Editorial

શિક્ષક દિને શિક્ષકો માટે ખાસ મેળામાં શિક્ષણ જ ખોવાઈ ગયું

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગે શિક્ષકો માટે એક અનોખા મેળાનું આયોજન કર્યું હતું. આ મેળામાં શિક્ષકોને વસતી ગણતરી, પશુ ગણતરી, મેલેરિયા સર્વેક્ષણ, પાક સર્વેક્ષણ, રોડ શો માટે વિદ્યાર્થીઓની વ્યવસ્થા, આધાર કાર્ડ કન્ફર્મેશન, ઓનલાઈન ડેટા એન્ટ્રી, પ્રવેશોત્સવના ફોટા અપલોડ કરવા અને મિડ-ડે મીલનો હિસાબ રાખવા જેવી વિવિધ બિન-શૈક્ષણિક કામગીરીઓની તાલીમ આપવામાં આવી હતી. આ જોઈ શિક્ષકોમાં કચવાટ વ્યાપ્યો હતો. એક શિક્ષકે શિક્ષણ સંબંધી સ્ટોલ વિશે પૂછતાં, અધિકારીએ કહ્યું કે શિક્ષણ મેળાની ભીડમાં ખોવાઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિક્ષક દિને શિક્ષકો માટે ખાસ મેળામાં શિક્ષણ જ ખોવાઈ ગયું
  • અગડમ્ બગડમ્-બાબા આદમ
  • મેળામાં મતદાર યાદી, વસતી ગણતરી તાલીમના સ્ટોલ

એઆઈ કરતાં પણ સુપર ઈન્ટેલિજન્ટ શિક્ષણ ખાતાના અધિકારીઓને આઇડિયા આવ્યો કે આ વખતે શિક્ષક દિન આસપાસ જ મેળાઓની સીઝન આવે છે, તો ખાસ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે જ શિક્ષક મેળો ગોઠવો. તરત જ શિક્ષકોને તેમની ફરજના સ્થળથી નજીકના શિક્ષક મેળા ખાતે હાજર રહેવા આદેશો છૂટયા.
આ ઓર્ડરથી શિક્ષકજનતામાં કચવાટની લાગણી વ્યાપી, પરંતુ રજાના દિવસોમાં માથું ચકરાઈ જાય તેવી 'સર' સહિતની કામગીરીઓ કરવા ટેવાયેલા શિક્ષકો નાછૂટકે, કચવાતે મને મેળામાં ફરજ બજાવવા હાજર થઈ ગયા.
જોકે, મેળામાં ગોઠવેલા સ્ટોલ જોઈ શિક્ષકો ખુદ ચકરાઈ ગયા.
એક સ્ટોલ હતો, 'વસતી ગણતરી સ્ટોલ.' તેમાં લખ્યું હતું કે, 'શિક્ષક મિત્રોને અહીં વસતી ગણતરીની તાલીમ આપવામાં આવે છે. વસતી ગણતરીની પ્રક્રિયા, લોકોના આડાઅવળા સવાલોના જવાબો, ફોર્મ ભરાવવા ને ચેક કરવામાં શું ધ્યાન રાખવું તેની માહિતી અહીંથી અપાશે.'
મોટાભાગના શિક્ષકો આ સ્ટોલ પરથી ભાગ્યા. ત્યાં તો શિક્ષણાધિકારીની કચેરીના સ્ટાફના લોકો આગળ ફિલ્ડિંગ ગોઠવીને જ ઊભા હતા. તેમણે આ શિક્ષકોને કહ્યુું, 'આમ ભાગશો નહિ, તમારા કામના સ્ટોલ્સ તો આ બાજુ છે.'
શિક્ષકો ત્યાં પહોંચ્યાં તો એક સ્ટોલ પર લખ્યું હતું, 'પશુ ગણતરીની તાલીમ', બીજા પર લખ્યું હતું 'મેલેરિયા સર્વેક્ષણ', ત્રીજા પર લખ્યું હતું, 'પાકનું સર્વેક્ષણ', ચોથા પર લખ્યું હતું 'સરકારશ્રી દ્વારા આયોજિત રોડ શો- સંમેલન માટે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા તથા હાજરીની જવાબદારી'.
શિક્ષકો તો જાણે કોઈ ભૂતિયા જગ્યા પર આવી ગયા હોય તેમ છળી ઉઠયા અને આમતેમ દોડવા લાગ્યા. તો એક શિક્ષકને શિક્ષણ ખાતાંનો કર્મચારી ભટકાયો, તેના હાથમાં પ્લેકાર્ડ હતું, જેના પર લખ્યું હતું - 'વિદ્યાર્થીઓના આધાર કાર્ડ કન્ફર્મ કરાવો.' બીજા પર લખ્યું હતું, 'વિવિધ ડેટાની ઓનલાઈન એન્ટ્રી કરો, કોમ્પ્યુટરો પર બેસો.' ત્રીજા પ્લેકાર્ડ પર લખ્યું હતું, ' પ્રવેશોત્સવ અને બીજી સરકારી ઇવેન્ટોની શાળામાં ઉજવણીના ફોટા અપલોડ કરો.' ચોથામાં લખ્યું હતું, 'મિડ-ડે મીલનો હિસાબ રાખો'.
શિક્ષકો આમતેમ ગભરાઈને ફરતા રહ્યા, પરંતુ તેમને આવા બધા સ્ટોલ અને બેનરો જ ભટકાતાં રહ્યાં. આખરે એક શિક્ષકને આઇડિયા આવ્યો. તેઓ સામે ચાલીને શિક્ષણ ખાતાના એક અધિકારી પાસે ગયા અને કહ્યું, 'આ બધા સ્ટોલ ને પ્લેકાર્ડ પર લખેલી સૂચનાઓ ને એ બધું તો ઠીક છે. અમારા માટે તો આ પણ ફન એક્ટિવિટી જ છે, પરંતુ અમારી જે બેઝિક કામગીરી છે એ પ્રમાણે શિક્ષણને લગતો કોઈ સ્ટોલ છે ખરો? શિક્ષણ સામગ્રી, વિદ્યાર્થી પરીક્ષણ, પુસ્તકો, ગણવેશ, શાળામાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ એને લગતા કોઈ સ્ટોલ છે ખરા?'
એક અધિકારી મોઢું વકાસીને કહે, 'એ તો શું છે કે આ મેળાની ભીડમાં શિક્ષણ જરા ખોવાઈ ગયું છે… તમે આ બધું કામ પતાવો પછી સમય રહેશે તો એને શોધીશું.'
આટલું વાક્ય પૂરું કરતાં સુધીમાં તો અધિકારી મેળો છોડી પલાયન થઈ ગયા.
આદમનું અડપલું
શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ શિક્ષણ સહાયક તો દાયકાઓ સુધી સાધારણ જ રહે છે!