અંતે તૂટતાં બચી ગયો 37 વર્ષનો સંસાર! ગોવિંદાની પત્નીએ અચાનક લીધો એવો નિર્ણય કે ફેન્સ પણ ચોંકી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Govinda Sunita End Divorce Drama: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના લગ્નજીવનમાં ચાલી રહેલા વિવાદ અને છૂટાછેડાની અટકળો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સુનીતા આહુજાએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા વિરુદ્ધ દાખલ કરેલી છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ આ સમાચારોની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે બંને વચ્ચે હવે બધું થાળે પડી ગયું છે અને બંનેમાંથી કોઈ અલગ થઈ રહ્યું નથી.
પુત્ર યશવર્ધન સાથે બાંદ્રા ફેમિલી કોર્ટ પહોંચી હતી સુનીતા
સુનીતા આહુજા પોતાના પુત્ર યશવર્ધન આહુજા સાથે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં જોવા મળી હતી. સુનીતા સ્ટ્રાઇપ્ડ શર્ટ અને ટ્રાઉઝર પહેરેલી જોવા મળી હતી, જ્યાં તેનો પુત્ર તેને કાર તરફ દોરી જતો નજરે પડ્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મીડિયા ફોટોગ્રાફર્સ દ્વારા કોર્ટ આવવાનું કારણ પૂછવામાં આવતાં તેણે કોઈ વિગત આપ્યા વિના મજાકિયા અંદાજમાં માત્ર એટલું જ કહ્યું હતું કે, "બર્થડે મનાવવા આવ્યા છીએ.” જોકે, પાછળથી ગોવિંદાના મેનેજરે સ્પષ્ટતા કરી કે તે કોર્ટમાં છૂટાછેડાની અરજી પાછી ખેંચવા માટે આવી હતી.
મેનેજર શશી સિન્હાનો ખુલાસો: 'ભૂલ સમજાઈ અને ઘરમાં વાપસી થઈ'
ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ વાતચીત દરમિયાન જણાવ્યું:
"આ મામલો છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો હતો, પરંતુ હવે તેનો અંત આવી ગયો છે. સુનીતાજીએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી આપી દીધી છે. હવે બંને વચ્ચે કોઈ અલગ થવાનું નથી. આ એક ખુશીના સમાચાર છે. તે સમયે સુનીતાજીને જે યોગ્ય લાગ્યું તે તેમણે કહ્યું હતું, પરંતુ હવે કેસ પાછો ખેંચી લીધો છે. મને માત્ર એ વાતનું દુઃખ છે કે આ પારિવારિક મામલો આટલો બધો સાર્વજનિક થઈ ગયો. પરિવારના પ્રશ્નો ચર્ચા કરીને ઘરની અંદર જ ઉકેલી શકાય છે. આ એક એવી બાબત છે જ્યાં વ્યક્તિને પોતાની ભૂલ સમજાઈ અને તે પોતાના ઘરે પાછી ફરી. જે થયું તે સારું નહોતું, પરંતુ હવે તે ભૂતકાળ બની ગયું છે."
ગોવિંદાના રિએક્શન અંગે મેનેજરે કહ્યું કે, આ સમગ્ર કેસ દરમિયાન ગોવિંદા અને બંને બાળકો તટસ્થ રહ્યા હતા અને આજે પણ તેમની પ્રતિક્રિયા શાંત અને તટસ્થ છે.
ક્યારે દાખલ થઈ હતી છૂટાછેડાની અરજી?
અહેવાલો અનુસાર, સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13(1)(i), (ia) અને (ib) હેઠળ બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા વિરુદ્ધ ક્રૂરતા, સંબંધોમાં છેતરપિંડી અને ત્યજી દેવાના આરોપસર 40 વર્ષ જૂના લગ્નજીવનને સમાપ્ત કરવા માટે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.
તાજેતરનો વિવાદ અને આરોપ-પ્રત્યારોપ
છેલ્લા કેટલાક દિવસોથી ગોવિંદા અને સુનીતા વચ્ચે જાહેરમાં ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી હતી:
- સુનીતાએ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’ની ડેબ્યૂ એક્ટ્રેસ રાની સ્વર્ણકાર સાથેની નિકટતા અને પ્રમોશનલ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.
- જેના જવાબમાં ગોવિંદાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરીને પત્નીને જાહેર નિવેદનો ન આપવા અને પોતાની કારકિર્દીને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી હતી. ગોવિંદાએ જણાવ્યું હતું કે સુનીતા જ્યારે ‘લાફ્ટર શેફ્સ’ અને ‘લોક અપ’ જેવા શો કરતી હતી ત્યારે તેમણે પૂરો સાથ આપ્યો હતો, પરંતુ હવે જ્યારે તેઓ પોતાની ફિલ્મ શરૂ કરી રહ્યા છે ત્યારે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
જોકે, આ તમામ વિવાદો અને જાહેરમાં થયેલા આરોપો વચ્ચે સુનીતા આહુજાએ કાનૂની કેસ પાછો ખેંચી લેતાં 40 વર્ષ જૂના આ સંબંધમાં ફરી સુલેહ થઈ ગઈ છે.









