Get The App

'મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી....', ગદર ફિલ્મની 'સકીના' અમીષા પટેલના રસપ્રદ ખુલાસા

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
'મસ્જિદે જઈને નમાઝ પઢતા શીખી....', ગદર ફિલ્મની 'સકીના' અમીષા પટેલના રસપ્રદ ખુલાસા 1 - image

Ameesha Patel on Gadar: ભારતીય સિનેમા જગતની ક્લાસિક અને ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ને આજે રિલીઝના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરે ફિલ્મમાં ‘સકીના’ના અમર પાત્રને જીવંત કરનારી અભિનેત્રી અમીશા પટેલે પોતાના યાદગાર અને સંઘર્ષપૂર્ણ સફર અંગેના અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીશા પટેલ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા. આ રજત જયંતી પર્વ નિમિત્તે આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં અમીશા પટેલે ફિલ્મની પડદા પાછળની અજાણી વાતો, પાત્ર માટેની આકરી મહેનત અને સની દેઓલ સાથેના પોતાના શૂટિંગના અનુભવો વિશે ખુલ્લા દિલે વાત કરી છે.

ઉંમરના અંતરને લઈને મનમાં હતો મોટો સંશય

અમીશા પટેલે જણાવ્યું કે, જ્યારે કરિયરની શરૂઆતમાં તેને ‘ગદર’ ફિલ્મમાં સની દેઓલની સામે મુખ્ય અભિનેત્રી તરીકે કાસ્ટ કરવાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેના મનમાં ઉંમરના તફાવતને લઈને ભારે દ્વિધા હતી. તે સમયને યાદ કરતા અમીશા કહે છે, “જ્યારે મને આ રોલની ઓફર થઈ, ત્યારે નિર્માતાઓ સામે મારો પહેલો સવાલ એ જ હતો કે, શું તમને નથી લાગતું કે હું આ ફિલ્મ માટે ખૂબ નાની છું? કારણ કે મારી સામે જે હીરો હતા, તેઓ ઉંમરમાં મારા કરતાં ઘણા મોટા અને સિનિયર હતા.”

જોકે, અમીશાનો આ સંશય દિગ્દર્શક અનિલ શર્માની સમજાવટ બાદ તુરંત જ દૂર થઈ ગયો હતો. દિગ્દર્શકે જ્યારે તેને વાર્તાની ઊંડાઈ અને પાત્રોની ગંભીરતા વિગતે સમજાવી, ત્યારે તેને સમજાયું કે ફિલ્મની અસલી સુંદરતા જ ‘તારા સિંહ’ના રફ-એન્ડ-ટફ વ્યક્તિત્વ અને ‘સકીના’ના અત્યંત નાજુક તેમજ માસૂમ સ્વભાવ વચ્ચેના વિરોધાભાસમાં છુપાયેલી છે.

500 યુવતીઓને પાછળ છોડીને મેળવ્યો હતો રોલ

સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું ‘સકીના’નું આ પાત્ર અમીશા પટેલને આસાનીથી મળ્યું નહોતું. આ રોલ મેળવવા માટે તેને એક આકરી સ્પર્ધા અને ઓડિશન પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. તે સમયે લગભગ 500 જેટલી નવોદિત યુવતીઓએ આ પાત્ર માટે ઓડિશન્સ આપ્યા હતા, જેમાંથી અમીશાની આખરી પસંદગી થઈ હતી.

પસંદગી થયા બાદ સકીનાના પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરવા માટે અમીશાએ કલાકો સુધી રિસર્ચ કર્યું હતું. તેણે જણાવ્યું કે, “મેં પાત્રની ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિને સમજવા માટે મસ્જિદોની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને નમાઝ કેવી રીતે અદા કરવામાં આવે છે, તેની ઝીણવટભરી રીતો અને રીત-રિવાજો ખૂબ જ નજીકથી શીખ્યા હતા.” આ ઉપરાંત તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના ઇતિહાસ અને સામાજિક પરિવેશનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો, જેમાં દિગ્દર્શક અનિલ શર્માએ તેને રોલની બારીકાઈઓ સમજવામાં ખૂબ મદદ કરી હતી.

સેટ પર સની દેઓલનો અનન્ય સહયોગ: ક્યારેય ગુસ્સે થતા નહીં

ઇન્ટરવ્યૂ દરમિયાન અમીશા પટેલે સહ-અભિનેતા સની દેઓલના મન મૂકીને વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, સમયની સાથે સની દેઓલ પ્રત્યે તેમનો આદર અને સન્માન ઘણું વધી ગયું છે. સની દેઓલના શાંત અને સહયોગી સ્વભાવની પ્રશંસા કરતા અમીશાએ સેટ પરનો એક કિસ્સો શેર કર્યો હતો.

આ વિશે વાત કરતાં અમીશાએ કહ્યું કે, “ઘણી વખત શૂટિંગ દરમિયાન એવું બનતું કે ડિરેક્ટર અનિલ શર્મા મારી પાસેથી કોઈ ખૂબ જ મુશ્કેલ કે ભાવનાત્મક દૃશ્ય કરાવવાનો આગ્રહ રાખતા, જેના કારણે હું અસ્વસ્થ થઈ જતી હતી. આવા સમયે સનીજી હંમેશા મારી વહારે આવતા. તેઓ ડિરેક્ટરને કહેતા કે, ‘તમે થોડીવાર માટે બહાર જાઓ, હું અમીશાને આ સીન સમજાવું છું.’ ત્યારબાદ તેઓ અત્યંત પ્રેમથી અને શાંતિથી મને આખું દૃશ્ય સમજાવતા.” અમીશાના મતે, સની દેઓલ સેટ પર ક્યારેય પોતાનું સંતુલન ગુમાવતા નહોતા, કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છું અને સકીના જેવું ગંભીર પાત્ર ભજવવું બિલકુલ સરળ નથી.

આ પણ વાંચો: છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી મૌની રોય, ટ્રોલ્સની બોલતી બંધ કરતા કહ્યું- હું ગે નથી

કોઈ ગ્લેમર કે VFX નહીં, ફિલ્મની ‘સાદગી’ જ સફળતાની ચાવી

આજે 25 વર્ષ બાદ પણ ‘ગદર’ લોકોના દિલમાં કેમ એટલી જ જીવંત છે, તેનું રહસ્ય ખોલતા અમીશાએ જણાવ્યું કે આ ફિલ્મની ભવ્ય સફળતાનું એકમાત્ર કારણ તેની અદ્ભુત ‘સાદગી’ હતી. આ ફિલ્મમાં કોઈપણ પ્રકારના આધુનિક કે કૃત્રિમ તામઝામ વગર ઇતિહાસ રચાયો હતો.

આ વિશે અમિશા કહે છે કે, 'ફિલ્મમાં ન તો કોઈ આઇટમ સોંગ હતું, ન તો કોઈ પરાણે ઘુસાડેલું ગ્લેમર કે ઓવર-સેક્સ્યુઅલાઇઝેશન. એટલું જ નહીં, ફિલ્મમાં કોઈ કમ્પ્યુટર ગ્રાફિક્સ (VFX)નો પણ સહારો લેવાયો નહોતો. ફિલ્મના સેકન્ડ હાફમાં તારા સિંહ સદાય સાધારણ કપડાંમાં જોવા મળે છે, જ્યારે સકીના પણ માથાથી પગ સુધી પરંપરાગત વસ્ત્રોમાં સંપૂર્ણ ઢંકાયેલી રહે છે. આ શુદ્ધ ભાવનાઓ અને સાદગીભરી વાર્તા જ દર્શકોના હૃદયને સીધી સ્પર્શી ગઈ હતી, જે આ ફિલ્મને સદાબહાર સિલ્વર જુબિલી હિટ બનાવે છે.'