કેનેડામાં કપિલ શર્માના કેફે પાસે ચોથી વખત ફાયરિંગ, સોશિયલ મીડિયામાં ધમકી મળી- લાઈનમાં આવી જાવ નહીંતર...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kapil Sharma Canada Cafe Firing : જાણીતા કોમેડિયન કપિલ શર્મા એકવાર ફરી મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડા સ્થિત તેમના 'કેપ્સ કેફે'ની બાજુમાં આવેલા એક રેસ્ટોરન્ટ પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા દાવા મુજબ, આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે અને કપિલ શર્માને સીધી રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
'ટાયસન બિશ્નોઈ જોરા સિદ્ધુ' નામના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફાયરિંગ સરેના 'ચાય સુટ્ટા બાર' પર કરવામાં આવ્યું હતું, જે કપિલ શર્માના કેફેની બિલકુલ બાજુમાં છે. ગેંગે આ પોસ્ટ દ્વારા કપિલ શર્મા અને કેફેના માલિકને ચેતવણી આપતા કહ્યું છે કે, "અમારો સમય બગાડશો નહીં અને લાઈનમાં આવી જાવ." વધુમાં ધમકી આપી છે કે જો શરતો નહીં મનાય તો કપિલ શર્માના કેફે અને મુંબઈ સ્થિત તેમના ઘરની હાલત પણ આવી જ કરવામાં આવશે. જોકે, તપાસ એજન્સીઓ દ્વારા આ પોસ્ટ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી.
કપિલ શર્માના કેફે પર વારંવાર થઈ રહ્યા છે હુમલા
કપિલ શર્માના કેફે પર હુમલાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. વર્ષ 2025 માં પણ ત્રણ વાર હુમલા થઈ ચૂક્યા છે:
10 જુલાઈ 2025: કેફેના ઉદ્ઘાટનના થોડા જ દિવસોમાં બારીઓ પર ગોળીબાર થયો.
7 ઓગસ્ટ 2025: એક જ મહિનામાં બીજી વાર અનેક રાઉન્ડ ફાયરિંગ થયું.
15-16 ઓક્ટોબર 2025: ત્રીજી વાર કેફેને નિશાન બનાવાયું, જેની જવાબદારી બિશ્નોઈ નેટવર્કે લીધી હતી.
સલમાન ખાન સાથેનું જોડાણ કારણભૂત?
બિશ્નોઈ ગેંગના જણાવ્યા મુજબ, કપિલ શર્માને નિશાન બનાવવાનું મુખ્ય કારણ તેમનું અભિનેતા સલમાન ખાન સાથેનું જોડાણ છે. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ના લોન્ચિંગ સમયે સલમાન ખાનને આમંત્રિત કરવાથી ગેંગ નારાજ થઈ હતી. બિશ્નોઈ ગેંગે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જે કોઈ પણ સલમાન ખાન સાથે કામ કરશે તેણે પરિણામ ભોગવવા પડશે. ઉલ્લેખનીય છે કે, 1998ના કાળા હરણ શિકાર કેસને કારણે બિશ્નોઈ સમુદાય સલમાન ખાનનો કટ્ટર દુશ્મન બન્યો છે.









