Editorial

આંતરિક સ્પષ્ટતા નહીં હોય ત્યાં સુધી જેન-ઝીની 'જીત'થી કશું બદલાવાનું નથી

By GS Team
1 Aug 20266 mins read
TukuTouch Logo
દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક મુદ્દે Gen-Zના દેખાવો થયા. આચાર્ય પ્રશાંતે યુવાનોને પ્રશ્ન કર્યો કે, શું આ તમારી પોતાની ઈચ્છા છે કે મા-બાપની અપેક્ષા? NCRBના ૨૦૨૩ના અહેવાલ મુજબ, ભારતમાં ૧૮થી ૩૦ વર્ષના 56,170 યુવાનોએ આત્મહત્યા કરી, એટલે દર કલાકે 6 યુવાનોએ જીવ ગુમાવ્યો. તેમણે લીક થયેલું પેપર ખરીદનારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે ક્યારે વિરોધ થશે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

આંતરિક સ્પષ્ટતા નહીં હોય ત્યાં સુધી જેન-ઝીની 'જીત'થી કશું બદલાવાનું નથી
  • વાત-વિચાર-શિશિર રામાવત
  • 'જેમણે લીક થયેલું પેપર ખરીદ્યું એ સ્ટુડન્ટ્સ અને વાલીઓ વિરુદ્ધ ક્યારે પ્રોટેસ્ટ થશે? જેમણે પેપર ખરીદ્યું હતું તેમાંથી કેટલા લોકો પ્રોટેસ્ટ કરવા આવ્યા? ક્યાંક એવું તો નથી ને કે આ ટોળામાં એવા પ્રોટેસ્ટર્સ પણ હતા જેમને જો કોઈક રીતે પેપર મળી ગયું હોત અને સિલેક્શન થઈ ગયું હોત તો તેઓ પ્રોટેસ્ટમાં આવત જ નહીં?'

હબકી જવાય એવા આ આંકડા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો લેટેસ્ટ અહેવાલ કહે છે કે ૨૦૨૩માં ભારતમાં ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના ૫૬,૧૭૦ યુવાનોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી નાખ્યું હતું. આનો અર્થ એ થયો, દર કલાકે ૬ યુવાનોની આત્મહત્યા. શું રોજેરોજ થતાં આટલાં બધાં યુવામોત નીટ કે કોઈ પણ એક્ઝામનું પેપર લીક થઈ જવાથી થાય છે? આનો શો અર્થ થયો?
દિલ્હીના જંતર-મંતર ગ્રાઉન્ડ પર જેન-ઝીએ કરેલો પ્રોટેસ્ટ આખા દેશે જોયો. ઘણાં અર્થઘટનો થયાં, હજુય થઈ રહ્યાં છે, પણ બાહ્ય ઘટનાઓની નીચે એવું શું સળવળી રહ્યું છે જેના તરફ આપણે અજાણપણે કે જાણી જોઈને જોવા માગતા નથી? અદ્વૈત વેદાંતના પ્રખર પ્રચારક અને દેશના એક સશક્ત ફિલોસોફિકલ અવાજ તરીકે સ્વીકૃતિ પામેલા આચાર્ય પ્રશાંતે આ વિષય પર કરેલી વાતો ધ્યાનથી સાંભળવા
જેવી છે. ઓવર ટુ આચાર્યજી…


સૌથી પહેલાં એ જણાવો કે આ બાળકોને, આ યુવાનોને કોણે શીખવ્યું કે ડોક્ટર, એન્જિનીયરિંગ કે સિવિલ સર્વિસિસના રસ્તાઓ પર ભાગવું જરૂરી છે? શિક્ષણ પ્રધાનનું રાજીનામું આવી ગયું પણ એનાથી કશું બદલાવાનું નથી. મા-બાપ કહેશે, 'હા હા, અમારો દીકરો ગયો તો જંતર-મંતર પ્રદર્શનમાં… છોકરાઓએ સરકારને ઝુકાવી દીધી… જેન-ઝીએ કરી દેખાડયું!'
જેન-ઝી સંતાનોએ તો કરી બતાવ્યું, પણ મા-બાપે શું કર્યું? એમણે સંતાન પર સીધી કે આડકતરી રીતે આખી જિંદગી પ્રેશર બનાવી રાખ્યુંઃ 'તને એન્જિનીયર બનાવવાનું અમારું સપનું છે… જો, કાકાનો છોકરો ડોક્ટર બની ગયો છે એટલે હવે તારે પણ ડોક્ટર બનવાનું છે… ના ના, મામૂલી નોકરી નહીં ચાલે, પ્રાઇવેટ જોબ પણ નહીં ચાલે… તું એક કામ કર, તું ઘરે બેસ, યુપીએસસીની તૈયારી કર… અચ્છા, તારે દિલ્હી જઈને યુપીએસસીની તૈયારી કરવી છે? તો તું દિલ્હી જા, અમે તને પૈસા આપીશું… અમારી ઈજ્જત અને સપનાંનો સવાલ છે… તું જા, ને જિંદગીની રેસ જીતીને બતાવ, જા…'
આ એ જ કારણો છે જેનાથી યુવાનો તૂટે છે. આત્મહત્યાઓ થાય છે. ડર એ જ વાતનો છે કે આવતી કાલની સવાર જુદી નહીં હોય. યુવાન છોકરા-છોકરીઓને પૂછવાનું કે શું તમે ખરેખર નીટ, જેઈઈ, યુપીએસસીની પરીક્ષા આપવા માગો છે? આ તમારી પોતાની ઇચ્છા છે? કે પછી તમે સામાજિક માળખાનો, માબાપની અપેક્ષાનો, સરખામણીનો, નાનપણથી થતા કંડીશનિંગનો ભોગ બની ગયા છો? તમે તમારો બધો આક્રોશ સરકાર પર કાઢી રહ્યા છો અને તમારો આક્રોશ વ્યાજબી પણ છે, પણ શું આનો અડધો આક્રોશ પણ એ સામાજિક માહોલ, વ્યવસ્થાઓ અને સંસ્થાઓ સામે વ્યક્ત કર્યો જેમણે તમને અંધારા રસ્તા પર ધકેલી દીધા છે?
આપણા લોહીમાં (એટલે કે માનસિકતામાં) તમામ પ્રકારનાં ઝેરી તત્વો લોહીમાં વહી રહ્યાં છે, પણ ગાલ પર થયેલું એક ખીલ ફોડીને આપણે પાર્ટી કરવા માગીએ છીએ કે જુઓ, સરકાર સામે જીત મળી ગઈ! જાણે કે સમસ્યા ફક્ત એક ખીલની હતી. અરે, ખીલ તો લક્ષણ હતું. મૂળ બીમારી, મૂળ સમસ્યા હજુય એેમની એમ છે. હવે જોખમ એ છે કે આ 'જીત' મળવાથી તમે મૂળ સમસ્યાથી વધુ બેખબર થઈ જશો. તમે કહેશો, 'જુઓ, અમે ખીલ ફોડીને ઉકેલ લાવી દીધો છે, હવે ક્યાં કોઈ સમસ્યા બાકી રહી?'
આજના જેન-ઝીની અસલી ટ્રેજેડી આ છે. આનાથી પણ વધારે મોટી ટ્રેજેડી એ છે કે તેમને ખબર જ નથી કે તેઓ આવી કોઈ ટ્રેજેડીનો ભોગ બન્યા છે. જેન-ઝી વાતે-વાતે આઝાદી… આઝાદી કર્યા કરે છે, પણ બોધપૂર્ણ જીવન જીવવાની, પોતાના વિવેક અનુસાર જિંદગી જીવવાની આઝાદી કે આગ્રહ ક્યાં છે?


લીક થયેલું પેપર ખરીદ્યું એ સ્ટુડન્ટ્સ અને એનાં વાલીઓ વિરુદ્ધ ક્યારે પ્રોટેસ્ટ થશે? જેમણે પેપર ખરીદ્યું હતું તેમાંથી કેટલા લોકો પ્રોટેસ્ટ કરવા આવ્યા? આટલા બધા સ્ટુડન્ટ્સને પોલીસ પકડી ગઈ, પણ લીક થયેલું પેપર ખરીદનારા સ્ટુડન્ટ્સ અને એમનાં મા-બાપનાં નામ કોણ લેશે? આ સવાલ આકરો લાગશે, પણ હું પૂછવા માગું છું કે ક્યાંક એવું તો નથી ને કે આ ટોળામાં એવા પ્રોટેસ્ટર્સ પણ હતા જેમને જો કોઈક રીતે પેપર મળી ગયું હોત અને સિલેક્શન થઈ ગયું હોત તો તેઓ કદાચ પ્રોટેસ્ટમાં આવત જ નહીં?
ભૂતકાળમાં એવું કેટલીય વાર થયું હશે કે પેપર ચૂપચાપ લીક થઈ ગયું હોય ને કોઈને ખબર સુધ્ધાં ન પડી હોય. આપણને તો બસ એ જ કિસ્સાની ખબર પડે છે જ્યારે પેપર લીક થાય છે અને સાથે સાથે એ વાત પણ લીક થાય છે કે પેપર લીક થયું! આપણને તો 'ડબલ લીક'ની જ ખબર પડે છે. બહુ બધાં રાજ્યોમાં, બહુ બધાં વર્ષોમાં, બહુ બધી એક્ઝામ્સમાં કેટલાંય પેપર ચુપચાપ લીક થયાં હશે, જેમને ખરીદવાં હતાં તેમણે ખરીદી પણ લીધાં હશે, તેઓ સિલેક્ટ પણ થઈ ગયા હશે અને ડોક્ટર, એન્જિનીયર કે જે બનવું હોય તે બની પણ ગયા હશે. લીક થયેલા પેપરના જોરે બની બેઠેલા ડોક્ટરો-એન્જિનીયરોને તો આપણે ક્યારેય પ્રોટેસ્ટ કરતા જોયા નથી! અંદરખાને ક્યાંક એવું તો નથી કે જેમનું હિત સધાયું નથી તેવા લોકો પ્રોટેસ્ટ કરવા આવ્યા છે?


જેન-ઝીનો આક્રોશ સમજાય એવો છે, તે વ્યાજબી પણ છે, પણ આ આક્રોશ પૂરી સમજણમાંથી પ્રગટયો નથી કે અસલી સમસ્યા શું છે. આ આક્રોશ શેલોનેસ (છીછરાપણા, અધૂરપ)માંથી આવી રહ્યો છે. આ સંદર્ભમાં ભગવદગીતા સૌથી સુંદર ઉદાહરણ છે.
અર્જુન પાસે બે વિકલ્પો હતા. પહેલો વિકલ્પઃ હું યુદ્ધ છોડીને જતો રહું. બીજો વિકલ્પઃ હું યુદ્ધ કરું. કૃષ્ણએ કહ્યું, 'ના, તારે લડવું પડશે.' કૃષ્ણએ અર્જુનને એવું ન કહ્યું કે 'તું અત્યારે જેવો છે એવો ને એવો જ રહીને લડવા માંડ.' કૃષ્ણએ કહ્યું, 'પહેલાં આખી ગીતા સાંભળ, પછી લડ.'
આ જ વાત છે. જો ગીતા સાંભળ્યા વગર (એટલે કે સાચું જ્ઞાન મેળવ્યા વગર) લડશો તો બહુ મોટી ગડબડ થઈ જશે. તરત સામો તર્ક ઊભો થશે કે, 'તો શું આપણે જ્ઞાની અને વિદ્વાન થવાની રાહ જોતાં રહીએ, લડીએ જ નહીં? શું ક્યારેય એવું થઈ શકે કે અમે બધ્ધેબધ્ધા સંપૂર્ણ જ્ઞાની બની જઈએ પછી જ પ્રોટેસ્ટ કરવા નીકળીએ?'
ના. પહેલી વાત, કૃષ્ણએ બધાને નથી કહ્યું કે, 'આવો આવો, ગીતા સાંભળો. પહેલાં ગીતાની એક્ઝામ પાસ કરો ને પછી જ લડવા જાઓ.' ના. કૃષ્ણએ કહ્યું કે જે સર્વશ્રેષ્ઠ છે, જે સૌનું નેતૃત્વ કરવાનો છે, હું એની સાથે વાત કરીશ. કૃષ્ણએ અર્જુનને કહ્યું, 'જ્યાં સુધી તું ગીતામાંથી પસાર નહીં થાય ત્યાં સુધી લડી નહીં શકે. અને હું તને ભાગવા પણ નહીં દઉં. લડવું તો તારે પડશે જ. યુદ્ધસ્વ! લડ, પણ તું અત્યારે જેવો છે એવો ને એવો રહીને નહીં.'
જે ભીડની આંખ ઊઘડી નથી, તે ભીડની આંખ ઉઘાડયા વગર જ રસ્તા પર મોકલી દેવામાં આવ્યા. આ રીતે રસ્તાઓ પર ક્રાંતિઓ નહીં, પણ કેઓસ-અકસ્માતો-દુર્ઘટનાઓ થાય છે.
પાછી દલીલ થશેઃ '…પણ આંખ ખોલવામાં તો ખબર નથી કેટલો સમય લાગી જાય!' કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી તેમાં કેટલો સમય લાગ્યો હતો? કૃષ્ણે અર્જુનને કંઈ એવું નહોતું કહ્યું કે 'ચાલ, પહેલાં મારી સાથે બાર વર્ષની રીટ્રીટ (એકાંતવાસ) પર, અને જ્યારે તું પૂર્ણ જ્ઞાની બની જઈશ, ફક્ત ત્યારે જ તું આવીને યુદ્ધ કરજે.'
આપણે બરાબર જાણીએ છીએ કે ગીતાના ૭૦૦ શ્લોકો સાંભળ્યા પછી પણ અર્જુન પૂર્ણ જ્ઞાની નહોતા બન્યા. મહાભારતના યુદ્ધ પછી અર્જુનને ફરીથી ગીતાના ઉપદેશોની જરૂર પડી હતી. તેથી હું (એટલે કે આચાર્ય પ્રશાંત) જેન-ઝીને એવું નથી કહી રહ્યો કે તમે જ્યારે પૂરી રીતે તમે લિબરેટેડ (મુક્ત) કે રિયલાઈઝ્ડ (આત્મજ્ઞાની) થઈ જાઓ ફક્ત ત્યારે જ લડવા જજો. હું કહી રહ્યો છું કે, કમસે કમ અર્જુન જેવા તો થઈ જાઓ! જિંદગીમાં એક ન્યૂનતમ સ્તરની સ્પષ્ટતા તો લાવો! પછી તમે લડો, અને ત્યારે તમે એવા લડશો કે તમને કોઈ રોકી નહીં શકે. અર્જુનની જેમ તમને કૃષ્ણની જરૂર પડવાની છે. કૃષ્ણ એટલે કોઈ વ્યક્તિ નહીં, કૃષ્ણ એટલે એક દિશા. આંતરિક સ્પષ્ટતાની દિશાને જ 'કૃષ્ણત્વ' કહે છે.