Editorial

ઈસરોનું ખાનગીકરણ કરી જ્યોતિષીઓ સાથે ટાઈઅપ

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
ઈસરોના ખાનગીકરણની ચર્ચાને પગલે સાયન્સ અને ટેકનોલોજી ખાતામાં પેંડા વહેંચાયા હતા. કર્મચારી યુનિયનોએ ખાનગીકરણની રજૂઆત કરતા દેશભરમાં વિજ્ઞાન-ટેકનોલોજીની ચર્ચા જામી છે. કેટલાક કર્મચારીઓએ ઈસરોના ખાનગીકરણ બાદ રોકેટ પ્રી-વેડિંગ શૂટ માટે ભાડે આપવા અથવા જ્યોતિષીઓ સાથે ટાઈઅપ કરી કમાણી કરવા જેવા વિચારો રજૂ કર્યા હતા. જોકે, ખાનગીકરણથી છટણી અને કામના ભારણની ચિંતા પણ વ્યક્ત થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈસરોનું ખાનગીકરણ કરી જ્યોતિષીઓ સાથે ટાઈઅપ
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • ભવિષ્યમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ઈસરોનાં રોકેટ ભાડે આપી શકાશે

સાયન્સ અને ટેકનોલોજી ખાતામાં પેંડા વહેંચાયા. 'અભિનંદન… અભિનંદન. આ દેશમાં આખરે સાયન્સ અને ટેકનોલોજી ચર્ચામાં આવ્યાં.'
એક કર્મચારી એકને બદલે બે પેંડા મોઢે પધરાવતાં કહે, 'શું થયું, આપણે કોઈ નવું ઈનોવેશન કર્યું કે સરકારે આખરે આપણા ડિપાર્ટમેન્ટનું બજેટ વધાર્યું?'પેંડા વહેંચનારા અધિકારી કહે, 'અરે ના યાર, આ તો ઈસરોનું ખાનગીકરણ થવાનું છે એવી કર્મચારી યુનિયનોએ રજૂઆત કરી છે તેને પગલે દેશભરમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીની ચર્ચા જામી છે.'
'ખાનગીકરણ? એકલા ઈસરોનું કે સમસ્ત વિજ્ઞાાન-ટેકનોલોજી વિભાગનું? આખા ડિપાર્ટમેન્ટનું ખાનગીકરણ થવાનું હોય તો હું ચાર પેંડા ખાઈશ. કમસે કમ સરકારી યોજનાઓની રીલ અને મંત્રીઓનાં ભાષણો સોશિયલ મીડિયામાં શેર કરવાનું કામ તો નહીં કરવું પડે.' એક કર્મચારીએ હરખ વ્યક્ત કર્યો.
જોકે, એક ડાયાબિટીક કર્મચારીએ ચેતવ્યા. 'જો જો, ખાનગીકરણ કાંઈ ગજકેસરી યોગ નથી કે લોટરી લાગી જાય. પછી આટલી રજાઓ ન મળે, થોડુંક કામ પણ કરવું પડશે ને છટણીની તલવાર તો લટકતી જ રહેશે.'
ત્યાં એક કર્મચારી કહે , 'યાર, આ ગજકેસરી યોગ પરથી યાદ આવ્યું. સરકારને ખાનગીકરણ કરી પૈસા જ કમાવા છે તો ઈસરોને કોઈ કંપનીઓેને સોંપી દેવાને બદલે દેશભરના જ્યોતિષીઓ સાથે ટાઈઅપ કરે તો? જ્યોતિષીઓને 'ઈસરો માન્ય જ્યોતિષી'નું સર્ટિર્ફિકેટ આપવાના જ કેટલા બધા પૈસા મળશે. પછી આ ઈસરો માન્ય જ્યોતિષીઓ એવી જાહેરાતો કરી શકશે કે તમને મંગળ નડતો હોય તો અમે છેક મંગળ પર જઈને તેને ઠીક કરી આવીશું કે જેને શનિ નડતો હોય તેના માટે અમે ઈસરોની મદદથી શનિની વક્રી ગતિને માર્ગી કરી દેતું રોકેટ ચોક્કસ મુહૂર્તમાં છોડાવીશું. સાચું કહું છું કે આ જ્યોતિષીઓ સાથે ટાઈઅપમાં જ ઈસરો એટલી કમાણી કરશે કે ભવિષ્યમાં ઈસરોએ બેન્કના ધંધામાં પણ ઝંપલાવવું પડશે.'
બીજા કર્મચારી બોલી ઉઠયા. 'આવી લોકલક્ષી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ તો બીજી અનેક રીતે થઈ શકે તેમ છે. હવે લોકો ડુંગરા ને દરિયા પર પ્રિ વેડિંગ શૂટ કરીને કંટાળી ગયા છે, તો ઈસરો પ્રિ વેડિંગ શૂટ માટે તેનાં રોકેટો પણ ભાડે આપી શકે. સેલિબ્રીટીઓને ઈચ્છે તો પોતાની સાથે ચન્દ્ર પર શૂટ માટે લઈ જાય. રેલવેના જૂના ડબ્બાઓની જેમ ઈસરોનાં જૂનાં રોકેટમાં પણ રેસ્ટોરાં ખુલે તો પબ્લિકને પણ અવકાશી ભોજનની અનુભૂતિ મળે.'
ત્યાં એક કર્મચારી આવીને કહે, 'યાર, ભવિષ્યમાં તો ઈસરોનું ખાનગીકરણ થયા પછી વિજય માલ્યા કે નિરવ મોદી જેવા મહારથીઓ પોતે જ રોકેટ બનાવવાના ધંધામાં ઝંપલાવી, પોતે જ એ રોકેટમાં બેસીને ક્યાંક કાયમ માટે બુધ કે શુક્ર પર ન જતા રહે.'
બીજો કર્મચારી કહે, 'એવું નહિ થાય. પેલા સુભાષ ચન્દ્રાને ૨૨,૦૦૦ કરોડની લોન સામે છ જ કરોડ ભરવાના આવે એવી સ્કિમ કાઢશું તો ભલભલા ઉદ્યોગપતિઓ શુક્ર ને મંગળ તો શું છેક સાતમી આકાશગંગામાંથી પણ અહીં પાછા આવશે.'
આ વાત પર તો આખું પેંડાનું પેકેટ ખાલી થઈ ગયું.
આદમનું અડપલું
માન-સન્માન, ઈનામ-અકરામ, કદર-કમાણી આ બધી રીતે આપણા દેશમાં વિજ્ઞાાનીઓના ગ્રહ સૌથી નબળા છે