસ્વી માટે આ ક્ષણ એટલી ભાવુક હતી કે તે પોતાના આંસુ રોકી શકી નહીં અને કરણને ગળે વળગીને રડવા લાગી હતી. તેણે રડતા-રડતા વીડિયોમાં કહ્યું કે, "કરણે મારા માટે ઘણું બધું કર્યું છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું." તેજસ્વીએ કરણને પોતાની 'હેપ્પી પ્લેસ' અને પોતાનું સપનું ગણાવ્યું હતું. આ રોમેન્ટિક વીડિયોએ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.