41 વર્ષની ઉંમરે ફરી દુલ્હન બનશે જેનિફર વિંગેટ, યુકેમાં બોયફ્રેન્ડ સાથે લગ્નની તૈયારીઓ; ફેન્સે પાઠવી શુભેચ્છા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jennifer Winget's Secret UK Wedding: ટેલિવિઝન અને OTTની જાણીતી અભિનેત્રી જેનિફર વિંગેટ પોતાની જિંદગીનું એક નવું પ્રકરણ શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, ‘બેહદ’ સિરિયલ ફેમ જેનિફર ખૂબ જ ટૂંક સમયમાં UKમાં તેના બોયફ્રેન્ડ વિલિયમ ઇશ્માએલ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આ લગ્ન ગુરુવારે એક ખાનગી અને ખૂબ જ નાના સમારોહમાં યોજાશે. એક અહેવાલ મુજબ, આ લગ્નને સંપૂર્ણપણે સિક્રેટ રાખવામાં આવ્યા છે અને આ ખાસ પ્રસંગે માત્ર પરિવારના સભ્યો અને કેટલાક ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે.
જેનિફર અને વિલિયમના અફેરની ચર્ચાઓ લાંબા સમયથી મીડિયામાં ચાલી રહી હતી અને હવે બંને પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક વ્હાઇટ વેડિંગ હશે, જેના માટે જેનિફરે ખાસ તૈયારી કરી છે. તે પોતાના લગ્નના આ ખાસ દિવસે ‘કાર્લિયો’ બ્રાન્ડનો ખૂબ જ સુંદર વ્હાઇટ બ્રાઇડલ ગાઉન પહેરશે. બંને પોતાના આ ખાસ દિવસને લાઇમલાઇટથી દૂર રાખીને યાદગાર બનાવવા માંગે છે.
જેનિફર વિંગેટના ભૂતકાળના સંબંધો
જેનિફર વિંગેટની પર્સનલ લાઇફ હંમેશા મીડિયા અને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય રહી છે. આ અગાઉ તેણે વર્ષ 2012માં પોતાની સુપરહિટ સિરિયલ 'દિલ મિલ ગયે'ના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો હતો. જોકે, તેમનો આ સંબંધ વધુ સમય ટકી શક્યો નહીં. લગ્નના માત્ર 2 જ વર્ષમાં બંને વચ્ચે અંતર આવી ગયું અને વર્ષ 2014માં તેઓ કાયમ માટે અલગ થઈ ગયા.
ટેલિવિઝનથી લઈને OTT સુધી જમાવ્યો સિક્કો
છેલ્લા કેટલાક વર્ષોમાં જેનિફરે ટીવી ઇન્ડસ્ટ્રીને એકથી ચડિયાતા એક સુપરહિટ શો આપ્યા છે. તેણે 'કસોટી ઝિંદગી કી', 'સરસ્વતીચંદ્ર', 'બેહદ', 'બેપનાહ' અને 'દિલ મિલ ગયે' જેવી મોટી સિરિયલોમાં લીડ રોલ પ્લે કર્યા છે. આ તમામ શૉમાં તેના પાત્રોને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. ખાસ કરીને સિરિયલ 'બેહદ'માં તેણે ભજવેલા માયા મેહરોત્રાના ગ્રે શેડ પાત્રે દરેકને ચોંકાવી દીધા હતા અને આ રોલ માટે તેને ભારે પ્રશંસા મળી હતી.
નાના પડદા પર પોતાનો જાદુ ચલાવ્યા બાદ જેનિફરે OTT પ્લેટફોર્મ તરફ પ્રયાણ કર્યું. અહીં પણ તેણે પોતાની દમદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા. તેણે 'કોડ એમ' અને 'રાયસિંઘાની વર્સિસ રાઈસિંઘાની' જેવી જાણીતી વેબ સીરિઝમાં શાનદાર કામ કર્યું છે.
હવે જેનિફર વિંગેટ ખૂબ જ ટૂંક સમયમાં વધુ એક નવા ડિજિટલ પ્રોજેક્ટમાં જોવા મળશે. તે આગામી સીરિઝ 'તલાશ: અ મધર્સ સર્ચ'માં એક મહત્ત્વની ભૂમિકા ભજવતી નજરે પડશે, જેમાં તેની સાથે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા પણ લીડ રોલમાં છે. જેનિફરના ચાહકો તેની આ નવી સીરિઝ અને લગ્નના સમાચારને લઈને ભારે ઉત્સાહિત છે.









