જ્હાન્વી કપૂરના વિવાદિત સીન્સ પર કંગના રણૌતની સલાહ, જો તકલીફ હોય તો પોતે પણ અવાજ ઉઠાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kangana Ranaut On Janhvi Kapoor Peddi Controversy: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ કંગના રનૌત આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન કંગનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વર્તમાન વિવાદો પર ખુલીને વાત કરી છે. ખાસ કરીને અભિનેત્રી જ્હાન્વી કપૂરની ફિલ્મ 'પેડ્ડી'ના વિવાદિત સીન્સ અને તેને સ્ક્રીન પર ઓબ્જેક્ટિફાય કરવાના (વસ્તુની જેમ પેશ કરવાના) મામલે કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જ્હાન્વીને એક ખાસ સલાહ પણ આપી છે.
જ્હાન્વી કપૂરની ફિલ્મ 'પેડ્ડી' પર કેમ થયો વિવાદ?
અભિનેત્રી જ્હાન્વી કપૂર તાજેતરમાં જ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે ફિલ્મ 'પેડ્ડી'માં જોવા મળી છે. જોકે, આ ફિલ્મ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અને દર્શકો એવો આરોપ લગાવી રહ્યા છે કે ફિલ્મમાં જ્હાન્વીના પાત્રને માત્ર એક ઑબ્જેક્ટ તરીકે જ રજૂ કરવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે સ્ટોરીમાં તેના પાત્રનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, પરંતુ તેને માત્ર હીરોની જરૂરિયાત મુજબ જ સ્ક્રીન પર ઢાળવામાં આવી છે. આ ગંભીર મુદ્દા પર હવે કંગના રનૌતે પોતાનું મૌન તોડ્યું છે.
ફિલ્મ મેકર્સ જાણીજોઈને આવું નથી કરતા: કંગના
આ વિવાદ અંગે વાત કરતા કંગના રનૌતે જણાવ્યું હતું કે, મારા અનુભવ મુજબ જ્યારે પણ હું કોઈ ફિલ્મ સાઇન કરું છું ત્યારે સેટ પર કામ કરવાના ઘણા અલગ-અલગ દ્રષ્ટિકોણ સામે આવતા હોય છે. ક્યારેક સ્ક્રીન પર એવું લાગી શકે કે અભિનેત્રીને ગ્લેમર તરીકે જ રજૂ કરાઈ છે, પરંતુ કોઈ પણ ફિલ્મ મેકર સેટ પર એવી વિચારધારા સાથે કામ નથી કરતો કે 'ચાલો, આજે આ અભિનેત્રીને માત્ર એક વસ્તુ તરીકે જ પ્રોજેક્ટ કરીએ.' ડિરેક્ટર કે મેકર્સનો હેતુ ક્યારેય આવો હોતો નથી.
કંગનાએ જ્હાન્વી કપૂરને આપી ખાસ સલાહ
કંગનાએ આ મામલે જ્હાન્વી કપૂર અને અન્ય અભિનેત્રીઓને સલાહ આપતા કહ્યું કે, જો કોઈ એક્ટ્રેસને શૂટિંગ દરમિયાન પોતાના સીન કે પાત્ર સામે કોઈ વાંધો હોય, તો તે પોતે જ સેટ પર અવાજ ઉઠાવી શકે છે. સેટ પર કોઈ જાણીજોઈને ખોટો શૉટ નથી લેતું. એક મહિલા તરીકે તમારે તમારો પક્ષ મજબૂતીથી રાખવો જોઈએ. જો તમને કોઈ સીન કે શૉટ યોગ્ય ન લાગતો હોય, તો તમે સીધા જ મેકર્સને કહી શકો છો કે આ બરાબર નથી લાગી રહ્યું.
ક્યારે રિલીઝ થશે કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા'?
ઉલ્લેખનીય છે કે કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' આગામી 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કંગના રનૌત એક નર્સના અત્યંત મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. મનોજ તાપડિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની વાર્તા એક આતંકવાદી હુમલા પર આધારિત છે, જેમાં કંગના દેશના ઘાયલ નાગરિકોના જીવ બચાવતી અને દેશભક્તિના જુસ્સા સાથે લડતી જોવા મળશે.









