Entertainment

અનુષ્કાએ રૂ.240ના છોલે-ભટુરે મંગાવ્યા ને રેસ્ટોરન્ટનો દેવાદાર માલિક કરોડપતિ બની ગયો

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈના ચેંબુરમાં 'દિલ્હી સે' રેસ્ટોરન્ટ ચલાવતા જસપાલ અને મહિન્દર સિંહ ખાલસાનું નસીબ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની એક પોસ્ટથી પલટાઈ ગયું. 18 લાખના દેવામાં ડૂબેલા ભાઈઓની છોલે-ભટુરેની દુકાન બંધ થવાના આરે હતી. સપ્ટેમ્બર 2022માં કોમેડિયન અભિષેક ઉપમન્યુએ પ્રશંસા કરી, પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઓર્ડર આપ્યો. અનુષ્કાની પોસ્ટથી અડધા કલાકમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી. આજે તેઓ 4 આઉટલેટ્સ સાથે 2 કરોડ કમાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનુષ્કાએ રૂ.240ના છોલે-ભટુરે મંગાવ્યા ને રેસ્ટોરન્ટનો દેવાદાર માલિક કરોડપતિ બની ગયો
IMAGE - IANS

Anushka Sharma viral post Chole Bhature: મુંબઈના ચેંબુરમાં નાની રેસ્ટોરન્ટ ચલાવતા બે ભાઈઓની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ છે. એક સમય એવો હતો કે તેઓ લાખોના દેવા હેઠળ દબાયેલા હતા અને પોતાની દુકાન બંધ કરવાના આરે હતા, પરંતુ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના એક ફોન કોલ અને સોશિયલ મીડિયા પોસ્ટથી તેમનો ધંધો 200 ગણો વધી ગયો અને આજે તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે.

છોલે-બટૂરેની પ્રશંસા કરતી પોસ્ટથી પલટાઈ બાજી

ચેંબુરમાં 'દિલ્હી સે' નામની રેસ્ટોરન્ટ ચલાવતા જસપાલ સિંહ ખાલસા અને તેમના ભાઈ મહિન્દર સિંહ ખાલસા ચાર વર્ષ પહેલાં આશરે 18 લાખ રૂપિયાના ભારે દેવા હેઠળ ડૂબેલા હતા. કોરોના અને મંદીના કારણે તેમનો ધંધો નફાને બદલે ભારે ખોટમાં જઈ રહ્યો હતો અને તેઓ રેસ્ટોરન્ટ બંધ કરવાનો વિચાર કરી રહ્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2022માં સ્ટેન્ડ-અપ કોમેડિયન અભિષેક ઉપમન્યુ તેમના રેસ્ટોરન્ટમાં આવ્યા અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર અહીંના છોલે-બટૂરેની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી, જેણે આખી બાજી પલટી નાખી.

કોમેડિયન અભિષેક ઉપમન્યુની મુલાકાત

સપ્ટેમ્બર 2022માં કોમેડિયન અભિષેક ઉપમન્યુ ચેંબુરના કેમ્પ વિસ્તારમાં આવેલા 'દિલ્હી સે' રેસ્ટોરન્ટમાં આવ્યો હતો અને ત્યાંના છોલે-ભટુરે ખાઈને ઇન્સ્ટાગ્રામ પર રિવ્યૂ આપ્યો હતો. જોકે, શરૂઆતમાં બંને ભાઈઓ જાણતા નહોતા કે અભિષેક કોણ છે, પરંતુ તેના એક-બે દિવસ બાદ જ ગ્રાહકોની સંખ્યા અચાનક વધવા લાગી હતી અને અસલી ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે આ પોસ્ટ અનુષ્કા શર્મા સુધી પહોંચી.

અનુષ્કા શર્માના ઘરેથી આવ્યો ફોન, પહેલાં ભાઈઓને લાગ્યો મજાક

દિલ્હીના હોવાને કારણે અનુષ્કા અને વિરાટ સારા ફૂડની શોધમાં હતા, અને 5 ઓક્ટોબર, 2022ના રોજ તેમના ઘરેથી ફોન આવ્યો જેમાં જુહુ ખાતે છોલે-ભટુરેની બે પ્લેટ મોકલવા કહ્યું. એક પ્લેટના 120 રૂપિયા લેખે કુલ 240 રૂપિયા થતા હતા, જ્યારે જુહુ આવવા-જવાનો ખર્ચ આશરે 400 રૂપિયા હતો. જ્યારે જસપાલે જણાવ્યું કે આવવા-જવાનો ખર્ચ ઓર્ડરની કિંમત કરતાં વધુ છે, ત્યારે સામેથી કહેવામાં આવ્યું કે વધારાના પૈસા ચૂકવી દેવામાં આવશે.

બૅંક ડિટેલ્સ માંગતા ડરી ગયા બંને ભાઈઓ

જ્યારે કોલ કરનારે પેમેન્ટ માટે બૅંક ડિટેલ્સ માંગી, ત્યારે જસપાલને શંક ગઈ અને તેમણે કહ્યું કે તેમને પહેલાં પૂરા પૈસા જોઈએ. સામેથી QR કોડને બદલે બૅંક ડિટેલ્સ જ માંગવામાં આવી. જસપાલે તેમના ભાઈ મહિન્દરને ફોન કરીને કહ્યું કે કોઈ મહિલા આઠ વાર ફોન કરીને બૅંક ડિટેલ્સ માગી રહી છે અને તેમને ડર હતો કે ક્યાંક એકાઉન્ટ હેક ન થઈ જાય, કારણ કે ખાતામાં બેલેન્સ પહેલેથી જ નેગેટિવ હતું.

'વિરાટ કોહલીના ઘરથી ફોન છે' સાંભળીને ન થયો વિશ્વાસ

આ લગભગ 10 વખત ફોન આવ્યા બાદ જ્યારે કોલ કરનારે સ્પષ્ટ કર્યું કે તે વિરાટ કોહલીના ઘરથી બોલી રહી છે, ત્યારે જસપાલે કહ્યું કે, 'પ્લીઝ આવી મજાક ન કરો, ચેંબુરમાં નાની દુકાન ચલાવનારાઓ સાથે વિરાટ કોહલીનું શું કામ?' પરંતુ સામેથી કહેવામાં આવ્યું કે તમારે મારો વિશ્વાસ કરવો પડશે. આખરે 5 ઓક્ટોબર માટે ઓર્ડર ફાઇનલ થયો.

અડધા કલાકમાં રેસ્ટોરન્ટ બહાર જમા થયેલી ભારી ભીડ

જ્યારે બંને ભાઈઓ ઓર્ડર લઈને ત્યાં ગયા અને પરત ફર્યા, ત્યારે તે જ સ્ટાફ મેમ્બરનો ફોન આવ્યો અને પૂછ્યું કે શું તેઓ ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને અનુષ્કા કે કોહલીને ફોલો કરે છે? ત્યારબાદ તેમણે અનુષ્કાની પોસ્ટ મોકલી. અનુષ્કા શર્માએ સ્ટોરીમાં લખ્યું હતું કે, 'આજે અમારા ઘરમાં મોટો દિવસ છે! મુંબઈમાં બિલકુલ દિલ્હી જેવા છોલે-ભટુરેની શોધ આખરે પૂરી થઈ ગઈ.'

આ પોસ્ટ મૂકતાના માત્ર અડધા કલાકની અંદર રેસ્ટોરન્ટ બહાર ભારી ભીડ જમા થઈ ગઈ. ભીડ એટલી વધી ગઈ કે પોલીસને બોલાવવી પડી. કોઈ 6 તો કોઈ 10 પ્લેટના ઓર્ડર આપવા લાગ્યા. સ્ટોક ઓછો પડતા આસપાસથી સામાન લાવીને કામ ચલાવવું પડ્યું અને ત્રીજા દિવસ સુધીમાં પ્રોડક્શન 10 ગણું વધી ગયું.

બંધ થવાના આરે રહેલી રેસ્ટોરન્ટની કાયાપલટ

માત્ર 8 કિલોથી 100 કિલો છોલે સુધી પહોંચવાની આ સફરમાં જે રેસ્ટોરન્ટ માંડ મહિને 1 લાખ રૂપિયા કમાતું હતું અને 18 લાખના દેવાને કારણે બંધ થવાના આરે હતું, તે આજે 4 આઉટલેટ્સનું માલિક બની ગયું છે અને દર મહિને 2 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યું છે.