'ગરીબ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે', પત્ની માધુરીના નિવેદનની અશનીર ગ્રોવરે કરી તરફેણ, વિવાદ વકર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ashneer Grover and Wife Controversial Statements: ભારતપે (BharatPe)ના પૂર્વ કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર (Ashneer Grover) અને તેમના પત્ની માધુરી જૈન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે ચર્ચાનું કારણ કોઈ બિઝનેસ ડીલ નથી, પરંતુ વસતી, અમીરી-ગરીબી અને પરિવાર નિયોજનને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર શરૂ થયેલી એક તીખી ચર્ચા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માધુરી જૈને રિયાલિટી શો 'લોક અપ 2'માં પોતાને એલિમિનેશનથી બચાવવા માટે એક પર્સનલ વાત શેર કરી અને સાથે જ એક વિવાદાસ્પદ ટિપ્પણી પણ કરી દીધી.
ગરીબ લોકો વધુ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે
માધુરીએ કહ્યું કે, 'હું અને અશનીર ત્રીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.' આ સાથે જ તેણે એવું પણ કહી દીધું કે, 'અમીર લોકો વધુ બાળકો પેદા કરશે તો અમીરી વધશે અને ગરીબ લોકો વધુ બાળકો પેદા કરશે તો ગરીબી વધશે.' તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિવાદ વકર્યો છે.
900 કરોડની સંપત્તિ વહેંચી દો, ગ્રોવર દંપતીને મળી સલાહ
માધુરીના આ નિવેદન પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નલિની ઉનાગર (@NalinisKitchen) એ અશનીર ગ્રોવરને ટેગ કરીને સીધો ઘેર્યો છે.
નલિનીએ લખ્યું કે, 'જો ગરીબ લોકોના વધુ બાળકો હોવાથી ગરીબી વધતી હોય, તો તમે તમારી લગભગ 900 કરોડની સંપત્તિ 1,800 પરિવારોમાં દાન કરી દો (દરેકને 50 લાખ). તે પરિવારો પોતાના 3,200 બાળકોને ખુશી-ખુશી ઉછેરી શકશે. તમે માત્ર બે બાળકો માટે 900 કરોડ કેમ રાખી રહ્યા છો? બધી સંપત્તિ દાન કરીને હિમાલય ચાલ્યા જાઓ અને સંન્યાસી બની જાઓ.'
અશનીર ગ્રોવરે પત્નીની કરી તરફેણ
પોતાના બેબાક અંદાજ માટે જાણીતા અશનીર ગ્રોવરે પત્નીની તરફેણ કરતા તીખો અને કરારો જવાબ આપ્યો છે. અશનીરે લખ્યું કે, 'ભીખ / ચંદો માંગવાની આ રીત થોડી કેઝ્યુઅલ છે. પત્નીએ ઓલરેડી જ્ઞાન આપી જ દીધું છે - આટલામાં આટલું જ મળશે.'
અશનીરના આ 'કેઝ્યુઅલ' જવાબ પર નલિનીનો પલટવાર
અશનીરની આ 'કેઝ્યુઅલ' વાળી કમેન્ટ પર આજે નલિનીએ ફરી પ્રતિક્રિયા આપતા કેટલાક દિગ્ગજ મહાનુભાવોના નામ ગણાવ્યા. નલિનીએ લખ્યું કે, 'રજનીકાંત, બોમન ઈરાની, ઓપ્રા વિનફ્રે, ચાર્લી ચેપ્લિન અને કલ્પના સરોજ જેવા લોકો પણ એક સમયે ગરીબ હતા. તેમના માતા-પિતાએ તેમને જન્મ આપ્યો, ત્યારે જ તેઓ આજે આ દુનિયામાં છે. ગરીબ હોવાનો અર્થ એ નથી કે તેઓ બાળકો પેદા ન કરે. કેટલાક લોકો આગળ વધે છે, કેટલાક નથી વધતા. બધો ખેલ માઈન્ડસેટ અને સ્કિલનો છે. જો અમીર બાળકોમાં સ્કિલ નહીં હોય, તો તેમની આગામી પેઢી ફૂટપાથ પર આવી જશે.'
નલિનીએ એવો કટાક્ષ પણ કર્યો કે, ગરીબો પાસે ફ્રોડ (છેતરપિંડી) કરવાનો પ્રિવિલેજ નથી હોતો, તે બાળકો એક નાની સાયકલમાં જ પોતાની ખુશી શોધી લે છે.
આ વિવાદમાં યુઝર્સ કૂદ્યા
આ સમગ્ર વિવાદની વચ્ચે સામાન્ય યુઝર્સ અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ કૂદી પડ્યા છે. 'ગેમ્સ ઓફ હૈદરાબાદ' નામના યુઝરે અશનીરનું સમર્થન કરતા લખ્યું કે, 'આ તેમની મહેનતની કમાણી છે. જ્યારે ગરીબ કામ કરવા માટે સક્ષમ છે, તો અમીર લોકો મફતખોરીને સબસિડી કેમ આપે? જો ગરીબ હોય તો બાળકો પેદા ન કરવા જોઈએ.'
બીજી તરફ, અંશુલ ગર્ગ નામના યુઝરે લખ્યું કે, 'તે સાચું કહી રહી છે. ગરીબ લોકો 3-4 બાળકો પેદા કરી રહ્યા છે જ્યારે હાઈ-ઈનકમ વાળા લોકો 1-2 બાળકો. આ બાળકોને યોગ્ય ઉછેર નથી મળતો અને તેઓ ગરીબીમાં મોટા થઈને ગુનાખોરી તરફ ધકેલાઈ જાય છે.'
જોકે, નલિનીએ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, પરિવાર શરૂ કરવો એ એક પર્સનલ ચોઈસ છે. આ પછી કેટલાક યુઝર્સે નલિની પર નિશાન સાધતા આ વિવાદને માત્ર 'ઈન્ગેજમેન્ટ ફાર્મિંગ' (વ્યૂઝ અને લાઇક્સ મેળવવાનો કીમિયો) ગણાવ્યું અને કહ્યું કે તેમને ઈકોનોમીની કોઈ સમજ નથી. હાલમાં આ ચર્ચા ઈન્ટરનેટ પર સતત ટ્રેન્ડ કરી રહી છે.









