છાપામાં ખાણું વિંટાળશે એ જેલમાં દિવસો ગાળશે

- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી
ભારતમાં બે જ ચીજ ઝડપથી વધે છેઃ એક પસ્તી અને બીજી વસતી. આજનું તાજા સમાચારથી તમતમતું છાપું આવતીકાલે પસ્તી બની જાય છે. બીજે દિવસે ભલે છાપાની કિંમત ન રહે, પણ પસ્તીના પૈસા આવે છે. અમારા એરિયામાં છેલ્લાં લગભગ ચારેક દાયકાથી રદ્દી અને ભંગાર લેવા લારી લઈને આવતો રમુ રદ્દીવાળો સવારમાં ટહેલ ના, 'રદ્દીવાલા... રદ્દી આપો, રોકડા કરો... ભંગાર આપો, ભાવમાં ઠરો...'
પથુકાકાનું ઘર રસ્તા પર પડે એટલે રમુ રદ્દીવાળો કોણ જાણે રોજ લારી ઊભી રાખી રાડ પાડે, 'કાકીબા, ભંગાર છે... રદ્દી છે...'
ત્યારે કાકીબા ખીજાઈને જવાબ આપે, 'ભંગાર નથી... તારા કાકા માર્કેટ ગયા છે, પછી આવજે... અમથો માથું ખા મા...'
આ સાંભળી રમૂજી રમુડો દાંત કાઢીને ટકોર કરે, 'શું કાકીબા... તમે અમારા સાર્વજનિક કાકાને ભંગારમાં ખપાવી દીધા...'
આજ રોજની જેમ રમુ ગયો પછી પથુકાકા ગરમાગરમ ગાંઠિયા લઈને આવ્યા. રવિવારે રજામાં પથુકાકાના ઘરે ફાફડા-ગાંઠિયા અને જલેબીની ઉજાણી થાય. પથુકાકા જેવું છાપામાં બાંધેલું ગાંઠિયાનું પડીકું ખોલે એટલે બધા 'યા હોમ... કરીને હોમમાં એટલે ઘરમાં ગાંઠિયા અને તળેલાં મરચાં પર તૂટી પડે.
આજે પડીકું ખોલ્યું ત્યારે ગાંઠિયા ઉપર કાળાં કાળાં ટપકાં જોઈને મેં કાકાને પૂછયું, 'શું વાત છે? આજે ડબલ મરીવાળા ફાફડા લાવ્યા લાગો છો? સાચું કે નહીં?'
કાકા તાડૂક્યા, 'એલા, તું ક્યાં ડબલ મરી ડબલ મરી કરવા માંડયો છે? ડબલ મરી કે ડબલ જીવતી કાંઈ નથી, આ તો કનુ કંદોઈએ ગરમાગરમ ગાંઠિયા છાપામાં વીંટાળીને આપ્યા એમાં છાપાની શાહી ગાંઠિયા ઉપર લાગી છે. મરી નથી, સમજ્યો? હવે ખાવા માંડ ડહાપણ કર્યા વિના, નહીંતર તું મરી ગણતો રહીશ અને અમે ત્યાં સુધીમાં ફાફડા પેટમાં પધરાવી દઈશું, સમજ્યો?'
મેં કહ્યું, 'કાકા, તમે તો ખરા છો હો? શું અમારે આ ગાંઠિયાની સાથે કાળી શાહી પણ પેટમાં પધરાવીને પચાવવાની?'
સવાલ સાંભળી કાકા તરત બોલ્યા, 'આઝાદીના પોણોસો વર્ષ થયાં છતાં હજી આપણે લોકશાહી પચાવી નથી, એટલે લોકશાહી નહીં, હવે શાહી પચાવતાં શીખો. અને ગાંઠિયાનું લોકશાહીના રંગે રંગાયેલું સૂત્ર યાદ કરો-
લોકશાહીમાં બડેખાં
બની જાય છે બાંઠિયા,
હવે ચૂપચાપ પેટમાં પધરાવો
શાહીવાળા ગાંઠિયા.'
હમણાં એવું થયું કે પંદર દિવસ બહારગામ ગયો હતો એટલે પરણવીર પથુકાકાને મળાયું નહોતું. એટલે આગલી રાતે ઘરે મોડો પહોંચ્યો છતાં સવારે આઠ વાગ્યે કાકાને ઘરે પહોંચી ગયો. શરીરમાં વિટામિન 'ડી'ની ઉણપ હોવાથી ડોક્ટરની સલાહ મુજબ બાલ્કનીમાં કુમળો તડકો ખાતા હતા. તડકો ખાતા હતા એતો જાણે સમજ્યા, પણ તાજા ફાફડા-ગાંઠિયાનું પડીકું લાવ્યા હતા એ ખોલીને ગાંઠિયા કાઢતા જાય અને સૂરજ સામે ધરીને કાંઈક ગણગણતા જાય.
મને ભારે નવાઈ લાગી. મેં પૂછયું, 'તમારા ગોઠણની જેમ ગાંઠિયામાં પણ વિટામિન 'ડી'ની કમી છે તે તડકા સામે ધરીને કંઈક મંત્ર ગણગણો છો?'
મારો સવાલ સાંભળી ખડખડાટ હસી પથુકાકા બોલ્યા, 'ભાઈ, હું કાંઈ ગાંઠિયાને તડકો નથી ખવડાવતો, હું તો ગાંઠિયા પર છપાયેલા સમાચાર વાંચું છું. ઈરાને ડ્રોનથી હુમલો કર્યો... ટ્રમ્પે ફેરવી તોળ્યું... કોકરોચ જનતા પાર્ટીએ માથું ઊંચક્યું...'
મેં નવાઈભેર પૂછયું, 'આ તમે સમાચાર છાપેલા પ્રિન્ટેડ ગાંઠિયા ક્યાંથી લઈ આવ્યા?'
કાકા બરાડયા, 'અરે મૂરખ, પ્રિન્ટેડ ગાંઠિયા નથી, આ તો રમુ કંદોઈને ત્યાંથી ગરમાગરમ ગાંઠિયા છાપામાં વીંટાળીને લાવ્યો એટલે ગરમ ગાંઠિયા પર સમાચારની પ્રિન્ટ ઉપસી આવી. એટલે હવે એક કાંકરે બે પક્ષી મારું છું. ગાંઠિયા પણ ખવાય અને સમાચાર પણ વંચાય... બોલ, કેવો આઈડિયા?'
હજી હું પ્રિન્ટેડ ગાંઠિયાથી પેટમાં નુકસાન થાય છે એ કહેવા જાઉં ત્યાં તો કાકા સાતમો ફાફડો ઉઠાવીને રોઈ પડયા અને ગળગળા સાદે બોલ્યા, 'મચ્છર ગયા... મચ્છર ગયા...'
મેં કાકાને છાના રાખતાં કહ્યું, 'કહો તો ખરા, મચ્છર ક્યાં ગયા? કયા મચ્છરની વાત કરો છો?'
કાકા આંખો લૂછતા બોલ્યા, 'આ જો, ગાંઠિયા પર મરણનોંધ છપાઈ છે, અમારા ભુજના પાડોશી મનુ મચ્છર ગુજરી ગયા એની મરણનોંધ છે...'
મેં કહ્યું, 'કાકા, ઈ તમારા જૂના પાડોશી બે વર્ષ પહેલાં દેવ થઈ ગયા. આ તમને જે છાપાની પસ્તીમાં ગાંઠિયા વીંટાળીને આપ્યા એ એકાદ વરસ જૂનું છાપું છે. જુઓ, આ ઉઠમણાની તારીખ વાંચો અને છાના રહી છાનામાના ગાંઠિયા ખાઈ લો.'
હું એક વાર કાકા સાથે રમુભાઈ રમૂજી કંદોઈની દુકાને ગયો. સવારે હજી વહેલું હતું એટલે રમુભાઈ છાપાની પસ્તીનું વ્યવસ્થિત કટિંગ કરતા હતા. ગાંઠિયા માટે ચોરસ અડધા પાનાની થપ્પી બનાવી હતી અને ગાંઠિયા સાથે તીખાં તળેલાં મરચાં બાંધવા માટે અત્યંત જાળવીને છાપાના કટકા કરતા હતા. મેં પૂછયું, 'આમ કેમ આટલું ધ્યાનથી કટિંગ કરો છો?'
રમુભાઈ હસીને બોલ્યા, 'જો ભાઈ, ગાંઠિયા સાથે તીખાં ગોંડલના મરચાં આપું એ કદાચ બધાને ન પણ સદે. એટલે છેલ્લા ૪૦ વર્ષથી હરસ મટાડતા જૂના વૈદરાજ કાયમ ટચુકડી જાહેરખબર આપે છે ને? એના નાનકડા કટિંગમાં વીંટાળીને આપું છું. એટલે ન કરે નારાયણ અને કોઈને તીખાશથી તકલીફ થાય તો તરત આપેલા સરનામે વૈદરાજ પાસે જઈ શકે. ગાંઠિયા ખાઈને હર્ષના આંસુ આવે અને મરચાં ખાઈને હરસનાં આંસુ આવે, ઈ સીધા વૈદરાજ પાસે દોડી જઈ શકે ને?'
પથુકાકા ખાવાના અને માથું ખાવાના શોખીન. છેલ્લા અઠવાડિયાથી કહેતા હતા, 'મુંબઈના દાદરના અસ્સલ વડા-પાંઉ ખાવા લઈ જા, વડા-પાંઉ ખાવા લઈ જા...' એટલે એક દિવસ ટાઈમ મળતાં કાકાને લઈને પહોંચ્યો દાદરના વડા-પાંઉના સ્ટોલ ઉપર. ગરમાગરમ તળાતાં વડાની સોડમ આવતી હતી, કાકાના મોંમાંથી પાણી આવતું હતું અને ધીરજ ખૂટતી હતી. મેં કાકાનું ધ્યાન બીજે ફેરવવા કહ્યું, 'કાકા, આ વડા ખાવા માટે મોટા પ્રધાન પણ આવે છે હો?'
કાકા બોલ્યા, 'વડાપ્રધાને બંગાળની ઝાલ-મુડી ફેમસ કરી દીધી એમ પ્રધાનોએ આ વડા ફેમસ કર્યા લાગે છે, ખરું કે નહીં?' કાકાએ વાક્ય પૂરું કર્યું ત્યાં પ્લાસ્ટિકની ડિશમાં વડા-પાંઉ અને ચટણી આવી ગયા.
મેં વડા-પાંઉના સ્ટોલવાળાને પૂછયું, 'અત્યાર સુધી તો છાપામાં વીંટાળીને વડા-પાંઉ આપતા'તા, હવે આમ કેમ અચાનક ડિશમાં આપવા માંડયા?'
સ્ટોલવાળો બોલ્યો, 'છાપાની પસ્તીમાં વીંટાળીને જે વડા-પાંઉ કે ખાવાની બીજી ચીજ ગ્રાહકને આપશે એને જેલની સજા થશે. જુઓ, મરાઠી છાપામાં સમાચાર આવ્યા છે એનું કટિંગ મોટા અક્ષરમાં ઝેરોક્સ કરાવી ચોંટાડયું છે એ વાંચો.'
વડા-પાંઉવાળી વાત સાચી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારતભરમાં ન્યૂઝ પેપરમાં ફૂડ-આઈટમ્સ બાંધીને આપવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે, કારણ કે વડાપાંઉ, સમોસા, કચોરી અને ગાંઠિયા જેવા તેલયુક્ત પદાર્થ ગરમ હોવાથી ન્યૂઝ પેપરની શાહી શોષી લે છે અને પછી એ શાહી ખાવાવાળાના પેટમાં જાય છે, જેને લીધે કેન્સર અને બીજી પેટની બીમારીનો ખતરો રહે છે. આ વાત સાંભળી કાકાનું મોઢું જરાક પડી ગયું અને વડા-પાંઉ ખાઈ લીધા પછી વસવસો કરતા બોલ્યા, 'હવે હું ગાંઠિયા પર સમાચાર કેવી રીતે વાંચી શકીશ? હવે મારે નાછૂટકે છાપું બંધાવવું પડશે. હશે, જે થયું એ સારું થયું, લોકશાહીમાં લોકના પેટમાં શાહી તો ન જ જવી જોઈએ ને!'
અંત-વાણી
આ ત્રણમાં ભારે ભેળસેળ થાય છેઃ
ભાણામાં
ખાણામાં
ગાણામાં
***
સવાલઃ ખાવામાં મિલાવટ થાય એને એક શબ્દમાં શું કહેવાય?
જવાબઃ ખાના-ખરાબી









