યુદ્ધ અને આકરી ગરમીથી યુરોપમાં ગેસ-અનાજના ભંડારો સામે સંકટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વર્લ્ડ વિન્ડો
- ૨૦૨૬નું વર્ષ યુરોપના દેશો માટે ભારે રહ્યું, ગરમીએ જૂના રેકોર્ડ તોડયા ને તેના કારણે કેટલીય નદી સૂકાઈ ગઈ. વરસાદ પણ જોઈએ એવો પડયો નથી તેની અસર ખેત ઉત્પાદનો પર પડી છે
રશિયા-યુક્રેનનું યુદ્ધ સાડા ચાર વર્ષથી ચાલી રહ્યું છે. અમેરિકા-ઈરાન-ઈઝરાયલના ત્રિપાંખિયા યુદ્ધનો પ્રારંભ આ વર્ષે ફેબુ્રઆરીના અંતે થયો એ પણ ચાલી રહ્યું છે. આ બંને યુદ્ધોની અસર આખી દુનિયામાં થઈ છે. યુક્રેન-રશિયા યુદ્ધના કારણે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગ્યા. યુરોપિયન યુનિયને પણ રશિયા પર નિયંત્રણો મૂક્યા એટલે રશિયાની ચીજવસ્તુઓની આયાત બંધ થઈ. એમાં સૌથી મહત્ત્વની આયાત ગેસની થતી હતી. રશિયા પર પ્રતિબંધનો નિર્ણય યુરોપના દેશોને ભારે પડયો. રશિયાએ તો ભારત-ચીન જેવા દેશોમાં ક્રૂડ-ગેસની નિકાસ કરીને વૈકલ્પિક માર્કેટ શોધી લીધું, પરંતુ યુરોપના દેશોને રશિયન ગેસના વિકલ્પે જે ગેસ મળવા લાગ્યો એ મોંઘો પડે છે. રશિયાના વિકલ્પે અમેરિકન કંપનીઓ યુરોપમાં ગેસ સપ્લાય કરે છે. અમેરિકાથી યુરોપ સુધી ગેસ પહોંચે તેની કોસ્ટ વધી જાય છે. રશિયા તો પાઈપલાઈન મારફતે જર્મની સુધી ગેસ પહોંચાડતું હતું એટલે ભાવ નિયંત્રણમાં રહેતા હતા.
એમાં વળી અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો ને તેના પગલે હોર્મુઝથી ખાડીના માધ્યમથી થતો વેપાર પ્રભાવિત થયો. દુનિયામાં જે કુદરતી ગેસ અને ઓઈલની સપ્લાય થાય છે એમાં હોર્મુઝની ખાડીમાંથી જ ૨૦ ટકા વેપાર થાય છે. આ રસ્તેથી દરરોજ ક્રૂડના ૨ કરોડ બેરલ દુનિયાના ખૂણે ખૂણે પહોંચતા હતા. ઈરાન-અમેરિકા-ઈઝરાયલના જંગમાં હોર્મુઝની ખાડી બંધ થઈ એટલે કંપનીઓએ બીજા લાંબાં રસ્તેથી વેપાર શરૂ કર્યો, તેના પરિણામે ગેસ અને ક્રૂડના ભાવમાં વધારો થયો. યુરોપને જે ગેસ મળતો હતો એમાં અવરોધ આવ્યો.
યુદ્ધ દરમિયાન અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાનની ઈમારતોને નિશાન બનાવી એટલે ઈરાને વળતા હુમલા કરીને મિડલ ઈસ્ટમાં અમેરિકાના સહયોગી દેશોના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કર્યું. મોટી પેટ્રોલિયમ કંપનીના ઉત્પાદન એકમો આગમાં ખાક થયા. અમુક રિફાઈનરીઝ પર હુમલા થયા એટલે ત્યાં પ્રોડક્શન બંધ પડયું છે. ઘણી રિફાઈનરીઝે યુદ્ધની પરિસ્થિતિમાં સુરક્ષાના કારણોથી ઉત્પાદન બંધ કરી દીધું છે. ઘણી કંપનીઓએ ગેસનો જથ્થો એક્સપોર્ટ કરવાનું માંડી વાળ્યું. દરિયાઈ જોખમ ખેડીને કરોડોનું નુકસાન વેઠવાની તેમની તૈયારી ન હતી. લાંબાં રસ્તે ગેસનો જથ્થો મોકલવાનો હોય તો એની કોસ્ટ વધી જાય એવી ભીતિ હતી. ખરીદનારી અને વેચનારી કંપનીઓ વચ્ચે રસ્તો બદલવાથી ભાવમાં જે તફાવત આવે તેને લઈને સહમતી ન બની એટલેય અમુક જથ્થો અટકી પડયો. સરવાળે ઈરાન યુદ્ધ શરૂ થતાંની સાથે જ ક્રૂડના સંકટની ભીતિ હતી તે સાચી પડી છે.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઈરાન યુદ્ધ પછી જબરો ઉછાળો આવ્યો ને ગેસનો જથ્થો ઘટી જવાના ડરથી એશિયન દેશોમાં પણ ડિમાન્ડ વધી ગઈ. આવા અનિશ્ચિત માહોલમાં એશિયા-યુરોપના દેશો વચ્ચે ગેસ ખરીદવાની હોડ જામી ગઈ. ૨૦૨૦ પછી પહેલી વખત યુરોપના રિઝર્વ ગેસના જથ્થામાં ૧૫થી ૧૮ ટકાનું ગાબડું પડયું. અત્યારે યુરોપમાં ટ્રાન્ઝિટ મોસમ છે. ઓક્ટોબરથી શિયાળાનું આગમન થશે. એ સાથે જ ગરમાવા માટે ઘર-ઓફિસમાં ગેસની ડિમાન્ડ વધી જશે. નવેમ્બરથી માર્ચ સુધી શિયાળો રહે છે એટલે અત્યારથી જ બધા દેશો ગેસનો રિઝર્વ જથ્થો સરભર કરે છે. પરંતુ આ વર્ષે ધારણા પ્રમાણેનો સ્ટોક થયો નહીં એટલે ભાવમાં પણ વધારો નોંધાયો છે. અંદાજ એવો બાંધવામાં આવી રહ્યો છે કે યુરોપમાં આગામી મહિનાઓમાં ૪૦ ટકા સુધી ગેસનો ભાવ વધી જશે. જો યુદ્ધ લાંબું ખેંચાશે તો કદાચ આ વધારો વર્ષના અંતે ૪૪ ટકા સુધી પણ પહોંચી શકે છે. યુરોપમાં એનર્જી સેક્ટરમાં છેલ્લાં આઠ જ મહિનામાં ૧૪ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે.
આટલું ઓછું હતું તે યુરોપમાં આ વર્ષે ગરમીએ હાહાકાર મચાવ્યો. અલ નીનો અને ક્લાઈમેટ ચેન્જની બેવડી અસર હેઠળ યુરોપના દેશોમાં આકાશમાંથી આગ વરસી. ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી સહિતના દેશોમાં તાપમાનનો પારો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરોપના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો હોવાથી લોકો પરેશાન થઈ ગયા હતા. સરકારોએ તાત્કાલિક રાહતના પગલાં ભરવા પડયા હતા. આકરા તાપના કારણે કેટલાય સ્થળોએ આગ ફાટી નીકળી હતી. યુરોપના લોકોએ આટલી ગરમી અગાઉ ક્યારેય અનુભવી ન હતી. મહત્ત્વની નદીઓના પાણી સૂકાઈ જતાં પાણી પૂરવઠો પણ ખોરવાયો હતો. ઘણી કંપનીઓએ કાર વોશ અને પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ માટે પાણી જ બંધ કરી કરી દીધું હતું. અત્યારથી આ હાલત હોવાથી યુરોપના દેશોમાં આવતા વર્ષે ઉનાળાના મહિનાઓમાં પાણીની અછત સર્જાવાની દહેશત પણ વ્યક્ત થવા માંડી છે.
એક તરફ યુદ્ધની સ્થિતિ હોવાથી યુરોપમાં અનાજ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓની આયાતને ફટકો પડયો હતો ને બીજી તરફ તાપમાન વધી જતાં યુરોપના દેશોમાં જે અનાજનું ઉત્પાદન થાય છે તેને અસર થઈ છે. વર્લ્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કહેવા પ્રમાણે યુરોપમાં ૯૦ લાખ ટન અનાજનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. યુરોપમાં જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન મકાઈ, ઘઉં, જુવારનો પાક લેવાતો હોય છે. આ વર્ષે એટલી ગરમી પડી કે કેટલાય એકરનો ઉભો પાક બળી ગયો. જૂન મહિનો યુરોપના ઈતિહાસનો સૌથી ગરમ મહિનો હતો. કેટલાય દેશોમાં દિવસો સુધી તાપમાનનો પારો ૩૮ ડિગ્રીથી ઉપર રહ્યો તેની ગંભીર અસર ખેતી પર થઈ. એક તરફ આટલી આકરી ગરમી પડી અને બીજી તરફ જળાશયો ને નદીઓના પાણી સૂકાઈ જતાં સિંચાઈમાં પણ મુશ્કેલી પડી.
યુરોપિયન સંઘ અને બ્રિટનનું અનાજનું ઉત્પાદન ૨૮થી ૨૯ કરોડ ટન આસપાસ રહે છે. આ વર્ષે અંદાજ એવો છે કે તે ઘટીને ૨૩ કરોડ ટન થઈ જશે. આર્થિક નુકસાનીની વાત કરીએ તો યુરોપને અનાજ ઉત્પાદન ઘટવાથી ને અનાજની આયાત કરવી પડશે એટલે બે અબજ પાઉન્ડનો વાર્ષિક ફટકો પડશે. યુરોપમાં ઘઉં-મકાઈના ભાવમાં ૩.૬ ટકાનો વધારો તો અત્યારે જ ઝીંકાઈ ચૂક્યો છે. આ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં અનાજનો ભાવવધારો ૫ ટકાએ પહોંચી જાય તેવી શક્યતા છે.
યુરોપમાં યુદ્ધોની અસર હેઠળ મોંઘવારીનો સરેરાશ દર ચાલુ વર્ષે ૩.૩ની નવી ટોચે પહોંચી ગયો છે. ઘણાં દેશોમાં તો મોંઘવારી ૫થી છ ટકા થઈ ગઈ છે અને તેની અસર માર્કેટમાં પણ દેખાવા માંડી છે. વર્લ્ડ ઈકોનોમી ફોરમના એક અહેવાલમાં કહેવાયું કે જો ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ સપ્ટેમ્બરના અંતે કે ઓક્ટોબરની શરૂઆતમાં પૂરું નહીં થાય તો ડિસેમ્બરમાં ક્રિસમસની ઉજવણી દાયકાઓ પછી સૌથી ફિક્કી રહેશે.
કારણ કે ઓક્ટોબર પછી શિયાળાના કારણે ગેસની ડિમાન્ડ વધશે. અનાજના ઉત્પાદનમાં ફટકો પડી ચૂક્યો છે તેથી અનાજની આયાત કરવી પડશે એટલે અનાજ-કઠોળ મોંઘું થશે. તેના પરિણામે યુરોપના દેશોમાં વર્ષના અંતે વાર્ષિક એવરેજ મોંઘવારી ૪ ટકાએ પહોંચી જાય તો નવાઈ રહેશે નહીં.




