સાંસદો-ધારાસભ્યોની લે-વેચ, પક્ષપલટા વગેરે કપટલીલાનાં લેખાંજોખાં

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હાર્યાં કે તરત તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સભ્યો દ્વારા પક્ષ છોડવાની કવાયત શરૂ થઇ ગઇ. એની ચર્ચા પૂરી થાય એ પહેલાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને અખિલેશ યાદવના સમાજવાદી પક્ષમાં તડાં પડવાના શરૂ થયા. શાસક પક્ષ અમારા સાંસદોને ફોડે છે અને પક્ષપલટા કરાવે છે એવું વિપક્ષોનું કલ્પાંત શરૂ થઇ ગયું. થોડી વાર માટે માની લો કે શાસક પક્ષ ભાજપ આ બધું કરાવી રહ્યો છે પણ આ પ્રકારની કપટલીલા શરૂ કોણે કરી? જરા વીતી ગયેલી ગઇ કાલનો ઇતિહાસ તપાસો જોઉં.
પક્ષ તોડવાની રમત સૌ પ્રથમ ૧૯૬૭-૬૮માં શરૂ કરી કોંગ્રેસના વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ. પોતાનાજ પક્ષના બે ફાડિયાં કરીને વડીલ વયના નેતાઓને પડતા મૂક્યા. બે કોંગ્રેસ સ્થપાઇ- ઇંદિરા કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ. એટલે લાંબે ન જવું હોય તો ગઇ કાલની વાત કરીએ. ૧૯૯૯ના એપ્રિલની ૧૭મી તારીખ. ભાજપના સૌથી સૌમ્ય અને કવિહૃદયના નેતા અટલ બિહારી વાજપેયીની સરકારે બહુમત પુરવાર કરવાના હતા. એ સમયે કોંગ્રેસના હાલના સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી અને એમની ટોળકીએ કપટી કાવાદાવા કર્યા હતા. કોંગ્રેસના ઇશારે પહેલાં તામિલનાડુના મુખ્ય પ્રધાન અભિનેત્રી કમ પોલિટિશિયન જયલલિતાએ વાજપેયી વિરુદ્ધ મત આપ્યો. પછી એનડીએમાં ભાગીદાર હોવા છતાં ફારુખ અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સના સૈફુદ્દીન સોઝે વાજપેયી વિરુદ્ધ મત આપ્યો. પરાકાષ્ઠા ક્યારે આવી? વાજપેયી જે એક મતે હાર્યા એ મત કોંગ્રેસના એક નેતા ગિરિધર ગોમાંગનો હતો. આ માણસ કાયદેસર રીતે નિષ્ક્રિય સાંસદ હતો. કારણ? એણે નવેસર ચૂંટણી લડીને ઓરિસાના મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા. આમ એ એક્ટિવ (સક્રિય ) સાંસદ નહોતા. એ સાંસદ અને મુખ્ય પ્રધાનપદ બબ્બે સ્થાન ભોગવી શકે નહીં, લોકસભામાં મતદાન કરી શકે નહીં. છતાં, સોનિયા ગાંધીના કહેવાથી એ લોકસભામાં આવ્યા. વાજપેયીએ એમને જોયા. એ સમયે વાજપેયીએ સૌમ્ય ભાષામાં કહેલું કે હું આશા રાખું છું કે સોનિયા ગાંધી અને ગિરિધર ગોમાંગ નીતિમત્તા ધ્યાનમાં રાખીને વર્તશે. ગિરિધર ગોમાંગ હાલ ઓરિસાના મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લઇ ચૂક્યા છે એટલે એ નૈતિક દ્રષ્ટિએ લોકસભામાં મતદાન કરી શકે નહીં.
કવિહૃદય ધરાવતા બિચારા વાજપેયી ભૂલી ગયા કે નીતિ અને કોંગ્રેસને બાપે માર્યા વેર છે. સૌમ્ય ભાષામાં કહીએ તો કોંગ્રેસ અને નીતિ વચ્ચે કરોડો ગાઉનું અંતર છે. ગોમાંગે ધરાર વાજપેયી સરકાર વિરુદ્ધ મત આપ્યો અને એમના માત્ર એક મતથી વાજપેયીજી પરાજિત થયા. મિડીયા સાથે વાત કરતી વખતે વાજપેયીજીની આંખોના ખૂણા ભીના હતા. આજે કેન્દ્ર સરકાર સંસદનાં બંને ગૃહોમાં બહુમતી મેળવીને રાષ્ટ્રના હિતમાં કેટલાક ક્રાન્તિકારી પગલાં લેવા માગે છે. એ પગલાં લેતાં સરકારને અટકાવવા વિરોધ પક્ષો સંગઠિત થવા મથે છે, પણ થઇ નથી શકતા. દરેકનો અહં માઉન્ટ એવરેસ્ટ જેટલો ઊંચો છે.
શાસક પક્ષ એ હકીકત જાણે છે એટલે ગઇ કાલ સુધી જે કપટલીલા કોંગ્રેસ અને એના સાથી પક્ષો આચરતા હતા એ આજે શાસક પક્ષ આચરી રહ્યો છે એમ વિપક્ષો માને છે. પોતાના પગ નીચે રેલો આવ્યો એટલે વિપક્ષો ઘાંઘા થઇ ગયા. મુંબઇમાં તો એક પક્ષના સાંસદે મિડીયા સમક્ષ બોલતાં ગાળોનો વરસાદ વરસાવ્યો. એ દેખાડે છે કે આ લોકોના સંસ્કાર કેવા છે. વિપક્ષી ગઠબંધનને આ લેખકે સદાય શંભુમેળા જેવું ગણાવ્યું છે. ગઇ કાલ સુધી જે મમતા, રાહુલ ગાંધીની આકરી ટીકા કરતાં હતાં એ મમતાને આજે કોંગ્રેસની જરૂર પડી છે. બીજી બાજુ દક્ષિણ ભારતમાં એક શાસક પક્ષે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો. ગઇ કાલ સુધી આ પક્ષ કોંગ્રેસનો સાથી પક્ષ હતો. પોતાના સંકુચિત વિચારો અને પગલાંથી કોંગ્રેસ આજે પોતાની રહી સહી પ્રતિષ્ઠા પણ ધૂળમાં મેળવી રહી છે.
આવા સંજોગોમાં સામાન્ય માણસે કેન્દ્રના શાસક પક્ષને ધરખમ ટેકો આપવો જોઇએ. કોમન સિવિલ કોડ, સીએએ (સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ), એનઆરસી (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ) વગેરે પગલાં દેશના અને આપણા સૌનાં હિતમાં છે. વિદેશી સત્તાઓ આપણા અસંતુષ્ટ વિપક્ષોને ટેકો આપીને ભારતને કમજોર બનાવવાના કાવાદાવા કરે છે. વિદેશોમાંથી મબલખ નાણાં મેળવીને કેટલીક કહેવાતી એનજીઓ દેશ વિરોધી કાર્યો કરે છે. એ બધાં સફળ થાય એ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા આવાં નક્કર પગલાં લેવાઇ જાય એ આપણા સૌના હિતમાં છે. માટે જાગીએ અને સંગઠિત થઇએ.









