Entertainment

'ઘુસખોર પંડિત' ફિલ્મ સામે બ્રાહ્મણો નારાજ : દિલ્હી હાઈકોર્ટમાં કેસ

By GS Team
6 Feb 20261 min read
'ઘુસખોર પંડિત' ફિલ્મ સામે  બ્રાહ્મણો નારાજ : દિલ્હી હાઈકોર્ટમાં કેસ

- નેટફ્લિક્સ પર રજૂ થનારી મનોજ વાજપેયીની ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં 

- બ્રાહ્મણ સમુદાય માટે અપમાનકારક ફિલ્મની રીલિઝ અટકાવવા દાવો: સોશિયલ મીડિયા પર ફિલ્મના બહિષ્કારનું એલાન 

મુંબઈ : મનોજ વાજપેયીની ફિલ્મ 'ઘૂસખોર પંડિત' સામે બ્રાહ્મણોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ફિલ્મની રીલિઝ અટકાવવવાની દાદ માગતી એક અરજી પણ દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી છે. 

અરજીમાં જણાવાયું છે કે 'ઘૂસખોર પંડિત' ટાઈટલ જાણે કે સમગ્ર બ્રાહ્મણ સમુદાય ભ્રષ્ટ હોય તેવી છાપ ઉપસાવે છે. બ્રાહ્મણ સમુદાયનું આ ઘોર અપમાન છે. બંધારણમાં અભિવ્યક્તિની  સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ સાથે સાથે એમ પણ જણાવાયું છે કે કોઈને પણ કોઈ વ્યક્તિ વિશેષ કે વર્ગ સમુદાય માટે નફરત ફેલાવવાનો કે તેમની અવમાનના કરવાનો હક્ક નથી. આ મૂળભૂત બંધારણીય અધિકારોનાં રક્ષણ માટે આ ફિલ્મની રીલિઝ અટકાવી  દેવાનો આદેશ  ઓટીટ પ્લેટફોર્મ 'નેટફ્લિક્સ'ને આપવામાં આવે તેવી રજૂઆત આ અરજીમાં કરવામાં આવી છે. 

દરમિયાન, 'નેટફ્લિક્સ' દ્વારા આ ફિલ્મની જાહેરાત થતાંની સાથે દેશભરના બ્રાહ્મણ સમુદાયોમાં પણ રોષ ફેલાયો છે. અનેક લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફિલ્મનાં ટાઈટલની આકરી ઝાટકણી કાઢી હતી. 

લોકોએ જણાવ્યું હતું કે  બ્રાહ્મણો મૂળભૂત રીતે વિદ્વાન હોય છે અને શિક્ષણ તથા સંસ્કારોનાં જતનનું કામ કરે છે. તેમનું આવુું ઘોર અપમાન સાંખી ન લેવાય. કેટલાય લોકોએ આ ફિલ્મ ઉપરાંત 'નેટફ્લિક્સ' ઓટીટી પ્લેટફોર્મનાં બહિષ્કારનું પણ ઓનલાઈન એલાન આપ્યું છે.