Entertainment
સલમાનની માતૃભૂમિ પછી ગલવાન યુદ્ધ અંગેની બીજી ફિલ્મ પણ અટવાઈ
By GS Team
24 May 20261 min read

- ચીન વિરુદ્ધ કશું દર્શાવવાની મનાઈ
- ભાગ્યશ્રીનો પતિ હિમાલય પુત્ર અભિમન્યુ માટે આ ફિલ્મ બનાવવાનો હતો
મુંબઈ: ગલવાન ખીણની લડાઈ અંગેની 'માતૃભૂમિ' ફિલ્મ બનીને તૈયાર પડી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અનેક સુધારા સૂચવાતાં આ ફિલ્મની રીલિઝ અટકી છે. તે પછી હવે એકટ્રેસ ભાગ્યશ્રીના પતિ હિમાલયે પણ પુત્ર અભિમન્યુને હિરો તરીકે લઈ શરુ કરેલી 'ધી લાયન ઓફ ગલવાન' ફિલ્મ પણ માંડી વાળી છે. હિમાલયના જણાવ્યા અનુસાર પોતે ગલવાન લડાઈના એક હિરો વીર ચક્ર વિજેતા ગુરતેજ સિંઘની બાયોપિક બનાવવા ઈચ્છે છે. પરંતુ, આ વાર્તામાં ગલવાનની લડાઈ અને તેની પાછળનાં કારણો દર્શાવવા જ પડે તેમ છે. જોકે, અમને નિર્દેશ મળ્યો છે કે અમે ચીન વિરુદ્ધ કશું બતાવી શકશું નહીં. જો એવું જ હોય તો આ ફિલ્મ બનાવવાનો કોઈ અર્થ રહેતો નથી. ગલવાન લડાઈ વખતે ભારત અને ચીનના સંબંધો તળિયે પહોંચ્યા હતા. જોકે, તે પછી બંને દેશો વચ્ચેનાં સંબંધો સુધર્યા છે અને તેથી સરકાર નથી ઈચ્છતી કે ગલવાન લડાઈ પર કોઈ ફિલ્મ બને અને તેમાં ખાસ કરીને ચીન વિરુદ્ધ કશું દર્શાવવામાં આવે. સલમાનની ફિલ્મનું ઓરિજિનલ ટાઈટલ પણ 'બેટલ ઓફ ગલવાન' હતું તે બદલીને 'માતૃભૂમિ' કરવાની ફરજ પાડવામાં આવી હતી અને ફિલ્મમાંથી કેટલાય ચીન વિરોધી ઉલ્લેખો બદલી વાર્તામાં અનેક ફેરફારો કરાવવામાં આવ્યા હતા.









