Entertainment

Explainer: ‘સતલુજ’ ફિલ્મ વિવાદ: જાણો સેન્સરશીપ સામે બળવો, માનવ અધિકાર અને પ્રાદેશિક ભાવના પાછળની સંપૂર્ણ હકીકત

By GS Team
7 Jul 20265 mins read
TukuTouch Logo
દિલજીત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' (અગાઉ 'પંજાબ 95') માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. સેન્સર બોર્ડે 127 કટ સૂચવ્યા બાદ નિર્માતાઓએ તેને ZEE5 પર રિલીઝ કરી, પરંતુ કાનૂની કાર્યવાહી થતા તેને હટાવી લેવાઈ. આ ફિલ્મ પંજાબમાં 1984-1995 દરમિયાન ગુમ થયેલા 25,000 લોકોના રહસ્યને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. વિવેચકોના મતે, ફિલ્મમાં પાકિસ્તાનના કનેક્શનને અવગણીને પોલીસને જ ખલનાયક દર્શાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ‘સતલુજ’ ફિલ્મ વિવાદ: જાણો સેન્સરશીપ સામે બળવો, માનવ અધિકાર અને પ્રાદેશિક ભાવના પાછળની સંપૂર્ણ હકીકત

Satluj: History, Justice, and Controversy : સિનેમા જ્યારે ઇતિહાસના કાળા પૃષ્ઠોને ખોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે ઘણીવાર વિવાદોનું તોફાન સર્જાતું હોય છે. અભિનેતા દિલજીત દોસાંઝની નવી ફિલ્મ ‘સતલુજ’ અત્યારે આવા જ એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. માનવ અધિકારોના ભંગની વાર્તા કહેતી આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ કાનૂની વિવાદોમાં સપડાઈ ગઈ છે. સેન્સર બોર્ડના આદેશોને બાયપાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી આ ફિલ્મ પર આરોપ છે કે તે પોલીસનું મનોબળ તોડે છે અને આતંકવાદને ગ્લોરિફાય કરવાનો પ્રયાસ કરે છે. માત્ર 48 કલાકની અંદર દર્શકો સુધી પહોંચીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનાર આ ફિલ્મની પાછળનું સત્ય શું છે?
ચાલો વિગતવાર સમજીએ.

'પંજાબ 95' કેમ બની 'સતલુજ'?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મના મૂળ શીર્ષક 'પંજાબ 95' સામે વાંધો ઉઠાવ્યો હતો અને 27 કટ સૂચવ્યા હતા. CBFC નું માનવું હતું કે ફિલ્મમાં દર્શાવેલી કેટલીક બાબતો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને નુકસાન પહોંચાડી શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસાવી શકે છે. આ વાંધાઓ સામે ફિલ્મના નિર્માતાઓ જ્યારે બોમ્બે હાઈકોર્ટ અને રિવિઝન કમિટી સુધી પહોંચ્યા, ત્યારે કટ્સની સંખ્યા વધારીને 127 કરી દેવાઈ. એમાં પાત્રોના નામ અને મુખ્ય દ્રશ્યો બદલવાની માંગ કરાઈ. જો કે, ફિલ્મ નિર્માતાઓ રોની સ્ક્રૂવાલા, અભિષેક ચૌબે અને હની ત્રેહાને આ કટ્સ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ફિલ્મને ‘સતલુજ’ નામ આપીને ZEE5 પર કોઈ પણ કટ વિના રિલીઝ કરી દીધી.

ઓટીટી પરથી ફિલ્મ હટાવી લેવાઈ
કાયદેસરની કાર્યવાહી કરાતા જ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી હટાવી દેવાઈ છે. હાલમાં જ ભારતીય દર્શકો તેને સત્તાવાર રીતે જોઈ શકતા નથી. આમ છતાં, યુટ્યુબ અને અન્ય માધ્યમો દ્વારા લાખો લોકો સુધી આ ફિલ્મ પહોંચી ગઈ છે. આ અંગે દિલજીત દોસાંઝે જણાવ્યું કે, ‘ભલે ફિલ્મ હટાવી દેવાઈ, પણ સત્ય ઉજાગર કરવાનું અમારું મિશન પૂરું થયું છે.’

શું છે ફિલ્મની વાર્તા અને કોણ હતા જસવંત સિંહ ખાલરા?
આ ફિલ્મ પંજાબના જાણીતા માનવ અધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન અને તેમના સંઘર્ષ પર આધારિત છે. તેઓ વ્યવસાયે બેંક કર્મચારી હોવા છતાં પંજાબમાં આતંકવાદના કાળ (1984-1995) દરમિયાન ગુમ થયેલા હજારો યુવાનોનું સત્ય શોધવા મેદાને પડ્યા હતા. તેમણે પંજાબના વિવિધ સ્મશાન ગૃહોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર દસ્તાવેજો અને લાકડા ખરીદવાની રસીદો એકત્રિત કરીને એ સાબિત કર્યું કે પોલીસે આશરે 25,000 જેટલા નાગરિકોની ગેરકાયદે ધરપકડ કરી, તેમને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા અને 'બિનવારસી' જાહેર કરી રાતોરાત તેમના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

… અને કાલરાના મૃતદેહને ‘સતલુજ’માં વહાવી દેવાયો
આ ભયાનક ડેટા દુનિયા સમક્ષ ઉજાગર કરવાને કારણે તેઓ પ્રશાસનની આંખમાં ખટકતા હતા. 6 સપ્ટેમ્બર 1995ના રોજ અમૃતસર સ્થિત તેમના ઘરેથી તેમને કસ્ટડીમાં લેવાયા. ત્યારબાદ તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારીને છેવટે તેમની હત્યા કરી દેવાઈ. પુરાવા નાશ કરવા માટે તેમના મૃતદેહને 'સતલુજ' નદીમાં વહાવી દેવાયો. વર્ષ 2005માં સીબીઆઈ (CBI) અને કોર્ટની કાર્યવાહી બાદ આ ગુનામાં સંડોવાયેલા 6 પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટાકારાઈ હતી.

જસવંત સિંહ ખાલરાના પાત્રમાં છે દિલજીત દોસાંજ
ફિલ્મમાં દિલજીત દોસાંઝે જસવંત સિંહનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મની ટેગલાઈન છે, ‘હું અંધકારને પડકારું છું.’ ડિરેક્ટર હની ત્રેહાને આખી ફિલ્મને ડાર્ક ટોનમાં શૂટ કરી છે, જે અન્યાય સામેની લડાઈ દર્શાવે છે. આ ફિલ્મમાં અગાઉ આવેલી ફિલ્મો જેવા જ કેટલાક ધ્રુજાવી મૂકે તેવા હિંસક દ્રશ્યો છે.
આ ફિલ્મમાં 'સિનેમેટિક લિબર્ટી' ના નામે એવા ઘણા સંવાદો છે જેના કારણે દેશની અખંડિતતા સામે સવાલો ઊભા થયા છે. ફિલ્મમાં એક સીન છે જ્યાં જસવંત સિંહ કેનેડામાં 'વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ' માં સ્પીચ આપતા આવું બોલે છે કે, ‘હું અહીં માનવ અધિકારો પર એક ખાસ રિપોર્ટ લઈને આવ્યો છું. આ રિપોર્ટ છેલ્લા દસ વર્ષમાં પંજાબમાં થયેલા અત્યાચારોને ઉજાગર કરે છે. પંજાબમાં હજારો માતાઓ તેમના દીકરાઓની રાહ જોઈ રહી છે, જેમને બિનવારસી જાહેર કરીને સ્મશાનમાં બાળી નાખવામાં આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે પંજાબમાં આ રીતે લગભગ 25,000 બિનવારસી મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારો સરકાર પાસે ફક્ત તેમના દીકરાઓના મૃત્યુના પ્રમાણપત્ર માંગે છે. જે લોકો મને આતંકવાદી કે સાંપ્રદાયિક કહે છે, તેમને હું કહેવા માંગુ છું કે લોકશાહીની સાચી ઓળખ સમજો અને પછી કહો કે આતંકવાદી કોણ છે? જો પોલીસ બર્બરતા સામે અવાજ ઉઠાવવો આતંકવાદ હોય, તો હું આતંકવાદી છું.’
આ ઉપરાંત, ફિલ્મમાં સીબીઆઈ ઓફિસર બનેલા અર્જુન રામપાલનો એક સંવાદ પંજાબના ઈતિહાસના ઘા જેવા કે નદીના પાણીનો વિવાદ, આનંદપુર સાહિબ પ્રસ્તાવ, 1984 ના રમખાણો, રાષ્ટ્રપતિ શાસન અને મુખ્યમંત્રીની હત્યાનો ઉલ્લેખ કરીને પૂછે છે કે ‘પંજાબ શેની કિંમત ચૂકવી રહ્યું છે?’ વિવેચકોનું માનવું છે કે આવા સંવાદો વર્તમાન સમયમાં અલગતાવાદી ભાવનાઓને ફરીથી ભડકાવી શકે છે.

એકતરફી રજૂઆત: પાકિસ્તાન કનેક્શન ગાયબ?
ફિલ્મની સૌથી મોટી ખામી એ ગણાવાઈ છે કે ડિરેક્ટર હની ત્રેહાન અને રાઈટર્સ નિરેન ભટ્ટ તથા ઉત્સવ મૈત્રાએ પંજાબમાં આતંકવાદ ફેલાવવા પાછળ જવાબદાર પાકિસ્તાનની કાવતરાખોર ભૂમિકાનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. પંજાબ પોલીસે જે બહાદુરીથી આતંકવાદને નાબૂદ કર્યો તેને દર્શાવવાને બદલે માત્ર પ્રશાસનને જ ખલનાયક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તેમજ આ આંતરિક મુદ્દાને કેનેડિયન શીખ ફોરમ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સમક્ષ લઈ જવાની બાબતને અતિશયોક્તિ સાથે દર્શાવાઈ છે.

અભિનય અને ટેકનિકલ પાસાં
જો વિવાદોને બાજુ પર રાખીએ, તો કળાની દૃષ્ટિએ ફિલ્મ ખૂબ જ પ્રભાવશાળી છે. દિલજીત દોસાંઝે પોતાના કરિયરનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ અભિનય આપ્યો છે. સીબીઆઈ ઓફિસર તરીકે અર્જુન રામપાલનો અભિનય ખૂબ જ સારો છે. ગીતિકા અને સુવિન્દર વિક્કી (સુરજીત સિંહના રોલમાં) ફિલ્મના કથાનકને મજબૂતી આપે છે. સંગીત અને સિનેમેટોગ્રાફી જેવા ફિલ્મના ટેકનિકલ પાસાં પણ ઉત્તમ છે.

સિનેમેટિક લિબર્ટીના નામે છૂટછાટના આરોપ
‘સતલુજ’ એ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, તે એક ચોક્કસ વિચારધારા અને કડવા ઇતિહાસનો દસ્તાવેજ બનવાનો પ્રયાસ કરે છે. માનવ અધિકારોની રક્ષા થવી જ જોઈએ તે વાત સાચી, પરંતુ એક વર્ગ એવું પણ માને છે કે, આ ફિલ્મમાં દેશની સુરક્ષા એજન્સીઓનું મનોબળ તોડીને કે પ્રાદેશિક લાગણીઓ દુભાવીને 'સિનેમેટિક લિબર્ટી'ના નામે અનેક છૂટછાટ લેવાઈ છે, જે યોગ્ય નથી.