Entertainment

'તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ...' ગીતકારે વધુ પૈસા માગ્યા તો ડિરેક્ટરે જાતે જ લખ્યું આ અમર ગીત

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
વર્ષ 1974માં આવેલી ફિલ્મ 'હવસ'નું સુપરહિટ ગીત 'તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ' ડિરેક્ટર સાવન કુમારે લખ્યું હતું. ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીએ એક ગીત માટે 25,000 રૂપિયા માગતા, ડિરેક્ટરે અપમાનિત થઈને આ ગીત લખ્યું. મોહમ્મદ રફીએ ગાયેલું આ ગીત અનિલ ધવન અને નીતુ કપૂર પર ફિલ્માવાયું હતું. ઉષા ખન્નાએ સંગીતબદ્ધ કરેલું આ ગીત આજે પણ લોકપ્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ...' ગીતકારે વધુ પૈસા માગ્યા તો ડિરેક્ટરે જાતે જ લખ્યું આ અમર ગીત

Teri Galiyon Mein Na Rakhenge Kadam Song: 1974માં એક ફિલ્મ આવી હતી 'હવસ'. આ ફિલ્મમાં વરુણ ધવનના તાઉજી અનિલ ધવન લીડ એક્ટર હતા અને તેમની હિરોઈન નીતુ કપૂર હતી. આ ફિલ્મની સ્ટોરી કદાચ તમને યાદ નહીં હોય, પરંતુ મોહમ્મદ રફીના અવાજમાં એક ગીત આ ફિલ્મની ઓળખ બની ગયું. એ ગીત હતું 'તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ'. અનિલ ધવન અને નીતુ કપૂર પર ફિલ્માવાયેલું આ ગીત ફિલ્મની ઓળખ બની ગયુ હતું. પરંતુ શું તમે જાણો છો કે આ ગીત કોઈ ગીતકારે નહીં, પરંતુ ફિલ્મના ડિરેક્ટર સાવન કુમારે પોતાની આર્થિક સ્થિતિ અને ગીતકાર દ્વારા અપમાનિત અનુભવ્યા પછી લખ્યું હતું.

ગીતકારે માગી મોટી ફી

તે સમયે ફિલ્મ હવસના ડિરેક્ટર સાવન કુમારની આર્થિક સ્થિતિ સારી નહોતી. આ પહેલાં આવેલી તેમની ફિલ્મ 'ગોમતી કે પાર' ફ્લોપ ગઈ હતી. આવી સ્થિતિમાં બજેટ ટાઈટ હતું, પણ તેઓ 'હવસ' ફિલ્મને શાનદાર રીતે બનાવવા માગતા હતા. ખાસ કરીને ફિલ્મના ગીતોને લઈને તેઓ ખૂબ ગંભીરતાથી વિચાર કરી રહ્યા હતા. તેમણે ફિલ્મના એક ગીત માટે તે સમયના પ્રખ્યાત ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી સાથે મુલાકાત કરી. બંને વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ફિલ્મના ગીતો અંગે વાત થઈ. ગીતકારે ઘરે આવેલા ડાયરેક્ટરને ભોજન પણ કરાવ્યું. ત્યારબાદ જ્યારે પૈસાની વાત આવી, ત્યારે મજરૂહ સુલ્તાનપુરીએ સાવન કુમાર પાસે એક ગીત લખવાના 25 હજાર રૂપિયા માંગ્યા. તે સમયે આ ફી ગીતકાર આખી ફિલ્મ માટે લેતા હતા. એક ફિલ્મ માટે જેટલા ગીતોની જરૂર હોય તેટલા ગીત તેઓ લખી આપતા હતા. પરંતુ સાવન કુમારને માત્ર એક જ ગીતની જરૂર હતી અને તેણે એક જ ગીત લખાવવું હતું.

ડિરેક્ટરે જાતે જ લખ્યું આ અમર ગીત

સાવન કુમારે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'મેં એક ગીત માટે મજરૂહ સુલ્તાનપુરીને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે, ભલે તમે 1 ગીત લખાવો કે 4, ફી તો 25 હજાર જ થશે. તેઓ પોતાની ફી ઓછી કરવા તૈયાર ન થયા. તેથી હું નિરાશ થઈને પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. તેમના ઘરના દાદર ઉતરતી વખતે મેં નિરાશામાં મનોમન કહ્યું હતું કે, "અબ ઈનકી ગલીઓ મેં કદમ નહીં રખૂંગા". આ વિચારમાંથી જ ગીતનો મુખડો જન્મ્યો- "તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ આજ કે બાદ".' તેમણે આ ગીતનો મુખડો ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર ઉષા ખન્નાને સંભળાવ્યો. કમ્પોઝરે સાંભળતા જ કહ્યું કે, આ સુપરહિટ છે. ત્યારબાદ બંનેએ મળીને ગીતનો અંતરો પૂરો કર્યો અને મોહમ્મદ રફીએ આ ગીતને પોતાનો અવાજ આપીને અમર કરી દીધું. આ ગીત તે વર્ષનું સૌથી હિટ ગીત રહ્યું હતું.

મોહમ્મદ રફીની મહાનતા

આ ગીત સાથે જોડાયેલો એક કિસ્સો એવો પણ છે કે તે સમયે મોહમ્મદ રફી વિદેશના પ્રવાસે ગયા હતા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે ઉષા ખન્નાને જણાવ્યું કે, વિદેશમાં આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે અને દરેક વ્યક્તિ આ ગીતની ડિમાન્ડ કરી રહી છે. આ સાંભળીને ઉષા ખન્ના ખૂબ ખુશ થયા. આ દરમિયાન તેમણે રફી સાહેબને જણાવ્યું કે તેઓ આ ગીતમાં એક ખાસ જગ્યાએ કોઈ બીજો સૂર ઈચ્છતા હતા, પરંતુ રફી સાહેબ જેવી મહાન વ્યક્તિ સામે હોવાથી તેઓ રીટેક માટે કહી નહોતા શક્યા. આ વાત સાંભળતા જ રફી સાહેબે તેમને કહ્યું કે, તમે ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છો, તમે જેવું ઈચ્છશો હું તેવું જ ગાઈશ. આ સાંભળીને ઉષા ખન્ના સમજી ગયા કે રફી સાહેબ સાથે કામ કરવું કોઈ પણ નવા કે જૂના કલાકાર માટે મુશ્કેલ નથી. તેઓ ભલે સિનિયર હતા, પણ દરેકના કામનું સન્માન કરતા હતા. ઉષા ખન્નાના આ જ ગીતને કારણે રફી સાહેબની તે સમયે થોડા ધીમા પડેલા કરિયરને પણ મોટો સહારો મળ્યો હતો.