‘ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો જવાબદાર છે...’ દિયા મિર્ઝાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dia Mirza Controversy Statement On Climate Change Debate: સોહા અલી ખાનના એક પોડકાસ્ટમાં જાણીતી અભિનેત્રી અને પર્યાવરણ કાર્યકર દિયા મિર્ઝાએ ક્લાઈમેટ ચેન્જ માટે પુરુષો અને પિતૃસત્તાક સમાજને જવાબદાર ઠેરવ્યો છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તે ભારે ટીકાનો ભોગ બની છે. હાલ ઇન્ટરનેટ પર એક વર્ગ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યો છે, તો બીજો વર્ગ તેના સમર્થનમાં ઊભો છે. ચાલો સમજીએ કે આખો વિવાદ શું છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ સોહા અલી ખાનના પોડકાસ્ટની એક વીડિયો ક્લિપ વાયરલ થવાથી શરૂ થયો, જેમાં દિયા મિર્ઝા પર્યાવરણના બગડતા સંતુલન વિશે વાત કરી રહી છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે ‘આ દુનિયામાં આબોહવા પરિવર્તન પુરુષો દ્વારા જ થયું છે. આ અરાજકતા માટે સંપૂર્ણપણે પિતૃસત્તા (Patriarchy) જવાબદાર છે.’
આ દરમિયાન સોહા અલી ખાને પૂછ્યું કે, ‘શું તમે પુરુષ અહંકારની વાત કરો છો?’ ત્યારે દિયાએ કહ્યું કે, ‘હા, પુરુષો દ્વારા જ ક્લાઈમેટ ચેન્જ કે ગ્લોબલ વૉર્મિંગને પ્રોત્સાહન મળ્યું છે. દુનિયામાં ફેલાયેલી અરાજકતા અને લોકો જે દુઃખ ભોગવી રહ્યા છે, તેના માટે પુરુષો જ જવાબદાર છે. ફક્ત ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) જ નહીં, પરંતુ ગ્લોબલ નોર્થ (વિકસિત દેશો) પણ હવે વૈશ્વિક સ્તરે આનો સામનો કરી રહ્યા છે.’
તમને જણાવી દઈએ કે, દિયા મિર્ઝા યુનાઈટેડ નેશન્સની એન્વાયર્મેન્ટ ગુડવિલ એમ્બેસેડર છે.
સોશિયલ મીડિયા પર કેમ ગુસ્સે ભરાયા લોકો?
દિયાએ ક્લાઈમેટ ચેન્જ જેવી જટિલ વૈજ્ઞાનિક અને વૈશ્વિક સમસ્યાને સીધી પુરુષો અને પિતૃસત્તાક સમાજ સાથે જોડી દીધી હોવાથી લોકો તેના પર આકરા પ્રહારો કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ એ વૈશ્વિક સમસ્યા છે, જેમાં સરકારો, મોટી કંપનીઓ અને ઉપભોક્તા તરીકે સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે ભાગીદાર છે. આમાં માત્ર એક જ લિંગ (Gender)ને દોષિત ઠેરવવું અન્યાયી છે.
તો કેટલાક લોકોએ કટાક્ષ કર્યો કે દિયા પોતે એસી રૂમમાં બેસીને, પુરુષો દ્વારા ડિઝાઈન અને ઉત્પાદન કરાતી કાર, કપડાં અને વૈભવી સુવિધાઓનો ઉપયોગ કરીને આવી વાતો કરે છે.
એક યુઝરે કહ્યું કે, સામાન્ય માણસો અસહ્ય ગરમી, પ્રદૂષણ અને પાણીની અછત વેઠી રહ્યો છે, ત્યારે સેલિબ્રિટીઝ વૈજ્ઞાનિક મુદ્દાને 'જેન્ડર વૉર'માં બદલીને સમાજમાં વિભાજન ઊભું કરે છે. કેટલાક યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે, ‘હવે તો પુરુષ હોવું એ જ પાપ થઈ ગયું છે!’
દિયાના કહેવાનો અર્થ શું હતો?
બીજી તરફ, દિયા મિર્ઝાનું સમર્થન કરનારા કે પર્યાવરણવિદોનું કહેવું છે કે, આ નિવેદનને સંદર્ભ વગર (Out of context) સમજવામાં આવી રહ્યું છે. દિયા કોઈ વ્યક્તિગત પુરુષ પર આરોપ નથી લગાવી રહી, પરંતુ તે પિતૃસત્તાક સમાજ (Patriarchal System) વિશે વાત કરી રહી છે. સદીઓથી દુનિયાના મોટા ઉદ્યોગો, ફેક્ટરીઓ, કોર્પોરેટ લોભ અને યુદ્ધોના નિર્ણયો પુરુષપ્રધાન સત્તા દ્વારા જ લેવાયા છે. જે રીતે પિતૃસત્તાક સમાજ મહિલાઓ પર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરે છે, તે જ માનસિકતા કુદરત અને પર્યાવરણના આડેધડ શોષણ માટે પણ જવાબદાર છે. આ વિશે તે ઊંડો વિચાર રજૂ કરવા માંગતી હતી.









