વિદેશમાં MBBS કરવું સરળ, પરંતુ દેશમાં પ્રેક્ટિસનું લાઇસન્સ મેળવવું 'લોઢાના ચણા ચાવવા' સમાન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Medical Students News | Easy MD Abroad, Hard Practice at Home: ગુજરાતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવાનું સપનું લઈને યુક્રેન, રશિયા, ફિલિપાઇન્સ, ચીન અને જ્યોર્જિયા જેવા દેશોમાં મેડિકલ (MBBS)ના અભ્યાસ માટે જાય છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં મેડિકલની મર્યાદિત બેઠકો અને ખાનગી કોલેજોની તોતિંગ ફીના કારણે વિદેશ જવું સહેલું લાગે છે. પરંતુ, વિદેશથી ભણીને આવ્યા બાદ ભારતમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરવા માટેનું લાઇસન્સ મેળવવું ખૂબ જ કઠિન સાબિત થઈ રહ્યું છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સીસ (NBEMS)ના તાજેતરના અહેવાલો આ કડવી વાસ્તવિકતા દર્શાવે છે.
FMGE પરીક્ષાનું કડવું સત્ય, 75%થી વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ
વિદેશથી મેડિકલનો અભ્યાસ કરીને આવતા ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) માટે ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન' (FMGE) પાસ કરવી ફરજિયાત છે.
NBEMS ના વર્ષ 2025ના ઓફિશિયલ પરફોર્મન્સ રિપોર્ટ મુજબ, ગુજરાતના કાયમી રહેવાસી હોય તેવા ઉમેદવારોનું પરિણામ ખૂબ જ ચિંતાજનક રહ્યું છે. જેમ કે…
- જૂન 2025: કુલ 1,891 ઉમેદવારોમાંથી માત્ર 345 વિદ્યાર્થીઓ (18.24%) પાસ થયા, જ્યારે 1,546 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
- ડિસેમ્બર 2025: કુલ 2,246 ઉમેદવારોમાંથી માત્ર 582 વિદ્યાર્થીઓ (25.91%) પાસ થઈ શક્યા હતા.
- વર્ષ 2025નું કુલ પરિણામ: બંને સેશન મળીને આખા વર્ષમાં કુલ 4,137 ઉમેદવારો બેઠા હતા, જેમાંથી માત્ર 927 (અંદાજે 22.4%) ઉમેદવારો જ સફળ થયા છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદેશની કોલેજોમાં પ્રવેશ મેળવવો જેટલો સરળ છે, એટલું જ અઘરું ભારતમાં આવીને લાઇસન્સ મેળવવાનું છે. દર વર્ષે આશરે 75%થી વધુ વિદ્યાર્થીઓ આ આકરી પરીક્ષા પાસ કરી શકતા નથી.
પરીક્ષા પાસ કર્યા પછી પણ મુશ્કેલીઓનો અંત નથી
ધારો કે કોઈ વિદ્યાર્થી ભારે મહેનત કરીને FMGE પાસ કરી પણ લે, તો પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) માં 'પરમેનન્ટ રજિસ્ટ્રેશન' મેળવવાનો રસ્તો ઘણો લાંબો અને અડચણોથી ભરેલો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની સત્તાવાર વેબસાઇટ્સ gmcgujarat.org અને gmconline.co.in ના ડેટા અને સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય મુશ્કેલીઓ નીચે મુજબ છે.
- ઇન્ટર્નશિપ (CRMI) બેઠકોની અછત: FMGE પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કાઉન્સિલિંગ પ્રક્રિયામાંથી પસાર થઈને કમ્પલસરી રોટેટરી મેડિકલ ઇન્ટર્નશિપ (CRMI) પૂર્ણ કરવી પડે છે. પરંતુ ગુજરાતમાં દર વર્ષે ઇન્ટર્નશિપની બેઠકોની ભારે અછત સર્જાય છે.
- દસ્તાવેજોનું ધીમું વેરિફિકેશન: વિદેશી યુનિવર્સિટીઓના દસ્તાવેજોનું વેરિફિકેશન થવામાં મહિનાઓ અને ક્યારેક વર્ષો નીકળી જાય છે.
- અસ્પષ્ટ આંકડા: પરીક્ષા પાસ કરનારા 927 ઉમેદવારોમાંથી વાસ્તવમાં દર વર્ષે કેટલા લોકોને 'કાયમી લાઇસન્સ' મળે છે તેનો સત્તાવાર આંકડો પણ જાહેર કરાતો નથી, જે દર્શાવે છે કે આ આંકડો નહિવત્ છે.
ક્લિનિકલ એક્સપોઝરની કમી અને કડક નિયમો
એક તરફ નવેમ્બર 2024 સુધીના સંસદના જવાબ મુજબ ગુજરાતમાં કુલ એલોપેથિક ડૉક્ટરોની સંખ્યા 79,169 નોંધાઈ છે. બીજી તરફ, સરકાર અને સિસ્ટમ ગુણવત્તાયુક્ત ડૉક્ટરો જ સેવા આપે તે માટે નિયમો કડક કરી રહી છે.
નિષ્ણાતોના મતે, વિદેશની ઘણી કોલેજોમાં ક્લિનિકલ એક્સપોઝર (દર્દીઓને પ્રત્યક્ષ જોવાનો અને સારવાર કરવાનો અનુભવ) ઓછો હોય છે. પરિણામે, ભારતીય ધોરણો મુજબની આકરી થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષાઓ પાસ કરવી વિદેશથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ માટે પડકારજનક બની જાય છે.




