Editorial

શાઓલિન ફિલોસોફીઃ આપણને સૌથી વધારે પીડા આપણું પોતાનું મન આપે છે...

By GS Team
4 Jul 20266 mins read
TukuTouch Logo
શિશિર રામાવત 'ગુજરાત સમાચાર'માં શાઓલિન ફિલોસોફી અને ઉપનિષદોની તુલના રજૂ કરે છે. શાઓલિન માસ્ટર શિ હેન્ગ યીના મતે, સૌથી ખતરનાક વ્યક્તિ તે નથી જેણે તમને દુઃખ આપ્યું, પણ તમે પોતે છો, જે ઘાને વારંવાર ખોતરે છે. તેઓ માફી અને આત્મરક્ષણ વચ્ચેનો ભેદ સમજાવે છે. આ લેખમાં મન અને તેની કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાઓલિન ફિલોસોફીઃ  આપણને સૌથી વધારે પીડા આપણું પોતાનું મન આપે છે...

વાત-વિચાર-શિશિર રામાવત
શાઓલિન ફિલોસોફી મન વિશે વાત કરે છે, જ્યારે ઉપનિષદો પૂછે છે, 'આ મન કોણ છે?' શાઓલિન કહેશે, 'હું મારા મનને કેવી રીતે કેળવું જેથી તે સ્થિર, શિસ્તબદ્ધ અને મક્કમ બને?' જ્યારે ઉપનિષદો પૂછશે, 'આ 'મારું મન' એવું કહેનાર તત્ત્વનું સાચું સ્વરૂપ શું છે?'
શિ હેન્ગ યી

આપણે ઝેન બુદ્ધિઝમ વિશે જાણ્યું-વાંચ્યું છે, આપણે કુંગ ફુ માર્શલ આર્ટ્સ વિશે જોયું-સાંભળ્યું છે. આ બન્નેના કોમ્બિનેશનમાંથી એક દર્શન પેદા થયું છે, જે શાઓલિન ફિલોસોફી તરીકે ઓળખાય છે. આ પ્રાચીન જીવનદર્શન છે જે મન, શરીર અને આત્માના સંતુલન માટે એક અત્યંત શિસ્તબદ્ધ માર્ગ સૂચવે છે. શિ હેન્ગ યી ૧૫૦૦ વર્ષ જૂની આ શાઓલિન ફિલોસોફીના વર્તમાનનો એક જાણીતો ચહેરો છે. સોશિયલ મિડીયા પર એમના નાના અને વિસ્તૃત વીડિયો ખૂબ જોવાય છે. જ્યારે ભારતની બહારની ભૂમિમાંથી ઉદ્ભવેલા જીવનદર્શનની વાત આવે ત્યારે સહેજે સવાલ થાય કે આપણાં ઉપનિષદ-વેદાંતના સંદર્ભમાં તેને કઈ રીતે નિહાળવું જોઈએ? આનો જવાબ મેળવતાં પહેલાં આપણે શિ હેન્ગ યીએ કહેલી કેટલીક વાતો સાંભળીએ. કોઈએ તમારું દિલ દુભાવ્યું હોય, તમને દુઃખ આપ્યું હોય ત્યારે શું કરવાનું? શિ હેન્ગ યી કહે છે…


તમારા જીવનમાં આવેલો સૌથી ખતરનાક માણસ એ નથી જેણે તમારી સાથે દગો કર્યો હતો. સૌથી ખતરનાક તો તમારું જ એ સ્વરૂપ છે, જે વારંવાર પોતાના ઘાને ઉઘાડીને તપાસ્યા કરે છે કે હજુ પણ દુઃખ થાય છે કે નહીં? તમારી સાથે ખોટું કરનારો માણસ તો ખોટું કરીને જતો રહ્યો, પણ તમારા આ ઘા ત્યાં સુધી તાજો રહે છે, જ્યાં સુધી તમે ઘાને ખોતર્યા કરશો.
આપણને સતત થયા કરતું હોય છે કે આ દુનિયા બહુ જાલિમ છે. લોકોએ મારી સાથે નરમાશથી, સારી રીતે વર્તવું જોઈએ. આપણે રાહ જોઈએ છીએ કે લોકો આપણને સમજે. આપણે રાહ જોતાં રહીએ છીએ કે જે લોકોએ આપણને દુઃખ પહોંચાડયું છે તે સામેથી આવીને આપણી માફી માગે. યાદ રહે, આવું ક્યારેય થવાનું નથી. રાત્રે સૂતાં પહેલાં આપણા મનમાં એ જ જૂની રેકોર્ડ ફરી ફરીને વાગ્યા કરે છે. આપણે ખુદને પૂછ્યા કરીએ છીએઃ પણ એણે આવું કેમ કહ્યું? ફલાણો આવું કેમ બોલ્યો? એણે મારી સાથે આવું કેમ કર્યું? મારામાં શું ખામી હતી? મેં તેના પર વિશ્વાસ કર્યો જ કેમ? થતું હોય છે એવું કે આપણું મન સંતાપથી સળગી રહ્યું હોય ને સામેવાળો માણસ તો કદાચ ટેસથી ઊંઘતો હોય.
તમારા સહકાર વગર, તમારી પરવાનગી વગર કોઈ તમને સતત દુઃખી રાખી શકતું નથી. હા, કોઈ તમને દુઃખ પહોંચાડી શકે. કડવા શબ્દો બોલી શકે. તમને ત્યજી શકે. દગો આપી શકે. તમારી મજાક ઉડાવી શકે. તમારી અવગણના કરી શકે. તમારા માટે ગેરસમજ કરી શકે. તમારા પર આરોપ મૂકી શકે. આ એક તીર છે, જે સામાવાળાએ તમને માર્યું હતું… પરંતુ પછી એક બીજું તીર પણ હોય છે, જે એક ક્ષણને અથવા તો આખી જિંદગીની જેલ બનાવી શકે છે… અને ઘણી વાર આ બીજું તીર તમારા પોતાના જ હાથમાં હોય છે.
ગુડ ન્યુઝ આ છેઃ બીજું તીર મેં જ પકડી રાખ્યું તે સમજાવું, આવી પ્રતીતિ થવી તે મુક્તિની શરૂઆત છે, કારણ કે જો એ તીર તમે પકડી રાખ્યું હોય, તો તેને નીચે મૂકવાની શક્તિ પણ તમારા હાથમાં હોવાની જ. ઠીક છે, અપમાન થયું, દગાબાજી થઈ, વિશ્વાસ તૂટયો. તો? આ બધું તો ઓલરેડી થઈ ચૂક્યું છેને? હવે એનું શું છે? પીડાની લાગણી જાગે છે. ભલે જાગે. દુઃખના તરંગો પેદા થાય છે. ભલે પેદા થાય. તેનાથી ભાગવાનું નથી. શાંતિથી દુઃખની એ લાગણીની બાજુમાં બેસો. એને જુઓ. એને સાંભળો. તમારું મન તરત બોલશે, 'પણ ના, પેલાએ મારી સાથે આવું કર્યું, એની જ ભૂલ છે…'
હા, માની લીધું કે એણે એવું કર્યું જ હશે, એની જ ભૂલ હશે… પણ હવે તમે શું કરી રહ્યા છો? જૂની યાદોને ફરી ફરી જીવીને ઘાને તાજો શા માટે રાખો છો? અપમાનની ક્ષણોને વારંવાર યાદ કરીને તેને વધુ ધારદાર શા માટે બનાવો છો? કોઈ તમારા શરીર પર કાદવ ચોપડી ગયું હતું, પણ પણ જો તમે દરરોજ સવારે ઉઠીને એ જ કાદવ ઉપાડીને ફરી ફરીને પોતાના શરીર પર ચોપડતા રહેશો, તો તમને ગંદા કરવાનું કામ હવે કામ કોણ કરી રહ્યું છે?
દુનિયા તમને કદાચ એક વાર ઘાયલ કરે, પરંતુ તમારું ખુદનું મન તમને હજાર વખત ઘાયલ કરી શકે. મનને તેથી જ કેળવવું પડે છે, તાલીમ આપવી પડે છે.
તમે કહેશો, 'પણ શબ્દો તો દુઃખ પહોંચાડે છે.' હા, પહોંચાડે છે, પણ શબ્દો ત્યારે જ દુઃખ પહોંચાડી શકે છે, જ્યારે આ શબ્દોને તમારી જ ભીતરથી સમર્થન મળતું હોય. કોઈ આકાશને ગંદું કહે, તો આકાશ કંઈ ધૂ્રજી ઉઠતું નથી. કોઈ પર્વતને નબળો કહે, તો પર્વત કંઈ સંકોચાઈ જતો નથી, પણ જો કોઈ તમને કહે કે 'તું તો સાવ નકામો છે', તો તમે કાંપી ઉઠો છો, કેમ કે તમારી અંદર કોઈ ગુપ્ત ખૂણો પહેલેથી જ એ વાતથી ડરતો હશે કે કદાચ આ સાચું હોય તો? હું ખરેખર નકામો હોઈશ તો? આવી સ્થિતિમાં સામેવાળાનો શબ્દ તલવાર બની જાય છે. ખરું કામ દરેક માણસનું મોઢું બંધ કરવા જવાનું નથી. ખરું કામ તો તમારા અંદરના એ છુપાયેલા સ્વીકારને દૂર કરવાનું છે, જે કડવા શબ્દોને સાચા માની લે છે.


તમે કોઈને સમજો છો, એના પ્રત્યે સંવેદના ધરાવો છો, પણ એનો અર્થ એવો નથી કે તમે એને વારંવાર તમારા પણ ઘા કરવાની છૂટ આપી દીધી છે. સાપ શા માટે કરડે છે, એ તમે સમજી શકો છો. તમે સાપને છાતી સાથે ચાંપી રાખતા નથી, ખરું? આગ દઝાડે છે એવું જાણ્યા પછી પણ તમે આગમાં હાથ નાખવાનું બંધ કરી દો છો, રાઇટ? મોટાભાગના લોકો અહીં જ ગૂંચવાઈ જાય છે. તેમને લાગે છે કે માફ કરવાનો અર્થ છે ફરી એ જ સંબંધમાં પાછા જવું, જે ઓલરેડી દુઃખ આપી ચૂક્યો છે. ફરી એ જ મેસેજના જવાબ આપવા, ફરી એ જ દરવાજો ખોલવો…
ના. માફી એટલે અંદરથી મુક્ત થવું. માફી કહે છે, 'હું સામેની વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ રાખીને મારી જાતને ઝેરી નહીં બનાવું.' વિવેકબુદ્ધિ કહે છે, 'હું ફરીથી એ જ રીતે મારી જાત પર ઘા પડવા નહીં દઉં.' આ બંને વાતો સાથે રહી શકે છે. એક હૃદયને સ્વચ્છ કરે છે. બીજી જીવનને સુરક્ષિત રાખે છે.
જરા જુઓ, તમને સૌથી વધારે શું દુઃખ પહોંચાડે છે? ઘણી વખત કારણ એ નથી હોતું કે સામેવાળાએ કશુંક કહ્યું. કારણ એ હોય છે કે સામેવાળાના શબ્દોએ તમારા અંદરના કોઈ જૂના ડરને સાચો ઠરાવી દીધો. શાણો માણસ માત્ર એટલું નથી પૂછતો કે, 'મને દુઃખ કોણે પહોંચાડયું?' તે બીજો પ્રશ્ન પૂછે છેઃ 'આ દુઃખ મારી અંદર કયા દરવાજેથી પ્રવેશ્યું? મારી કઈ માન્યતાએ એ દરવાજો ખોલ્યો? કયા ડરે તેને અંદર આવવા દીધું? મારો કયો જૂનો ઘા જાગી ઊઠયો અને બોલ્યો, હા, હું આ પીડાને ઓળખું છું?'
જે દિવસે તમને આ દરવાજો મળી જશે, એ દિવસથી મુક્તિની શરૂઆત થશે!


તો આ હતા શાઓલિન માસ્ટર શિ હેન્ગ યીની વાણી. શાઓલિન ફિલોસોફી મન વિશે વાત કરે છે, જ્યારે આપણાં ઉપનિષદો પૂછે છે, 'આ મન કોણ છે?' શિસ્ત, લાગણીઓનું નિરીક્ષણ, સાતત્ય, સ્થિરતા, ક્ષણિક આવેગો પર કાબૂ મેળવવો - આ બધાં શાઓલિન જીવનદર્શનનાં વિષયો છે. ઉપનિષદો આનાથી પણ એક ડગલું આગળ વધવાનું કહે છે અને સવાલ કરે છે, 'એ કોણ છે જે શિસ્તબદ્ધ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે?' શાઓલિન કહે છે, તમારા શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન આપો, તમારા વિચારોનું નિરીક્ષણ કરો, અસ્વસ્થતા કે તકલીફ વચ્ચે પણ સ્થિર બેસો, શિસ્ત કેળવો, તમારા શરીર અને મનને ટ્રેનિંગ આપો. ભગવદ્ ગીતા-વેદાંત-ઉપનિષદો આત્મનિરીક્ષણ કરવાનું તો કહે જ છે, પણ ત્યાં એ અટકી જતાં નથી. તેઓ પૂછે છે, 'નિરીક્ષણ કરનાર (સાક્ષી) કોણ છે? અહંકાર એટલે ખરેખર શું? જ્યારે મન સાથેની આપણી ઓળખ ઓગળી જાય, ત્યારે પાછળ શું બચે છે?' શાઓલિન કહેશે, 'હું મારા મનને કેવી રીતે કેળવું કે જેથી તે સ્થિર, શિસ્તબદ્ધ અને મક્કમ બને?' જ્યારે વેદાંત કહેશે, 'આ 'મારું મન' એવું કહેનાર તત્ત્વનું સાચું સ્વરૂપ શું છે?'
ખરેખર, જીવનદર્શનના વિશ્વમાં જેટલી ડૂબકી મારીએ એટલી ઓછી.